Gujarat

સરકારે પ્રશ્નોનો ઉકેલ ન કરતા ઈજનેરી અધ્યાપકોના ૬૦૦ કોર્ટ કેસ

By GS Team
25 Nov 20212 mins read
This article was originally published on 25 Nov 2021
સરકારે પ્રશ્નોનો ઉકેલ ન કરતા ઈજનેરી અધ્યાપકોના ૬૦૦ કોર્ટ કેસ

અમદાવાદ,

બઢતી,બદલી, સળંગ નોકરી સહિતના વિવિધ પડતર પ્રશ્નોમાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન લવાતા સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો દ્વારા કોર્ટમાં અનેક કેસો સરકાર સામે કરવામા આવ્યા છે અને હાલ કોર્ટમાં ૫૦૦થી૬૦૦ જેટલા કેસો પેન્ડિંગ છે.જેથી અધ્યાપક મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને કચેરી કક્ષાએથી અધ્યાપકોના પ્રશ્નો ઉકેલી દેવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે.


ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામા આવી છે કે અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો ઘણા વર્ષોથી પેન્ડિંગ છે અને અનેકવાર ટેકનિકલ શિક્ષણ કચેરીને રજૂઆતો કરવા છતાં પણ ઉકેલાયા નથી. બઢતી,બદલી, સેવા સળંગ, સમય આધારિત ટાઈમ સ્કેલ,પગાર સહિતના સ્પષ્ટ નીતિ નિર્ધારિત થયેલ હકો માટે પણ અધ્યાપકોએ કોર્ટનો સહારો લેવો પડે છે.જેથી અધ્યાપક મંડળની ફરિયાદ છે કે વડી કચેરીની અનિર્ણાયકતા  અને અધ્યાપકો માટે ભેદભાવભરી નીતિ તેમજ પોલીસી પેરાલીસીસ અને નીતિ નિયમના આધાર વગર મનઘડંત અર્થઘટનના કારણે અધ્યાપકોનું મનોબળ ઘટયુ છે.અધ્યાપકોમાં વહિવટી તંત્ર સામે ભારે નારાજગી અને નકારાત્મક લાગણી પેદા થઈ છે.

હાલમાં અંદાજ મુજબ અધ્યાપકો દ્વારા થયેલા લગભગ ૬૦૦ જેટલા કોર્ટ કેસ છે અને જે પેન્ડિંગ છે. ટેકનિકલ શિક્ષણ કચેરી હેઠળ ૩થી૪ હજારના મહેકમ ધરાવતા ખાતા સામે આ કેસોની સંખઅયા ઘણી વધારે છે.ટેકનિકલ શિક્ષણ કચેરી-સરકાર પર અદાલતી કેસો અને તેને લડવા માટે કાયદાકીય ફીનું મોટું ભારણ વધ્યુ છે.અધ્યાપકોએ તેમના હકો માટે પણ કોર્ટ સમક્ષ જવુ પડે છે અને કોર્ટ કેસોમાં ઘણો સમય બગડે છે.જો સરકાર અને તેમની ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા -ઉચ્ચ અધિકારીઓ દ્વારા અધ્યાપકોને સાંભળીને તેમના પ્રશ્નો સમજીને કોર્ટ બહાર જ પ્રશ્નોનો ઉકેલ લાવી દેવામા આવે તો સરકાર માથે કોર્ટ કેસોનું ભારણ ન વધે.અનેક કેસમાં તો અદાલતો દ્વારા અપાયેલ ચુકાદા કે આદેશોનું ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા સમયસર પાલન ન થવાને લીધે અદાલતી અવમાનના થાય છે અને વડી કચેરીની પોતાની અલગ અલગ શાખાઓ વચ્ચે સંકલનનો પણ અભાવ છે.