ગલ્લાંને આડેધડ 'સીલ' મારવાના બદલે ચોક્કસ પોલિસી નક્કી કરો
- પાનના 'સીલ' કરાયેલા ગલ્લાના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ગરમાઇ
- ચેરમેન-સભ્ય અને અધિકારીઓ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા કોરોનાના સંક્રમણને ડામવા કડક તો થવું પડે - કમિશનર
અમદાવાદ, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર
અમદાવાદમાં 500થી વધુ પાનના ગલ્લાંઓ 'સીલ' કરી દેવાતા અને કેટલાંકે જાતે બંધ કરી દેતા વિવાદ ખડો થયો છે. આ મુદ્દે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીના ઝીરો અવર્સમાં પણ ગરમાગરમ ચર્ચા થઇ હતી.
એક સિનિયર સભ્યએ પાનના ગલ્લાંઓને કયા નિયમોના આધારે 'સીલ' કરો છો ? ચેરમેને પણ તેમાં સૂર પુરાવ્યો હતો. જેના જવાબમાં સોલીડવેસ્ટ ખાતાના અધિકારીએ કહ્યું હતું કે, સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું, પાન ખાયને લોકો થુંકે છે એટલે પગલાં લેવામાં આવે છે. અગાઉ પણ 'સીલ' મરાતા જ હતાં.
જ્યારે કમિશનર મુકેશ કુમારે કહ્યું હતું કે કોરોનાનો રોગચાળો ચાલે છે, ત્યારે કડકાઇ તો કરવી જ પડશે. નિયમોનો ભંગ ચલાવી ના લેવાય. ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું હતું કે, આ અંગે ચોક્કસ પોલીસી ઘડો, ક્યાં કેટલો દંડ લેવો, ક્યાં 'સીલ' મારવા તેના નિયમો નક્કી કરો.
સવાલ ઉપાડનાર સભ્યએ ફરી કુદી પડીને તંત્રની ભૂલ હોય ત્યાં સંબંધિત અધિકારી-કર્મચારીને કેમ નથી દંડતા તેમ કહીને ઉમેર્યું હતું કે, રોડ પર ગંદકી હોય છે, ખાબોચિયા ભરેલા હોય છે, ઝાડ કાપ્યા હોય કે ટ્રીમ કર્યા હોય તેનો કચરો પડેલો હોય છે, તેનાથી પણ મચ્છરો થાય છે. આદિત્ય હોસ્પિટલ પર કચરો લેવા મ્યુનિ.ની કચરાગાડી ગઇ હતી, હોસ્પિટલને દંડ કરાયો પણ મ્યુનિ.ની ગાડી મોકલનારને કેમ દંડ ના કરાયો ?
અત્રે ઉલ્લેખનીય છે કે ગલ્લા બંધ થવાથી ગલ્લાવાળા ઉપરાંત વ્યસનીઓ પણ અકળાઇ ઊઠયા છે. રાજકિય હોદ્દેદારો પર દબાણ અને રજૂઆતો આવતા તેઓ પણ વિમાસણમાં છે. સ્ટેન્ડિંગના એજન્ડા મીટીંગમાં જ કડક રજૂઆતનું નક્કી થયું હતું. જો કે કોઇ કારણોસર કાલથી ઝુંબેશ હળવી છે.
ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસો.એ આ પ્રશ્ને હાઇકોર્ટમાં જવાની ચેતવણી ઉચ્ચારી છે.
આ ઉપરાંત ઝીરો અવર્સમાં કોર્પોરેશનની પૂર્વ અને ઉત્તર ઝોનમાં બિનઉપયોગી પડી રહેલી મ્યુનિ.ની પ્રોપર્ટીઝનો ઉપયોગ થાય તે માટે રિનોવેશન કરીને કે નવેસરથી બાંધકામ કરીને જમીન-મિલકતને વાપરવાનું શરૂ કરવું જોઇએ.
આવી કેટલી મિલકતો છે ? તેમ પૂછતાં ચેરમેને કહ્યું હતું કે એસ્ટેટ ખાતાને તેની જાણ હશે. ખરેખર તો બે ઝોન નહીં તમામ ઝોનમાં પ્લોટોમાં દબાણો છે અને ખાલી મિલકતો ધૂળ ખાય છે. તેમજ મેટ્રોરેલની કામગીરી ચાલે છે તેના સર્વીસ રોડ બિસ્માર છે, તે રિપેર કરાવવા જોઇએ.'
ઈડબલ્યુએસના મકાન નોંધાવા આવનાર પાસે 1 લાખથી ઓછી આવકના દાખલા માગવામાં આવે છે જ્યારે ચોરામાં 1.50 લાખથી નીચેના દાખલા મળતા જ નથી, આ વિસંગતતા દૂર થવી જોઇએ વગેરે બાબતે ચર્ચા થઇ હતી. ભૂવા પડવા કે સેટલમેન્ટના રિપેરીંગની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જોઇએ તેમ પણ ચેરમેને કહ્યું હતું. નવા ખોદકામ, જુની લાઇનોના લીકેજીસ અને મેનહોલ બેસી જવાના કારણે સેટલમેન્ટ થાય છે.