મગરોના હુમલાના ભયથી નવ ગામના લોકો રાત્રે ઊંઘતા નથી
ઢાઢર નદીના પાણી ફરી વળતા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને મગરોના હુમલાનો ભય
વડોદરા, તા.8 ઓગષ્ટ, ગુરુવાર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદીના કિનારે આવેલા નવ ગામોમાંથી પાણી હજી ઉતર્યા નથી. ઢાઢર, વિશ્વામિત્રી સહિતની નદીઓ જે સ્થળે ભેગી થાય તેની નજીક આવેલા આ ગામોમાં મગરનો ભય એટલો બધો છે કે રાત્રે લોકો ઊઁઘતા નથી અને જાગે છે. મગરના હુમલાની બીક પૂરના પાણીથી વધારે આ ગામના લોકોને સતાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકાના પીંગલવાડા ગામે ઢાઢર, જાંબુઆ, વિશ્વામિત્રી, રંગાઇ અને લીંગડો કોતર ભેગી થાય છે. ચોમાસાની ઋતુમાં આ તમામ નદીઓ તેમજ કોતરોમાંથી આવતુ પાણી આગળ વધી માનપુર, સુરવાડા, સંભોઇ સહિતના ગામો તરફ વધે છે. ઢાઢર નદીના ઘસમસતા પાણીના પ્રવાહમાં ભારે વરસાદ જ્યારે પડે ત્યારે લોકો ભય હેઠળ જીવતા હોય છે.
ગત સપ્તાહે ભારે વરસાદ તેમજ વિશ્વામિત્રી અને ઢાઢર નદીના પૂરના કારણે આ વિસ્તારમાં પાણી વધ્યા છે અને નવ ગામોમાં પાણી ભરાઇ ગયા છે આજે પણ આ ગામોમાં તેમજ રોડ પર પાણી ફરી વળ્યા છે. તમામ ગામોમાં સામાન્ય જનજીવન હજી ચાલુ થયું નથી. ઢાઢરના પાણીથી અસર પામેલા આ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે એટલું જ નહી પરંતુ આ ગામોમાં મગરોથી પણ લોકો ગભરાયેલા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મગરો રાત્રે જ ગામમાં આવે છે જેથી અમારે જાગવું પડે છે. એક બાજુ પૂરના પાણીનો મારો તેમજ બીજા બાજુ મગરોના હુમલાનો ભય સતાવતો હોય છે.