વડોદરા,વડોદરામાં લાલબાગ ફ્લાઇ ઓવર બ્રિજના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ખાડા પડી ગયા છે અને ઉબડખાંબડ રોડને લીધે રોડની બિસ્માર હાલત બનતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાની અનુભવી રહ્યા છે. આમ છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઇ મરામતની કામગીરી કરવામાં આવતી નથી.
વોર્ડ નં.૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટરે આક્રોશભેર રજૂઆત કરતા કહ્યું છે કે અગાઉ ગણપતિ મહોત્સવ વખતે તંત્રે કહ્યું કે ખાડા પૂરાણની કામગીરી થઇ જશે ગણેશોત્સવતો ઠીક છે નવરાત્રિ મહોત્સવ પણ પૂરો થયો, પરંતુ રોડ પર ખાડા યથાવત છે. શહેરમાં રહીએ છીએ કે ગામડામાં તેની જ ખબર પડતી નથી. સરકાર દ્વારા પણ માર્ગ મરામત સંદર્ભે તાત્કાલિક સમારકામ માટે તંત્રને આદેશ કરાયા હતા, આમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. બીજું અવારનવાર લિકેજના બનાવોને કારણે રોડ ધોવાતા ખાડા પડે છે. લાલબાગ બ્રિજ નીચેથી પસાર થતા સર્વિસ રોડની હાલતથી લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ તંત્રે શહેરના ચારેય ઝોનમાં રોડ રિપેરિંગ અને ખાડા-પૂરાણની કામગીરી માટે વાતો કરી હતી પરંતુ જો કામગીરી થઇ હોય તો આવા ખાડા જોવા ન મળે. વેળાસર ખાડા પૂરવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


