વાવાઝોડા અને વરસાદ ને કારણે ખેડૂતો ચિંતીતઃ કેરી,ઘઉં,દીવેલા,કપાસના પાકને અસર
વડોદરાઃ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિતાની લાગણી વ્યાપી છે.વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો પાકને નુકસાન થયું હોવાની બૂમો પાડી રહ્યા છે.
વડોદરામાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે.તો બીજીતરફ હજી ત્રણેક દિવસ સુધી આવું હવામાન રહે તેવી આગાહી હોવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને કારણે કેરી અને કેરીના મોર ખરી પડયા હોવાની તેમજ અનેક સ્થળે કુમળા આંબા પડી ગયા હોવાની વિગતો જાણવા મળી છે.જેને કારણે કેરીના પાકને આગામી દિવસોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
તો બીજીતરફ ઘંઉનો પાક લગભગ તૈયાર થઇ જવા આવ્યો હોવાથી સાવલી અને ડેસર સહિતના વિસ્તારોમાં તેના છોડ જમીનદોસ્ત થઇ ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.આ ઉપરાંત દીવેલા અને કપાસને પણ નુકસાન થવાની દહેશત સેવાઇ રહી છે.
સરકાર સર્વે કરાવી નુકસાન ચૂકવે
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કેટલાક ખેડૂતોએ પાકને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરી કહ્યું છે કે,ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કર્યો હોવાથી આ નુકસાન સહન થાય તેમ નથી.જેથી સરકારે સર્વે કરાવીને સહાય આપવી જોઇએ.
વડોદરામાં નહિંવત્ નુકસાન છે
વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારીએ કહ્યું છે કે,વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નહિંવત્ નુકસાન છે.અમારી પાસે હજી કોઇ ફરિયાદ આવી નથી.આમ છતાં ગ્રામસેવકોને સ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.