વિવાદમાં ફસાયેલો ક્રિકેટર હાર્દિક પોતાનું મોઢુ સંતાડીને એરપોર્ટ પહોંચ્યો
- ચૂપચાપ વડોદરા આવીને બે દિવસ રોકાણ બાદ હાર્દિક પંડયા મુંબઇ પરત ફર્યો
- કારેલીબાગમાં મહિલા સંગઠને હાર્દિકના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો
વડોદરા,તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૯, ગુરૃવાર
ટી.વી.શોમાં મહિલાઓ અંગે અભદ્ર કોમેન્ટ કરીને વિવાદમાં ફસાયેલા સેલીબ્રિટી ક્રિકેટર હાર્દિક પંડયા બે દિવસ પહેલા વતન વડોદરા આવી ગયો હતો અને કોઇને ખબર ના પડે તે રીતે બે દિવસ તે ઘરમાં જ પુરાઇ રહ્યો હતો જો કે આજે મુંબઇ જવા માટે સવારે તે પોતાના ઘરથી એરપોર્ટ જવા રેંજ રોવર કારમાં ક્રિકેટર ભાઇ કુણાલ સાથે નીકળ્યો ત્યારે મિડિયાની નજરમાં આવી ગયો હતો પરંતુ તેના બાઉન્સરોએ મિડિયાને ફોટોગ્રાફી કરતા રોકી લીધા હતા એટલુ જ નહી હાર્દિક અને કુણાલ પણ પોતાનું મોઢુ સંતાડીને કારમાં એરપોર્ટ તરફ રવાના થઇ ગયા હતા.
વિવાદ બાદ બીસીસીઆઇ દ્વારા હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલ પર બે મેચનો પ્રતિબંધ લાદી દીધો છે અને ઓસ્ટ્રેલિયા ટૂરમાંથી બન્નેને પરત મોકલામાં આવ્યા હતા. હાર્દિક ઓસ્ટ્રેલિયાથી મુંબઇ આવ્યા બાદ ઉતરાણમાં વડોદરા આવ્યો હતો. જો કે તેની સામે થઇ રહેલા ભારે વિરોધના કારણે હાર્દિકને પતંગનો શોખ હોવા છતાં તે ધાબા પર આવ્યો ન હતો તેવુ તેમની આસપાસ રહેતા પડોશીએ કહ્યું હતું. દિવાળીપુરામાં આવેલા વિવાન્ટા ગ્રીન બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આવેલા પેન્ટ હાઉસમાં હાર્દિક અને તેનો પરિવાર રહે છે. વિવાદ બાદ વિવાન્ટા ગ્રીનમાં પણ સિક્યોરિટી ગાર્ડ અને બાઉન્સરો ગોઠવી દેવાયા છે.
બીજી તરફ હાર્દિકના મહિલા વિરોધી કોમેન્ટ સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરૃવારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સંગઠને હાર્દિકનું પૂતળુ બાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સંગઠનના મહિલા કાર્યકરો બીસીએની ઓફિસ પર પણ પહોંચ્યા હતા અને હાર્દિકને જાહેરમાં માફી મગાવવા માગ કરી હતી.
ક્રિકેટરો અને બીસીએ હાર્દિકના સમર્થનમાં આગળ આવે
બીસીએના પૂર્વ પ્રેસિડેન્ટ સમરજીતસિંહ ગાયકવાડે હાર્દિકના વિવાદ અંગે કહ્યું હતું કે 'હાર્દિક ખૂબ સારો ક્રિકેટર છે. તેનાથી ભૂલ થઇ છે પણ તે ભૂલ માફી લાયક છે તેને માફ કરી દેવો જોઇએ આ પ્રકારની વિવાદથી એક ટેલેન્ટેડ ક્રિકેટનું ટેલેન્ટ વેડફાઇ જશે. વડોદરાના ક્રિકેટરો અને બરોડા ક્રિકેટ એસોસિએશને હાર્દિકના સમર્થનમાં આગળ આવવુ જોઇએ.
હાર્દિકે મોટો ગુનો નથી કર્યો તેને માફ કરી દેવો જોઇએ
બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે હાર્દિકનું સમર્થન કરતા કહ્યું હતું કે 'તેની આ એક ભૂલ હતી. હાર્દિકે કોઇ મોટો ગુનો નથી કર્યો અને આ ભુલ બદલ તેને માફી માગી લીધી છે તો બીસીસીઆઇ દ્વારા પણ તેના પર બે મેચના પ્રતિબંધની લગાવાઇ છે એટલે હવે આ વિવાદને આગળ વધારવાના બદલે હાર્દિકને માફ કરી દેવો જોઇએ