કુદરતી અને માનવસર્જિત આફતોમાં વડોદરાને સુરક્ષિત રાખવા સર્વે શરૃ
'નાસા' ના કાર્યક્રમ સાથે જોડાયેલી ટીમ એક વર્ષ સર્વે કરી શહેરની સલામતી માટે જરૃરી સુધારાવધારા સૂચવશે
વડોદરા, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
વડોદરામાં પૂર, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી અને કેમિકલ બ્લાસ્ટ કે આગ જેવી માનવસર્જિત ઘટનાઓમાં શહેરમાં મૂળભૂત સુવિધાઓ ચાલુ રહે અને લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે ડેટાબેઝ સર્વે 'નાસા' ના કાર્યક્રમ સાથે જોડાયેલી ટીમ દ્વારા શરૃ કરાયો છે.
એક વર્ષ ચાલનારા આ સર્વે બાદ શહેરમાં શું-શું તકેદારી લેવા જેવી છે અને શું-શું સુધારો કરવાની જરૃર છે તેની પણ ભલામણ સર્વે બાદ સુપરત થનારા રિપોર્ટમાં કરાશે. આ રિપોર્ટ મુજબ માળખાગત સવલતોમાં જરૃરી સુધારા-વધારા કરાય તો શહેર સલામત અને સુરક્ષિતત બની શકે તેમ કોર્પોરેશનનું માનવું છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વડોદરાની સૌપ્રથમ પસંદગી થઇ છે. સમગ્ર પ્રોજેકટનો ખર્ચ ટીમ 'નાસા' દ્વારા કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત સૌપ્રથમ વખત સાર્ક દેશોના શહેરો પૈકી વડોદરાનો ''ઓપન ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર એક્સપોઝર ફોર ડિઝાસ્ટર ફોસ્કાસ્ટિંગ મિટિગેશન એન્ડ રિસ્પોન્સ''ના સર્વે માટે સમાવેશ કરવામાં આવેલો છે. કોલમ્બિયા યુનિવર્સિટી - ન્યુયોર્ક, નાસા સાથે જોડાયેલી ઇમેજકેટ અને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફોરમેશન નેટવર્ક દ્વારા વડોદરા શહેરનો સર્વે કરવામાં આવશે. સર્વેમાં વિવિધ પાસાનો અભ્યાસ કરી તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આ ડેટા મળતા કોર્પોરેશન અને સરકારી સંસ્થાઓને જોખમોને લીધે સંભવિત નુકસાનને અટકાવવા માટે ડેટા પ્રાપ્ત મળશે. આ જોખમો ઘટાડવા માટે વિવિધ નીતિઓ ઘડવામાં ડેટા સત્તાધીશોને મદદરૃપ થશે. કોઇ આફતની સ્થિતિ ઊભી થાય તો તેવા સમયે જરૃરી આંકડા જોઇતા હોય તો તે પણ મળી શકશે. ઉર્જા અને જળ ક્ષેત્રની વિવિધ એજન્સીઓને પાવર ગ્રીડ, પાવર અને પાણી સુવિધાઓ અને નેટવર્ક વગેરે શહેરને પુરૃ પાડી શકે તેની પણ માહિતી મળી શકશે. આજે નાસાની ટીમ સાથે કોર્પોરેશનના હોદેદારો, અધિકારીઓ, એમ.એસ. યુનિવર્સિટી, વીજ નિગમ વગેરેના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રેઝન્ટેશન કરાયુ હતું.
વડોદરા શહેરમાં ગત ચોમાસામાં આવેલુ પુર અને પછીની પરિસ્થિતીની તેમજ વિશ્વામિત્રી પ્રોજેકટ અંગેની ચર્ચા થઇ હતી. દરમિયાન આ ટીમે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં બેસીને ફાયર અને જીઆઇએસનો ડેટા મેળવીને સર્વેની કામગીરી શરૃ કરી દીધી હતી.