સુખધામના બિલ્ડર દર્પણ અને તેના પિતા દ્વારા ડોક્ટર સાથે છેતરપિંડી
૪.૩૯ કરોડ રૃપિયાનો હિસાબ આપતા નથી : ચેકમાં ડોક્ટરની ખોટી સહીઓ કરી
વડોદરા,સુખધામ સિગ્નેચર નામની સાઇટ પર ભાગીદારીમાં આશીર્વાદ હોસ્પિટલ શરૃ કરી ડોક્ટર સાથે છેતરપિંડી કરનાર સુખધામ રેસિડેન્સીના બિલ્ડર દર્પણ શાહ અને તેના પિતાએ ૪.૩૯ કરોડનો હિસાબ નહી આપતા તેમજ બેન્ક એકાઉન્ટમાં ભાગીદાર ડોક્ટરની ખોટી સહી કરી રૃપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાના બનાવમાં નવ મહિના પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયા રોડ ભાઇલાલ પાર્ક સોસાયટીમાં રહેતા ડો.અનિકેત પ્રવિણભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ કરી છે કે,અમે આશીર્વાદ હોસ્પિટલ માટે ૧૪ સપ્ટેમ્બર - ૨૦૨૦ ના રોજ એક ભાગીદારી પેઢી બનાવી હતી.જેમાં હું,મારા મિત્ર ડો.અનિલ પટેલ તથા બિલ્ડર દર્પણ શાહના પિતા હરેશ મૂળજીભાઇ શાહ ભાગીદાર હતા. સુખધામ સિગ્નેચર નામની સાઇટ પર હોસ્પિટલ શરૃ કરી હતી.આ ભાગીદારી પેઢીનો સંપૂર્ણ વહીવટ આરોપી દર્પણ હરેશકુમાર શાહ દ્વારા કરવામાં આવતો હતો.હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરની આવકના કુલ રૃપિયા ૪.૩૯ કરોડનો હિસાબ પિતા - પુત્ર આપતા નહતા.
દર્પણ શાહે આપેલો ચેક પણ રિટર્ન થયો હતો.દર્પણે ભાગીદારી પેઢીમાંથી અંદાજે સવા કરોડ રૃપિયા તેના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.ઉલ્લેખનીય છે કે, આ અંગે પહેલી ફરિયાદ જાન્યુઆરી - ૨૦૨૨ માં કરવામાં આવી હતી.પરંતુ,પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇેને થાકેલા ડોક્ટરે છેવટે કોર્ટનો સહારો લીધો હતો.અને ત્યારબાદ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.