Get The App

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત 11માંથી સરેરાશ 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે

-કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને

- ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં પ્રત્યેક ૧૭ જ્યારે મધ્ય પ્રદેશમાં ૧૫ કોરોનાગ્રસ્ત વ્યક્તિમાંથી ૧નું મૃત્યુ

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News

અમદાવાદ, મંગળવાર

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે રૌદ્ર રૃપ બતાવી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસ ગુજરાતમાં ૧૪ લોકોને ભરખી ગયો છે. આમ, કોરોનાથી દેશમાં સૌથી વધુ મૃત્યુ થયું હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. જોકે, મૃત્યુદરની રીતે ગુજરાત મોખરે છે. જે રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેમાંથી ગુજરાતમાં મૃત્યુ દર ૧૦.૯૩%, મહારાષ્ટ્રમાં ૧૬.૯૬% જ્યારે મધ્ય પ્રદેશમાં ૧૪.૮૮% છે.

આ સ્થિતિ જોતાં કહી શકાય કે ગુજરાતમાં કોરોનાના ૧૧ કેસમાંથી સરેરાશ ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. કોરોનાના આ ઊંચો મૃત્યુદર મહાજોખમના 'એલાર્મ' સમાન છે. ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં ૧૭૫ કેસ નોંધાયા હતા. જેમાંથી ૪ હજુ વેન્ટિલેટર પર છે અને ૧૩૨ સ્ટેબલ છે. હજુ સુધી ૨૫ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૩ ટેસ્ટ લેવાયા છે અને તેમાંથી ૩૨ પોઝિટિવ-૫૨૧ નેગેટિવ આવ્યા છે જ્યારે ૧૨૦ પેન્ડિંગ છે. આમ, પેન્ડિંગ કેસનો આ આંક આગામી દિવસોમાં વધુ ચિંતા પેદા કરી શકે છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં મહારાષ્ટ્ર ૬૦ સાથે મોખરે છે. જોકે, મહારાષ્ટ્રમાં કુલ ૧૦૧૮ કેસ નોંધાયા છે અને તેમાંથી ૭૦ સાજા થયા છે જ્યારે ૮૮૮ સારવાર હેઠળ છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત પ્રત્યેક ૧૭ વ્યક્તિમાંથી ૧ મૃત્યુ પામે છે.

સમગ્ર દેશમાં કોરોનાના કુલ ૫૩૧૧ કેસ છે. જેમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાતનું પ્રમાણ ૩.૩૪% છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૪૦%, તામિલનાડુમાં ૧૩.૧૫% આ પ્રમાણ છે. કોરોનાના સૌથી વધુ કેસમાં તામિલનાડુ ૬૯૦ સાથે બીજા, દિલ્હી ૫૫૦ સાથે ત્રીજા, તેલંગાણા ૪૦૪ સાથે ચોથા જ્યારે રાજસ્થાન ૩૪૩ પાંચમાં સ્થાને છે. કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત અને કર્ણાટક સંયુક્ત ૧૦માં સ્થાને છે. જોકે, કર્ણાટકમાં નોંધાયેલા ૧૭૫ કેસમાંથી ૪ના મૃત્યુ થયા છે.

કયા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ

રાજ્ય   કેસ     મૃત્યુ

મહારાષ્ટ્ર       ૧૦૧૮ ૬૦

મધ્ય પ્રદેશ     ૨૬૮   ૧૮

ગુજરાત        ૧૭૫   ૧૬

તેલંગાણા       ૪૦૪   ૧૧

તામિલનાડુ     ૬૯૦   ૦૭

દિલ્હી  ૫૫૦   ૦૭

કર્ણાટક ૧૭૫   ૦૪

ઉત્તર પ્રદેશ     ૩૦૫   ૦૩

આંધ્ર પ્રદેશ     ૩૦૪   ૦૩

પ. બંગાળ      ૧૭૫   ૦૩

જમ્મુ કાશ્મીર   ૧૨૫   ૦૩

દેશમાં કુલ      ૫૨૩૭ ૧૫૦

Tags :