રોજીરોટી કમાવવા અમને 'ભણતર' નહીં 'ભરતકામ' શીખવાડાય છે
એમ.એસ.યુનિ.માં આવેલા અંજારની મહિલાએ કહ્યું
પાંચ મીટરનો કચ્છી વર્કનો ચણિયો બનાવતા પાંચ વર્ષ લાગે છે
વડોદરા, તા.24 ડિસેમ્બર 2019, મંગળવાર
ભણવું એ દરેક મહિલાનો અધિકાર છે પરંતુ ગામડાઓમાં આજે પણ ભણતર નહીં પરંતુ હસ્તકલાના વારસાને કેવી રીતે આગળ વધારવો તેના પ્રયત્ન થાય છે. જેથી માતાઓ બાળકીઓને પહેલેથી એ દિશા તરફ જ વાળી દે છે. જેનું ઉદાહરણ કચ્છના રશિલાબેન છે. ૪૦ વર્ષીય રશિલાબેને કહ્યું કે, મને ફક્ત ધો.૮ સુધી ભણાવી ત્યારબાદ ૧૨ વર્ષની ઉંમરથી હું ભરતકામ કરી રહી છું.
એમ.એસ.યુનિ.ની ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ અને ટેક્સટાઈલ વિભાગ તેમજ ફેર ટ્રેડ ફોરમ ઈન્ડિયા દ્વારા હસ્તકળાના કારીગરો માટે તા.૨૩થી ૨૬ રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયું છે. જેમાં વુડ, એમ્બ્રોઈડરી, સ્ટોન ક્રાફ્ટ વગેરેના કાશ્મીર, ઉદયપુર, આગ્રા, વારાણયી, મિરઝાપુર, નર્મદા, તમિલનાડુ, હૈદરાબાદ, કચ્છ અને પંજાબથી ૧૦ યુવા કારીગરોએ ભાગ લીધો છે. જેમાં અંજારના ગામડામાંથી આવેલા રશિલાબેને કહ્યું કે, છોકરીઓને પગભર કરવા નાનપણથી ભરતકામ શીખવાડાય છે.
પહેલા મારા દાદી, મમ્મી અને હું ત્રણેય સાથે ભરતકામ કરતા અને હવે હું મારા સાસુ,નણંદ અને દેરાણી આ કામ કરીએ છીએ. મને ગુર્જર, આહિર, બખિયા, કચ્છી જેવા ૧૦ ભરતકામ આવડે છે. દરરોજના અમે ૧૦ કલાક ભરતકામ કરીએ છીએ. આ ભરતકામ ખૂબ જ ઝીણવટભર્યુ તેમજ ડિઝાઈન અટપટી હોવાથી એક બ્લાઉઝ કરતા એક મહિનો જ્યારે પાંચ મીટરના ચણિયા બનાવતા પાંચ વર્ષ લાગે છે. ઘરના કામમાંથી ફ્રી થતા તુરંત ફળિયામાં ઢાળેલા ખાટલા પર ગામની સ્ત્રીઓ ભરતકામ કરવા બેસી જાય છે, રાતના ૧૨ વાગ્યા સુધી અમે ભરતકામ કરીએ છીએ.
રાજા-મહારાજાઓનું શાસન પૂરુ થતાં અમારી કળા નામશેષ થઈ ગઈ
મુઘલો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે પોતાની સાથે લાવેલા કારીગરો પર્શિયન ઝાળી એટલે કે મહેલોમાં સુંદર બારી બારણા બનાવવા વિવિધ પ્રકારની ઝીણવટભરી ભૌમિતિક ડિઝાઈન બનાવતા હતા. આ કળા રાજા-મહારાજાઓનું શાસન પૂરુ થતાં જ નામશેષ થઈ ગઈ હતી. જો કે કળાને જાળવવા હવે કારીગરો આ ડિઝાઈનની ઘરના સુશોભનની વસ્તુઓ બનાવવા લાગ્યા છે. અમારા પરિવારમાં હું ત્રીજી પેઢી છું જે આ કળાને જાળવવા પ્રયત્ન કરી રહ્યો છું.એમ, આગ્રાથી આવેલા ઝાળી હસ્તકલાના ૩૨ વર્ષીય કારીગર ઈમ્તિયાઝ અલીએ કહ્યું હતું.
રાજપીપળાના ઉર્મિલાબેને ૫૦ બહેનોને પગભર કરી
રાજપીપળાના કોડબા ગામના ૬ ધોરણ ભણેલા ઉર્મિલાબેને ત્રણ વર્ષ પહેલા વડોદરામાંથી ભરતકામ અને સીવણ શીખ્યા હતા અને પોતાના ગામની ૫૦ મહિલાઓને આ કળા શીખવાડીને પગભર કરી છે. ૨૬ વર્ષીય ઉર્મિલાબેને કહ્યું કે, હું બેડશીટ, તકિયાના કવર અને સાલમાં ભરતકામ કરીને સીવું છું. દોરા વર્કની એક બેડશીટ તૈયાર કરતા મને ત્રણ દિવસનો સમય લાગે છે.