વડોદરા કોર્પોરેશન દ્વારા ગુમાસ્તાધારાના લાઈસન્સ આપવાની કામગીરીનું વિકેન્દ્રીકરણ
- તારીખ 10થી જે તે વોર્ડઓફિસથી કામગીરી થશે
- હાલ એક વર્ષ પ્રોવિઝનલ લાઇસન્સ અપાશે ધારાધોરણ નક્કી થતા લાઈફ ટાઈમ મળી શકશે
વડોદરા, તા. 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુમાસ્તાધારા નોંધણી માટે તારીખ 10થી જે તે વોર્ડ ઓફિસે સંપર્ક કરવાનો રહેશે. એટલે કે ગુમાસ્તાધારા કચેરીની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 1948 હેઠળ શહેર વિસ્તારની દુકાનો અને વેપારી સંસ્થાઓની નોંધણીની કામગીરી નવરંગ સિનેમા રોડ, રાવપુરા ખાતે કાર્યરત ગુમાસ્તા શાખા કચેરીએ થાય છે.
વડોદરામાં ગુમાસ્તાધારાનું લાયસન્સ આપવાની પ્રથા વર્ષો જૂની છે અને અલગ વિભાગ પણ કાર્યરત છે. વર્ષોથી ગુમાસ્તાનું લાઇસન્સ દર ત્રણ વર્ષે રીન્યુ કરવામાં આવે છે, પરંતુ હવે સરકારે લાઈફ ટાઈમ આપવાનો નિર્ણય કર્યો છે. ગુમાસ્તા શાખાના વિકેન્દ્રીકરણ બાદ તે બંધ થઈ જશે. શહેરમાં એક જ સ્થળેથી ગુમાસ્તાનું લાયસન્સ અપાતુ હોવાથી અત્યાર સુધી લોકોને દૂર-દૂરથી આવવું પડતું હતું.
જો કે પ્રોફેશનલ ટેક્સ માટે અને ગુમાસ્તાધારા લાયસન્સ માટે કામગીરી કરતો ક્લાર્ક અલગ-અલગ હોવાથી કોઈ સંકલન રહેતું ન હતું. વિકેન્દ્રીકરણ કરાયા બાદ હવે ગુમાસ્તાધારાનું લાયસન્સ લેવા આવનાર પ્રોફેશનલ ટેક્સ ભરે છે કે કેમ તે ખબર પડી જશે અને જો નહીં ભરતો હોય તો તેની પાસેથી વસૂલ કરી શકાશે.
આમ થતાં કોર્પોરેશનની આવક પણ વધશે. હજુ સુધી સરકાર તરફથી ધોરણો નક્કી કર્યા ન હોવાથી અમદાવાદ, સુરત, જેમ હાલ પ્રોવિઝનલ લાઇસન્સ એક વર્ષ માટે અપાશે ત્યાં સુધીમાં સરકારી સ્તરે પણ ધારાધોરણ નક્કી થયા બાદ આજીવન લાઈસન્સ સરકાર નક્કી કરે તે ફી લઈને આપી શકાશે. ગુમાસ્તાધારાનું લાયસન્સ દુકાનદારો, વેપારીઓ, હોટલો સહિતના તમામ ધંધાર્થીઓને ફરજીયાત લેવાનું હોય છે. હાલમાં લાયસન્સ રીન્યુ કરવા માટે ધસારો રહે છે.