વિપુલના શંકાસ્પદ મોત અંગે સમાજ આંદોલનના માર્ગે : ન્યાય માટે દેવીપુજક સમાજની બેઠક ; ઉપવાસ આંદોલનની ચીમકી
વડોદરા,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર
વડોદરા શહેરના માંજલપુરના સુબોધનગરમાં કિશોરના શંકાસ્પદ શંકાસ્પદ ગળેફાંસા અંગે પરિવારજનોએ હત્યાની આશંકા સેવી છે. જેના સંદર્ભે મૃતકને ન્યાય હેતુ સમાજની બેઠક મળવા પામી હતી. જેમાં હવે ભાદરવા મંદિર ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વડોદરા શહેરના માંજલપુરના સુબોધ નગરમાં ચાલતા સત્ના દરબારમાં શ્વાનોને બાંધવાના પટ્ટા સાથે કિશોરનો લટકેલો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, શ્વાનને બાંધવાનો પટ્ટો પહેલા પંખે બાંધવામાં આવ્યો અને ત્યાર બાદ કિશોરને લટકાવી તેની હત્યા કરવામાં આવી છે. મૃતક વિપુલ અને તેની માતા જોડે મકાન માલિક બળજબરી પૂર્વક ઘરકામ કરાવતા હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. આ ઘટનાના પગલે માંજલપુર પોલીસ અને એફએસએલની ટીમએ કથિત હત્યા કે આત્મહત્યા અંગે તપાસ હાથ ધરી છે. મૃત્યુ અંગે પરિવાર તથા સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. આજે વિપુલને ન્યાય મળે તે માટે દેવીપુજક સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતકના પિતા તથા સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી કે, પીઆઈએ અંતિમવિધિ બાદ કડક પગલાં ભરવાની ખાતરી આપ્યા બાદ આજે ત્રણ દિવસ છતાં કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. અમને અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વખત આવ્યો છે. જ્યારે સામા પક્ષ તરફથી હજુ સુધી નોંધ લીધી નથી. ગળે ફાંસો શંકાસ્પદ છે તેને મારીને લટકાવી દીધો છે. જો પોલીસ વહેલી તકે આરોપીઓ સામે ફરિયાદ દાખલ નહીં કરે તો ભાદરવા ખાતે મંદિરે ઉપવાસ આંદોલન કરીશું.