Get The App

રખિયાલમાં ક્રેઇનની અડફેટે મ્યુનિ.સફાઇ કામદારનું મોત

- ગુરૂવારે સવારે પોણા દશ વાગ્યે બનેલો બનાવ

- મ્યુનિ.સફાઇ કામદારો ઉશ્કેરાયા, પોલીસ અને ડે.મ્યુનિ.કમિશનર દોડી આવ્યા, ન્યાય, વળતરની ખાત્રી મળતા મામલો શાંત થયો

Updated: Feb 3rd, 2022

GS TEAM

Google News
Google News
રખિયાલમાં ક્રેઇનની અડફેટે મ્યુનિ.સફાઇ કામદારનું મોત 1 - image

અમદાવાદ,તા.03 ફેબ્રુઆરી 2022,ગુરૂવાર

રખિયાલ ગુજરાત બોટલિંગ પાસે આજે સવારે પોણા દશ વાગ્યે એક માર્ગ અકસ્માતમાં મ્યુનિ.સફાઇ કામદારનું મોત નિપજ્યું હતું. ખાનગી ક્રેઇનની નીચે ચગદાઇ જવાથી આ કામદારનું મરણ થયું હોવાનું સફાઇ કામદારોનું કહેવું છે. ઘટનાની જાણ થતા જ સફાઇ કામદારો  મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો. પોલીસ અને પૂર્વ ઝોનના ડે.મ્યુનિ.કમિશનર પણ દોડી આવ્યા હતા.

અમરાઇવાડી વોર્ડના સફાઇ કામદાર મહેશ હરીભાઇ વાઘેલા કે જેઓ ૩૫ વર્ષના છે અને મ્યુનિ.સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. સફાઇ કામદારોના જણાવ્યા મુજબ તેઓ સવારે પોણા દશ વાગ્યે રખિયાલ ગુજરાત બોટલિંગ પાસેના રોડની સફાઇ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક ક્રેઇન આવી ચઢતા તેઓ અકસ્માતે જ ક્રેઇનની નીચે આવી ગયા હતા. જ્યાં તેઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માત સર્જાતા ક્રેઇન ચાલક ક્રેન મુકીને ભાગી ગયો હતો. માર્ગ અકસ્માતમાં ચાલુ ફરજે સફાઇ કામદારનું મોત થયું હોવાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં મ્યુનિ.સફાઇ કામદારો દોડી આવ્યા હતા.તેઓએ સફાઇ કામદારોની સુરક્ષાના મામલે હાબોળા મચાવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. અકસ્માતના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પૂર્વ ઝોનના ડે.મ્યુનિ.કમિશર પણ દોડી આવ્યા હતા. તેઓએ સફાઇ કામદારોને સમજાવ્યા હતા. તેમની સુરક્ષાની ખાત્રી આપી હતી અને મળવાપાત્ર તમામ સરકારી લાભો અપાવવાની ખાત્રી આપી હતી. ત્યાર બાદ મામલો શાંત થયો હતો. 

મ્યુનિ.સફાઇ કામદારનું અકસ્માતમા ંમોત થતા તેના પરિવાર પર મોટી આફત આવી પડી છે. રહેમરાહે તેમના પરિવારના કોઇ સભ્યને નોકરી આપવામાં આવે તેવી પણ માંગણી કરાઇ હતી.

ત્રણ વર્ષમાં અકસ્માતમાં ત્રણ સફાઇ કામદારોનું અકસ્માતમાં મોત

પૂર્વ અમદાવાદમાં છેલ્લા ત્રણેક વર્ષમાં આશરે ત્રણ જેટલા સફાઇ કામદારોનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સફાઇ કામદારોના આગેવાનોનું કહેવું છે. રાત્રિ સફાઇ દરમિયાન અકસ્માતનું જોખમ વધુ રહે છે. દિવસે ચાલુ રોડની સફાઇ કરાવની થતી હોવાથી પણ અચાનક વાહનની અડફેટે આવી જવાતું હોય છે.

ફરજ દરમિયાન મોતને ભેટનાર મ્યુનિ.સફાઇ કામદારોના પરિવારમાંથી કોઇ એકને સરકારી નોકરી આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી છે.