ડીંગુચા ગામ કે જ્યાં પ્રત્યેક પરિવારનો સભ્ય વિદેશમાં સ્થાયી છે
એનઆરઆઇ ગામમાં દવાખાનાથી પુસ્તકાલય સુધીની તમામ સુવિધાઓ
ઉપલબ્ધ
વાલીઓ સંતાનોને વિદેશ મોકલવા માટે ગમે તેટલું જોખમ અને
દેવું કરતાં પણ અચકાતા નથીઃપક્ષી ઘર અને શ્વાન માટે ભોજનાલય પણ છે
કલોલ:
અમેરિકામાં પ્રવેશ કરતા સમયે અસહ્ય ઠંડીથી મૃત્યુ પામેલ પટેલ પરિવારને કારણે
ડીંગુચા ગામ ચર્ચામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ આ ગામ આથક
રીતે સમૃદ્ધ અને શહેરોને પણ ટક્કર મારે તે હદે વિકસિત છે. ગામના પાટીદાર સમાજના
મોટાભાગના લોકો વિદેશમાં વસતા હોવાથી એનઆરઆઈ ગામ તરીકે પણ તેની ખ્યાતિ છે. ગામમાં
રહેલ તમામ નાની મોટી સુવિધાઓ અને વિકાસ આ
એનઆરઆઈ થકી જ થયેલ છે.ગામમાં દવાખાનાથી લઈને ગ્રામ પંચાયતનું મકાન
બાંધવામાં વિદેશમાં વસવાટ કરતા લોકોએ સંપૂર્ણ ફાળો આપ્યો છે.
કલોલથી માંડીને મહેસાણા સુધીના પટ્ટામાં રહેલ ગામડાઓ
ડોલરિયા ગામો તરીકે ઓળખાય છે. ડીંગુચા
સહીતના આસપાસના ગામડાઓમાં પાટીદાર સમાજના ઘર દીઠ ઓછામાં ઓછો એક સભ્ય કેનેડા,ઓસ્ટ્રેલિયા અને
અમેરિકામાં વસવાટ કરે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ગામની કુલ જનસંખ્યા ૩૨૮૪
જેટલી છે. અહીં હિન્દૂ ધર્મની તમામ જ્ઞાાતિઓનો વસવાટ છે. કલોલથી ૧૦ કિલોમીટર દૂર
આવેલ આ ગામમાં પહોંચવા માટે પાક્કી સડકનું નિર્માણ થયેલ છે. ગામમાં પ્રવેશતા અગાઉ
જ એક અદ્યતન સામુહિક કેન્દ્ર અને ભવ્ય દરવાજો નજર સામે દેખાય છે જે ગામના વિકાસ
અને સમૃદ્ધિની ચાડી ખાય છે. અહીંના રહેવાસીઓમાં વર્ષોેથી વિદેશમાં સેટલ થવાની ધૂન
સવાર છે. જેથી બાળકોને શાળાના શિક્ષણ બાદ તરત જ આઈઈએલટીએસની તૈયારીઓમાં લગાવી
દેવામાં આવે છે જેને કારણે તેઓ વિદેશ જઈ શકે. પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય,આથક પગભરતા તેમજ
ઉચ્ચ રહેણીકરણીની આશાએ વાલીઓ પોતાના સંતાનોને વિદેશ મોકલવા માટે ગમે તેટલું જોખમ
અને દેવું કરતા પણ અચકાતા નથી.
ડીંગુચા ગામમાં પ્રવેશ બાદ ઠેર ઠેર વિદેશમાં વિઝા મેળવી
આપવાના આઈઈએલટીએસ પરીક્ષાની તૈયારી કરાવનાર સંસ્થાઓની જાહેરાતો જોવા મળે છે. જે
ગ્રામવાસીઓનો અમેરિકા જવાનો ક્રેઝ દર્શાવે છે. આથક રીતે નબળા હોવાને કારણે
ગામમાંથી વર્ષો પહેલા લોકોએ અમેરિકા જવાનું શરુ કર્યું હતું જે આજદિન સુધી ચાલુ જ
છે. ગામવાસીઓ અગાઉ ફક્ત આથક સદ્ધરતા માટે વિદેશ જતા હતા પરંતુ હવે તેમાં ઉચ્ચ
શિક્ષણ,ઉજ્જવળ
ભવિષ્ય અને જીવનશૈલી જેવા મુદ્દા પણ ઉમેરાયા છે. ડીંગુચામાંથી અમેરિકા જતા નવા
લોકોને ત્યાં અગાઉથી વસવાટ કરી રહેલ ગામવાસીઓ સાચવી લે છે અને રહેવા,જમવા તથા નોકરીની
સગવડ કરી આપતા હોય છે.આ ગામના પાટીદાર સમાજના પરિવારોમાંથી ઓછામાં ઓછો એક
વ્યક્તિ વિદેશમાં સેટલ છે. આ ઉપરાંત
ડીંગુચાના મોટાભાગના પરિવારો કલોલ અને અમદાવાદ સ્થાઈ થઇ ગયા છે. આ પરિવારોના પણ
અસંખ્ય લોકો અમેરિકા અને કેનેડામાં વસવાટ કરે છે.
શહેરના જેવી માળખાકીય સુવિધાથી સુસજ્જ ગામ
ડીંગુચા ગામમાં શહેરોની માફક તમામ પ્રાથમિક સુવિધાઓ છે. ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રથી માંડી
પક્ષીઘર સુધીની તમામ જાહેર સુવિધાઓ છે.ડીંગુચામાં પ્રવેશવાના માર્ગે જ સામુહિક
આરોગ્ય કેન્દ્રનું વિશાળ મકાન દ્રષ્ટિગોચર થાય છે. આ મકાન ગામના જ એનઆરઆઈ દ્વારા તૈયાર કરીને સરકારને સુપરત
કરવામાં આવ્યું હતું.આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર,ડિલિવરી તેમજ
એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં પંચાયત તરફથી તંત્ર સમક્ષ માઈક્રોબાયોલોજી
લેબ તેમજ એક્સ રે મશીનની પણ માંગ કરવામાં આવી છે.
સમગ્ર ગામને પીવા અને વાપરવા લાયક સ્વચ્છ પાણી મળી રહે તે માટે
બે બોર બનાવવામાં આવ્યા છે. આ બોરનું પાણી નળવાટે ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે. ગામમાં
ગટરલાઈનનું ૮૦ ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. આ ઉપરાંત તમામ ફાળિયાઓમાં સીસી રોડ
બનાવીને બ્લોક નાખવામાં આવ્યા છે. ગામમાં વિદેશ વસવાટ કરતા ગ્રામવાસીઓની સંપૂર્ણ મદદથી
ગ્રામ પંચાયતનું પાક્કું મકાન બાંધવામાં આવ્યું છે. જેના ઉપરના માળે બાળકો અને વૃદ્ધો
માટે પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડીંગુચામાં દાતાઓના સહયોગથી એક અદ્યતન
સ્મશાન પણ બની રહ્યું છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે.
અહીં કચરાના કલેક્શન માટે અનેક ઠેકાણે ટ્રેકટર ટ્રોલીઓ મુકવામાં આવી છે.
ડીંગુચામાં બાળકોના શિક્ષણ માટે બે શાળાઓ છે જેમાં ધોરણ ૧થી
૮ સુધીની સરકારી શાળા છે તેમજ બીજી શાળા ગ્રાન્ટેડ છે જેમાં બાલ મંદિરથી લઈને ધોરણ
૧૨ સુધી શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિધાર્થીઓને ગણવેશથી માંડી ચોપડા
સુધીની શૈક્ષણિક સામગ્રી દાતાઓના માધ્યમ થકી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે
છે.ગામમાં આ ઉપરાંત પાંચ જેટલી સરકારી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ડીંગુચામાં ફક્ત ગ્રામવાસીઓની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમ નથી. અહીં
અબોલ પશુ-પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં દાતાઓ દ્વારા બે
પક્ષીઘરો બનાવવામાં આવ્યા છે. અહીં રોજ પક્ષીઓને ચણ અને પાણી મુકવામાં આવે છે.
અહીં કુતરાઓ માટે પણ એક અલાયદું ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૦
વર્ષથી અહીં બાજરીના રોટલા બનાવીને ગામના કુતરાઓને ખવડાવવામાં આવે છે તેમજ ખેતરોમાં રહેતા કુતરાઓ માટે પણ રોટલા મોકલવાની
વ્યવસ્થા છે.