ડાકોર રણછોડરાયજી મંદિરમાં 31મી સુધી દર્શન બંધ
- કોરોનાના પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લાના યાત્રાધામોમાં દર્શન બંધ કરાવાયા
- વડતાલમાં પણ દર્શન બંધ થયા : મંદિરમાં નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રહેશે ડાકોરમાં મંદિર બહાર સ્ક્રીન દ્વારા અને વડતાલનાં ઓનલાઇન દર્શન થઇ શકશે
નડિયાદ,તા.19 માર્ચ 2020, ગુરુવાર
કોરોના વાઇરસની મહામારીએ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામોના દરવાજાઓ બંધ કરાવ્યા છે. ડાકોર અને વડતાલ જેવા યાત્રાધામો ના દર્શન આજે બપોરથી જ બંધ થયા છે.ઉપરાંત સંતરામ મંદિર ફાગવેલના ભાથીજી મહારાજ,મીનાવાડાના દશામાં, ગળતેશ્વર મહાદેવ,જેવા જાણીતા મંદિરોમાં દર્શન થશે નહિ.આજે સવારથી જ વહીવટી તંત્રએ મંદિરોના વ્યવસ્થાપકો સાથે ચર્ચા હાથ ધરીને આ નિર્ણયો લેવડાવ્યા છે.ડાકોરના ઠાકોરના દર્શન મંદિર બહારની મોટી સ્ક્રીન ઉપર ,જ્યારે વડતાલના દર્શન ઓનલાઇન કરીને શ્રધ્ધાળુઓએ સંતોષ માનવો પડશે.પરંતુ બે દિવસથી મુંબઇનુ સિધ્ધિવિનાયક મંદિર બંધ થયુ હોવા છતા મહેમદાવાદના સિધ્ધિવિનાયક મંદિરના દર્શન હજી પણ ચાલુ છે.
કોરોના વાયરસને પગલે ભીડ એકઠી થતી રોકવા માટે સરકારની અપીલ અનુસંધાને ગઇકાલે ડાકોર મંદિરે દર્શનના સમયમાં ઘટાડો કર્યો હતો.પરંતુ આજે સવારે કલેેકટરની જાત તપાસ અને રૂબરૂ મુલાકાત બાદ મંદિર સત્તાવાળાઓએ નિર્ણય બદલ્યો છે. અને આજે સાંજે સખડીભોગના દર્શન બાદ અચાનક ડાકોરના મંદિરના દર્શન સંપૂર્ણ બંધ કરાયા હોવાનુ સત્તાવાર રીતે જાહેર કર્યુ છે. જો કે શ્રધ્ધાળુઓને રણછોડરાયના દર્શન મંદિર બહારના મોટી સ્ક્રીન ઉપર સતત મળી રહેશે.
એજ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય યાત્રાધામ વડતાલ મંદિરે પણ શ્રધ્ધાળુઓ માટે જાહેર દર્શન આજથી બંધ કર્યા હોવાનુ જાણવા મળ્યુ છે.મંદિરના આસીસટન્ટ કોઠારી ડૉ .સંતસ્વામીએ જણાવેલ છે કે જાહેર સ્વાસ્થના હિત માટે હરીભક્તોને અપીલ કરવામાં આવે છે કે જ્યા સુધી કોરોના વાયરસનો ભય દુર ન થાય ત્યા સુધી હરીભક્તોએ મંદિરમાં આવી દર્શન કરવાનો આગ્રહ રાખવો નહિ.તેઓને નિયમિત રીતે ઓનલાઇન દર્શનનો લાભ મળશે.
આ ઉપરાંત વડતાલ ધામમાં ભક્તો માટેની ભોજનનિવાસ વ્યવસ્થા સ્થગિત કરાઇ છે.
નડિયાદ સંતરામ મંદિરના મહંત રામમહારાજે પણ જય મહારાજના ભક્તોને જણાવ્યુ છે કે સંતરામ મંદિરના મુખ્ય દરવાજાઓ બંધ રહેશે.પરંતુ સમાધિ સ્થાનની પરંપરા અનુસાર આરાઘના ચાલુ રહેશે.
ભક્તોએ મોટી સંખ્યામાં અને વધુ સમય માટે દર્શન માટે એકઠા નહિ થવા તેમણે જાહેર અનુરોધ કર્યો છે.
ખેડા જિલ્લાના અન્ય યાત્રાધામો ફાગવેલ,ગળતેશ્વર અને મીનાવાડાના મંદિરો પણ અંસતહજ ખુલ્લા રહેશે.
ગળતેશ્વર મંદિર આવતીકાલ સવારથી જ સંપૂર્ણ બંધ રહેશે.જ્યારે ફાગવેલ અને મીનાવાડા ખાતે અંસતહ દર્શન થઇ શકશે.
જિલ્લામાં નાના મોટા મંદિરો સામે ચાલીને ભક્તોની ભીડને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મહેમદાવાદનુ સિધ્ધિવિનાયક મંદિર તરફ થી હજી દર્શન અંગેની કોઇ જાહેરાત થઇ નથી.જો કે મંદિર સત્તાવાળાઓએ સ્વચ્છતા, જનજાગૃતિ,અને ઔષધિ વિતરણના પગલા ભર્યો હોવાનુ જણાવ્યુ છે.
ગુજરાત રાજ્યના કયા કયા યાત્રાધામોમાં દર્શન બંધ કરાયા
કોરોના વાઇરસના કહેરથી બચવા રાજ્ય સરકારે ડાકોર સહિતના અન્ય જાણીતા યાત્રાધામોમાં પણ યાત્રિકોના દર્શન કરવા પર આવા જ પ્રકારના નિયમનો લાદ્યા છે જે અનુસાર રાજ્યના સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાવાગઢમાં પણ તા. ૩૧મી માર્ચ સુધી યાત્રિકોની અવરજવર તેમજ દર્શનના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે જે અનુસાર તમામ જગ્યાએ નિયમિત સેવા-પૂજા ચાલુ રહેવાની છે, માત્ર યાત્રિકો પૂરતાં જ નિયમો રહેશે.
ખેડા જિલ્લામાં કયા કયા યાત્રાધામોમાં દર્શન બંધ
ડાકોર અને વડતાલ જેવા યાત્રાધામો ના દર્શન આજે બપોરથી જ બંધ થયા છે.ઉપરાંત સંતરામ મંદિર ફાગવેલના ભાથીજી મહારાજ,મીનાવાડાના દશામાં, ગળતેશ્વર મહાદેવ,જેવા જાણીતા મંદિરોમાં દર્શન થશે નહિ.આજે સવારથી જ વહીવટી તંત્રએ મંદિરોના વ્યવસ્થાપકો સાથે ચર્ચા હાથ ધરીને આ નિર્ણયો લેવડાવ્યા છે.ડાકોરના ઠાકોરના દર્શન મંદિર બહારની મોટી સ્ક્રીન ઉપર ,જ્યારે વડતાલના દર્શન ઓનલાઇન કરીને શ્રધ્ધાળુઓએ સંતોષ માનવો પડશે.પરંતુ મહેમદાવાદના સિધ્ધિવિનાયક મંદિરના દર્શન હજી પણ ચાલુ છે.