આજથી દશામાનું વ્રત શરૂઃ મૂર્તિઓનાં વેચાણમાં 25થી 30 ટકાનો ઘટાડો
- મીનાવાડા મંદિર બંધ રહેશેઃ વેપારીઓે અને ભક્તો દુઃખી
- ખરીદી નીકળી છતાં કોરોનાકાળની મંદી વેપારી વર્ગને પણ નડી ગઇ
નડિયાદ, તા.૭
ખેડા જિલ્લામાં આજથી દશામાના મંગળકારી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લાના વડામથક નડિયાદ સહિતના તાલુકામથકોનાં બજારોમાં દશામાની મૂર્તિઓથી બજારો ઊભરાવવા લાગ્યા છે. જિલ્લાના બજારોમાં પૂજા-આરતીની સામગ્રી અને વ્રતના સામાનની ચીજવસ્તુઓ વેેચનાર લારીઓ જોવા મળી રહીં છે. જિલ્લામાં આગામી દસ દિવસ દશામાના વ્રતની ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ થઈ ચૂકી છે.
તાલુકામથકો અને બજારોમાં ઠેરઠેર દશામાની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. શનિવારથી જ નડિયાદમાં સંતરામ રોડ, સ્ટેશન રોડ અને અમદાવાદી બજાર સહિતના વિસ્તારોં દશામાની મૂર્તિઓની લારીથી ભરાયેલા જોવા મળ્યા છે. છેલ્લાં બે વર્ષથી દશામાની મૂર્તિમાં ૨૫થી ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલ બજારમાં મોટા ભાગે ૧૦૦થી ૧૦૦૦ રૂપિયાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે અને મોંઘામાં ૧૫૦૦થી ૧૮૦૦ સુધીની મૂર્તિઓર્ પણ બજારમાં મૂકાઈ છે. જોકે તેનું વેચાણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે.
મીનાવાડા મંદિર બંધ રહેશેઃ વેપારીઓે અને ભક્તો દુઃખી
મહુધામાં આવેલું મીનાવાડા દશામાનું મંદિર આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તંત્રએ ૯ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ સુધીના દસ દિવસ માટે મંદિર બંધ રાખવાની સૂચના આપી છે, જેને લીધે ભક્તોએ બહારથી જ માતાજીના દર્શન કરવા પડશે. સ્થાનિક વેપારીઓ અને તેમના પરિવારોની રોજીરોટી આ દસ દિવસના વેપાર પર નિર્ભર હોવાથી વેપારી વર્ગમાં નારાજગી પણ જોવા મળી રહી છે.