Get The App

મ્યુનિ.ની હેલ્થ કમિટીમાં લેવાયેલો નિર્ણય, હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોમાંથી કીચન વેસ્ટના નિકાલ માટેની કામગીરી સોંપાઈ

પ્રતિ કીલોગ્રામ ૦.૮૯ રુપિયાનો લોએસ્ટ ભાવ ભરનાર સોહમ બાયોમીથેન પ્રા.લી.મધ્ય અને પૂર્વના વિસ્તારમાં કામગીરી કરશે

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
મ્યુનિ.ની હેલ્થ કમિટીમાં લેવાયેલો નિર્ણય, હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોમાંથી કીચન વેસ્ટના  નિકાલ માટેની કામગીરી સોંપાઈ 1 - image

 


અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022

અમદાવાદ શહેરમાં આવેલા હોટલ,રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ એકમોમાંથી રોજ નીકળતા કીચન વેસ્ટના નિકાલ માટે પ્રતિ કીલોગ્રામ ૦.૮૯ રુપિયાનો લોએસ્ટ ભાવ ભરનાર સોહમ બાયો મીથેન પ્રા.લી.ને મધ્ય અને પૂર્વના વિસ્તારમાં આવેલા કોમર્શિયલ ઉપરાંત સરકારી અને અર્ધ સરકારી એકમોમાંથી કીચન વેસ્ટ એકત્ર કરી તેમને સુચવવામાં આવે એ સ્થળે અંતિમ નિકાલ કરવાની કામગીરી આપવા મ્યુનિ.ની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.

મ્યુનિ.દ્વારા વર્ષ-૨૦૧૩માં મધ્ય અને દક્ષિણ ઝોનના જુથ નંબર-બે અને ઉત્તર અને પૂર્વના જુથ નંબર-ત્રણ હેઠળ કોર્પોરેશન હદમાં આવેલા હોટલ,રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં રોજેરોજ નીકળતા કીચન વેસ્ટના નિકાલ માટે અલગ અલગ સ્થળોએથી કીચન વેસ્ટ એકઠો કરી પોતાના બંધ બોડીના વાહન દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરી સોલિડ વેસ્ટ વિભાગ તરફથી જે સ્થળ સુચવવામાં આવે એ સ્થળે પહોંચાડી તેનો અંતિમ નિકાલ કરવા અંગેની કામગીરી સાત વર્ષના સમય માટે સોંપવામાં આવી હતી.આ કોન્ટ્રાકટની સમયમર્યાદા નવેમ્બર-૨૦૨૦માં પુરી થઈ જતા મ્યુનિ.તરફથી આ કામગીરી માટે નવેસરથી ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાન કુલ સાત એજન્સીઓએ આ કામગીરી મેળવવા માટે ટેન્ડર ભર્યુ હતુ.સાત એજન્સીઓ પૈકી પ્રતિ કીલોગ્રામ ૦.૮૯ રુપિયાના ભાવ સાથે સોહમ બાયોમીથેન પ્રા.લી.દ્વારા એલ-૧ તરીકે, સફર બાયોએનર્જી પ્રા.લી.એ એલ-૨ તરીકે પ્રતિ કીલોગ્રામ ૦.૯૫ રુપિયાના ભાવથી અને સ્નેલ બાયોસાયન્સ પ્રા.લી.દ્વારા પ્રતિકીલોગ્રામ રુપિયા ૧.૧૯ના ભાવથી એલ-૩ તરીકે ટેન્ડર ભરવામાં આવતા સૌથી ઓછો ભાવ પ્રતિકીલોગ્રામ ભાવ ભરનારા સોહમ બાયોમીથેન પ્રા.લી.ને આ કામગીરી સોંપવા હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

કયા-કયા સ્થળેથી કીચન વેસ્ટ એકઠો કરવામાં આવશે?

મધ્યઝોન ઉપરાંત દક્ષિણ ઝોન(જુથ નંબર-૨)માં આવેલા હોટલ,રેસ્ટોરન્ટ ઉપરાંત ખાણી-પીણીનાં ધંધાવાળા તથા લગ્ન મંડપ,વાડી,હોલ,કેન્ટીન, મોલ,ખાણી-પીણીની સુવિધા ધરાવતા મોટા સરકારી તેમજ અર્ધ સરકારી એકમો, ખાનગી એકમો, ઈન્સ્ટીટયુટસ, શૈક્ષણિક સંકુલો વગેરે જેવા બિન રહેણાંક એકમોમાંથી નીકળતા કીચન વેસ્ટને(ખાદ્ય પદાર્થનો કચરો) સ્થળ ઉપરથી જ અલગ અલગ એકત્ર કરી પોતાના બંધ બોડીના વાહન દ્વારા સોલીડ વેસ્ટ વિભાગ તરફથી જે સ્થળ સુચવવામાં આવશે એ સ્થળે કોન્ટ્રાકટરના માણસો વાહનની મદદથી આખરી નિકાલની કામગીરી કરશે.