'કાર અને બાઈકના ક્રેઝમાં વિદ્યાર્થીઓ સાયકલ તરફ વળે તે માટેનો એક પ્રયાસ'
એમ.એસ.યુનિ.માં સાયકલને પ્રમોટ કરવા 'સાયક્લો આર્મી ક્લબ' બન્યું
યુનિ.ના ૧૦૦ વિદ્યાર્થીઓએ આ ક્લબમાં જોડાવવા તૈયારી દર્શાવી
વડોદરા,તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
એમ.એસ.યુનિ.માં ૪ ગર્લ્સ અને ૧૨ બોયઝ હોસ્ટેલ છે અને તેમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ પાસે સાયકલ તો છે પરંતુ તેમને યુનિ.માં સાયકલ લાવતા શરમ આવે છે. કાર અને બાઈકના ક્રેઝમાં સાયકલનું કલ્ચર વિકસે તે હેતુથી અમે 'સાયક્લો આર્મી ક્લબ' બનાવ્યું છે. જેનો પ્રપોઝલ લેટર યુનિ.હેડ ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. પરવાનગી મળતા જ ક્લબની શરુઆત થઈ જશે, તેવું એમ.એસ.યુનિ.ના ચીફ વોર્ડન વિજય પરમારનું કહેવું છે.
સાયક્લો આર્મી ક્લબ શરુ કરવાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ બચાવવાની સાથે વિદ્યાર્થીઓ સ્વસ્થ રહે અને અકસ્માતથી બચે તેનો છે. અત્યારસુધી યુનિ.ના ૧૦૦ વિદ્યાર્થીઓએ ક્લબમાં જોડાવવાની તૈયારી દર્શાવી છે. આ ક્લબ વિદ્યાર્થીઓ દ્વારા જ ચલાવામાં આવશે ફક્ત સુપરવિઝન યુનિ.ના અધિકારી દ્વારા કરાશે. નેચરવોક અને હેરિટેજ વોકની જેમ દર મહિને અથવા રજાઓમાં નજીકના સ્થળો પર સાયક્લોથોનનું પણ આયોજન કરાશે.ભવિષ્યના પ્લાન વિશે વાત કરતા વિજય પરમારે કહ્યું કે, અમે મુખ્ય બોયઝ કેમ્પસ, પોલિટેકનીક અને ગર્લ્સ હોસ્ટેલમાં સાયકલ સ્ટેન્ડ બનાવીશું. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી તેમણે ખૂબ જ ઓછી કિંમતમાં સાયકલ આપીશું. આવનારા પાંચ વર્ષમાં દરેક ફેકલ્ટી અને હોસ્ટેલમાં ૪૦ સાયકલ રહે તેવું સ્ટેન્ડ તૈયાર કરાશે. અને ટ્રીપની સંખ્યા વધશે તો દરેક સાયકલમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે.
ઉલ્લેખનીય છે કે આ ક્લબ બનાવવાનો વિચાર યુનિ.ના ઈકોનોમિક્સ વિભાગમાં અભ્યાસ કરતા રુપેશ મિશ્રા અને પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અસ્મિતા ભારદ્વાજનો છે.
ક્લબમાં જોડાવવા માટેના નિયમ અને સુવિધાઓ
-એમ.એસ.યુનિ.ની કોઈપણ ફેકલ્ટીના વિદ્યાર્થી, પ્રોફેસર, સ્ટાફ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોડાય શકે છે.
-ક્લબના સભ્ય થવા ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવું પડશે.
-લોક સિસ્ટમની સાથે એનવી હોલની સામે સાયકલ સ્ટેન્ડ બનાવામાં આવશે.
દરેક ટોપ યુનિ.માં સાયકલ ક્લબ હોય જ છે
એનસીસી કેડેટ અને ઈકોનોમિક્સ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રુપેશે કહ્યું કે, હું દિલ્હીમાં ભણતો ત્યારે કેમ્પસમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સાયકલ લઈને જ આવતા અને અમને ગર્વ થતો હતો. પણ અહીં એવું કલ્ચર જ જોવા મળતું નથી. દરેક ટોપ યુનિ.માં સાયકલ ક્લબ હોય જ છે માટે એમ.એસ.યુનિ.માં પણ શરુ થાય તેવી અમારી ઈચ્છા છે. આપણી આળસે આપણને બાઈક અને કાર પર આધાર રાખનારા બનાવી દીધા, બાકી આપણા પરદાદા માટે સાયકલ એક લક્ઝરી વસ્તુ હતી અને ભવિષ્યમાં પણ રહેશે.
સાયકલ ચલાવવામાં શરમ આવે છે
મૂળ આસામની અને ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની અસ્મિતાએ કહ્યું કે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે પણ તેમને કેમ્પસમાં લઈને આવતા શરમ આવે છે. મારી પાસે સાયકલ નથી પરંતુ હું મારા ફ્રેન્ડની સાયકલ લઈને દરરોજ ફેકલ્ટી પર આવું છું. વિદ્યાર્થીઓનું સાયકલ લઈને ન આવવાનું બીજુ એક કારણ સાયકલને પાર્ક કરવાની કોઈ સુવિધા ન હોવાનું પણ છે.