વડોદરાનો વારસો ન્યાયમંદિર નહી સચવાય તો અલભ્ય વસ્તુઓ ચોરાશે
ન્યાયમંદિરને સિટિ મ્યુઝિયમ સેમિનાર હોલ, લાયબ્રેરી, આર્ટગેલેરી તરીકે વિકસાવવા ત્વરીત આયોજન કરવું જોઇએ
વડોદરા, તા.8 ફેબ્રુઆરી, શનિવાર
વડોદરા શહેરના ઐતિહાસિક વારસા ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ તથા વિવિધ પ્રવૃત્તિ માટે કાર્યાન્વિત કરવાની માંગણી કરવામાં આવી છે. ગઇકાલે વડોદરાના મહારાજાએ ન્યાયમંદિરને સાચવવા મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા બાદ આજે કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયમંદિરને બચાવવા માટે માંગણી કરી છે.
વડોદરા શહેર સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે આ સાંસ્કૃતિક પાટનગરનો વારસો શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આપ્યો છે. વડોદરાની ઓળખ સમા સ્થાપત્યો રાજવી કુંટુંબે સરકારને સોંપ્યા હતા જો કે આ સ્થાપત્યોની જાળવણી થતી નથી તેવી ટકોર રાજવી કુટુંબના ઉત્તરાધિકારી મહારાજા સમરજીતસિંહે કરી છે. વડોદરાના સ્થાપત્યો પૈકીની એક ઐતિહાસિક ઇમારત એટલે શહેરના મધ્યમાં આવેલી ન્યાયમંદિર. કોર્ટ દિવાળીપુરા ખસેડયા બાદ ન્યાયમંદિરનો ઉપયોગ બંધ થઇ ગયો છે. શરૃઆતમાં કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ તેમજ અન્ય સંસ્થાઓએ ન્યાયમંદિરને સિટિ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યુ હતું પરંતુ આજદિન સુધી તેના પર કોઇ અમલ થયો નથી.
ન્યાયમંદિરને સાચવવામાં નહી આવે તો ખંડેર અવસ્થામાં થઇ જશે, ધીરે ધીરે ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ શરૃ થશે, અંદરની અલભ્ય વસ્તુઓ ચોરીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી તેમ જણાવી ડભોઇના ધારાસભ્યએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં કહ્યુ છે કે ન્યાયમંદિરને સાચવવામાં નહી આવે તો તેની હાલત નઝરબાગ પેલેસ જેવી થાય તેવી શક્યતા છે. ન્યાયમંદિર એટલુ અદભુત છે કે અંદર મોટો હોલ છે, વર્ષો પહેલા રંગોળી પ્રદર્શનો થતા હતા, મોટી મોટી ગોષ્ઠીઓનું આયોજન થતુ હતુ એ સેમિનાર હોલ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. ન્યાયમંદિરનો ઉપયોગ મલ્ટીપર્પઝ થઇ શકે તેવી રીતે વિકસાવવું જોઇએ, વિશાળ બિલ્ડીંગ હોવાથી સિટિ મ્યુઝિમય ઉપરાંત આર્ટ ગેલેરી બનાવી શકાય તેમજ કલાકારો પણ તેનો ઉપયોગ કરી શકે છે. ધારાસભ્યએ ત્વરીત આયોજન કરવાની માંગણી કરી છે જેથી વડોદરાનો વારસો જળવાશે તેમજ આવનારી પેઢીને વડોદરા શહેરની ભવ્યતા, તેના ભવ્ય ભૂતકાળ તરફ આકર્ષણ વધશે અને પોતાના શહેર પ્રત્યેનો પ્રેમ પણ વધશે.