Get The App

વડોદરામાં ૮૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે ત્રાટકેલો વરસાદ

રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં એક ઇંચ વરસાદ ખાબક્યો ઃ આજે પણ પવનના સૂસવાટા અને વરસાદની શક્યતા

Updated: Jun 15th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં ૮૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે ત્રાટકેલો વરસાદ 1 - image

વડોદરા, તા.15 બિપરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવતાં જ તેની ભયાનક અસર વડોદરાને પણ થઇ  હતી. સાંજે સવા સાત વાગ્યાની આસપાસ વાવાઝોડું ત્રાટકતાની સાથે એક ઇંચ જેટલો તોફાની વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ આખો દિવસ ઉકળાટ અનુભવતા લોકોને વરસાદના પગલે ઠંડક થતાં રાહત થઇ હતી.

ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા શહેર અને જિલ્લામાં પણ વર્તાવા લાગી છે. આજે બપોરે ૧૧થી ૧૧-૨૦ વાગ્યાની આસપાસ શહેરમાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત બપોરે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પણ ૭થી ૮ વખત પવનની ગતિ ૬૦ કિ.મી. પકડાઇ હતી. ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવનના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સહેજ ઘટયું હતું.

દરમિયાન રાત્રે સવા સાત વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો  હતો અને ૮૦કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદના પગલે રાત્રે ઓફિસ પરથી ઘેર જતા લોકો અટવાઇ ગયા હતાં. રાત્રે સવા સાતથી સાડા સાત  વાગ્યાની આસપાસ મિની વાવાઝોડાના કારણે કેટલાંક સ્થળોએ વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી.

શહેરમાં રાત્રે ધોધમાર વરસાદના  પગલે નીચાણવાળા અનેક સ્થળોએ પાણી પણ ભરાઇ ગયા હતાં. રોડ પર કેટલાંક વાહનો સ્લીપ થવાના પણ બનાવો બન્યા હતાં. આજે રાત્રે પણ વરસાદ સતત ચાલું રહ્યો હતો. હવાનાનખાતાના જણાવ્યા મુજબ આજે વડોદરામાં મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રી ઘટાડો થતાં ૩૭.૪ અને ન્યૂનત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો ઘટાડો થતાં ૨૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૦ ટકા અને સાંજે ૪૮ ટકા હતું. આજે પણ શહેરમાં વાવાઝોડાની અસર અને વરસાદ પડવાની આગાહી છે.



Tags :