છત્રાલ ઔધોગિક વિસ્તારમાં ગંદકી-વરસાદી પાણી ભરાતા હાલાકી


ઔધોગિક વિસ્તારની કાયાપલટ થાય તે જરૃરી

છત્રાલ ગામ અને જીઆઇડીસીમાં રોડ બિસ્માર બન્યાકચરાના ઢગથી આરોગ્ય પર જોખમ હોવાનું સ્થાનિકોનો મત

કલોલ :  છત્રાલના ઔધોગિક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા તેમજ ગંદકીને કારણે લોકોને હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે, વધુમાં જીઆઇડીસીના આંતરિક રસ્તા પણ બિસ્માર થઇ ગયા હોવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો મુસીબતમાં મુકાયા છે. છત્રાલ ગામ અને ઔધોગિક વિસ્તારમાં સફાઈ અભિયાન આદરી ગંદકી અને કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી રહીશોની માંગ છે.

કલોલ તાલુકામાં આવેલ છત્રાલ મોટી જીઆઇડીસી છે.અહીં અનેક મોટી મોટી કંપનીઓ આવેલ છે જેમાં હજારો કામદારો કામ કરી રહ્યા છે. નોકરી અર્થે આવતા લોકો વાહનો દ્વારા કે ચાલતા પોતાની ફેક્ટરી ખાતે પહોંચતા હોય છે.જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા અનેક રોડ પર પાણી ભરાઈ ગયું હતું. જેનો નિકાલ કરવામાં ન આવતા પાણીમાં થઇ પસાર થવાનો વારો આવ્યો હતો. તદુપરાંત આ રીતે પાણીના ખાબોચિયા ભરાઈ રહેવાથી તેમાં મચ્છર પણ થતા હોય છે જેના લીધે રોગ ફેલાય છે. છત્રાલ ગામ અને ઔધોગિક વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય ફેલાયું છે. અનેક જગ્યાએ રોડ સાઈડમાં કચરાના ઢગલા ઉપાડયા વગર પડી રહ્યા છે. આ કચરાને કારણે તેમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. જીઆઈડીસીમાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તે જરૃરી બન્યું છે નહીં તો રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય ઉભો થયો છે. છત્રાલ વિસ્તારમાં અનેક ફેકટરીઓ હોવાથી મોટી ટ્રકો માલસામાનની હેરફેર કરવા આવતી હોય છે.અમુક જગ્યાએ રોડ તૂટી જતા વાહન ચાલકો માટે સમસ્યા પણ ઉભી થતી હોય છે. આ કારખાનાઓમાં કામ કરતા નોકરિયાતો પોતાના અંગત વાહન તેમજ બસમાં પણ આવતા હોય છે. બિસ્માર રસ્તાને કારણે વાહનોનું આયુષ્ય પણ ઘટે છે જેને પગલે વાહન ચાલકોને આથક નુકશાન પણ સહન કરવું પડે છે. જવાબદાર તંત્ર દ્વારા ગામ અને ઔધોગિક વિસ્તાર તરફ ધ્યાન આપી તેને યોગ્ય રીતે વિકસાવવામાં આવે તો આ વિસ્તારની કાયાપલટ થઇ શકે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

City News

Sports

RECENT NEWS