Get The App

ઝોન-૨ના સ્ટાફે ઝોન-૭ની હદમાં જુગાર અંગે દરોડો પાડી કાર્યવાહી કરી

પોલીસ કમિશનરે વિવિધ ઝોનના ડીસીપીને ક્રોસ રેડ કરવા સૂચના

સરખેજમાં બિલાલ પાર્કમાં ઘણા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હતોઃ સંચાલક સહિત ૧૯ જુગારીઓ ઝડપાયા

Updated: Sep 2nd, 2023


Google NewsGoogle News

 ઝોન-૨ના સ્ટાફે ઝોન-૭ની હદમાં જુગાર અંગે  દરોડો પાડી કાર્યવાહી કરી 1 - imageઅમદાવાદ, શનિવાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નિષ્ક્રિય પોલીસની કારણે ગુનાખોરી ન વધે તે માટે પોલીસ કમિશનર  દ્વારા શહેરના વિવિધ ઝોનના ડીસીપીને અન્ય ઝોનના ડીસીપીની કાર્યક્ષેત્રમાં પણ દરોડો પાડવા માટે સુચના આપી છે. જે સુચનના ભાગરૂપે  શુક્રવારે  ડીસીપી ઝોન-૨ના સ્ટાફ દ્વારા ડીસીપી ઝોન-૭ના કાર્યક્ષેત્રમાં આવતા સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં  ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત૧૯ જુગારીઓને ૯૨ હજારની રોકડ સહિત કુલ ૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદેસર કામોને કાબુમાં લેવા માટે ડીસીપી ઝોનનો સ્કેવ્ડ બનાવવામાં આવ્યો છે. પરંતુ, ઘણા કિસ્સામાં  આ સ્કોવ્ડ દ્વારા સંતોષજનક કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર જી એસ મલેક દ્વારા વિવિધ ઝોનના ડીસીપીને તેમના ઝોન સિવાય અન્ય ઝોનમાં પણ દરોડાની કાર્યવાહી કરવાની સુચના આપી છે.  જે અનુસંધાનમાં  પોલીસ કમિશનરની સુચનાનો પ્રથમવાર અમલ થતા પોલીસ બેડામાં આ મુદ્દો ચર્ચામાં છે. જેમાં ડીસીપી ઝોન-૨ને ઝોન-૭ની હદમાં આવેલા સરખેજમાં ચાલતા જુગારના અડ્ડા પર ુશુક્રવારે સાંજે દરોડો પાડવાની કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જે અનુસંધાનમાં ડીસીપી ઝોન-૨ના  પીએસઆઇ આઇ ડી પટેલે  તેમના સ્ટાફ સાથે સરખેજમાં બિલાલ પાર્કમાં રહેતા ઇકબાલ ઘાંચીના જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી.  આ દરમિયાન સ્થળ પરથી પોલીસે ૯૨ હજારની રોકડ, મોબાઇલ અને ટુ વ્હીલર, કોઇન અને પ્લે કાર્ડ સહિત રૂપિયા ૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે ઇકબાલ ઘાંચી સહિત કુલ ૧૯ જુગારીઓ ઝડપાયા હતા. બીજી તરફ આ દરોડાથી ઝોન-૭ની સ્કેવ્ડ ઉપરાંત, સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.  સુત્રોના જણાવ્યા મુજબ  આ જુગારનો અડ્ડો છેલ્લાં ઘણા મહિનાઓથી ચાલતો હતો. ત્યારે પોલીસ કમિશનરની આ વ્યુહ રચનાથી ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે.


Google NewsGoogle News