અનામત વર્ગની મહિલા મેરિટમાં આવે તો ઓપન કેટેગરીમાં ગણો : હાઇકોર્ટ
- ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
- ઓપન કેટેગરીની મહિલા અનામત બેઠકો પર ગુજરાતની તમામ કેટેગરીની મેરિટમાં આવતી મહિલાઓનો અધિકાર : અવલોકન
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં નોંધ્યું છે કે સરકારી ભરતીમાં ઓપન કેટેગરીની મહિલા અનામતની બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલાઓનો હક છે.
અનામત વર્ગની મહિલા તો મેરીટમાં આવતી હોય તો તેને ઓપન કેટગરીની મહિલા અનામત બેઠકોમાં સમાવિષ્ટ ગણવામાં આવે. સરકારી ભરતી મુદ્દે રાજ્ય સરકારે 1-8-2018ના રોજ જારી કરેલો ઠરાવ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રદ કર્યો છે અને આગામી ભરતીમાં અનુસરણ માટેની સાત સ્ટેપની માર્ગદર્શિકા રાજ્ય સરકાર અને જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ને આપી છે.
વર્ષ 2017માં જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલી પોલીસ ઇન્સપેક્ટર (વર્ગ-2)ની ભરતી મુદ્દે ઉપસ્થિત થયેલાં મુદ્દાઓ અંગે હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે 1-8-2018ના રોજ કરેલાં ઠરાવના કેટલાંક મુદ્દાઓને પડકારવામાં આવ્યા હતા.
આ ઠરાવ મુજબ અનામત વર્ગની મહિલા ઉમેદવાર તેના મેરીટના આધારે ઓપન કેટગરીની મહિલા અનામતમાં આવતી હોય તો તેનો સમાવેશ અનામત વર્ગમાં જ કરાતો હતો. તેમને ઓપન કેટેગરીમાં જગ્યા આપી તેની ખાલી પડેલી અનામત કેટેગરીની જગ્યા ભરવા માટેની જોગવાઇ આ ઠરાવમાં નહોતી. હાઇકોર્ટ આ ઠરાવને અયોગ્ય અને દોષપૂર્ણ ઠેરવ્યો છે અને તેને રદ કર્યો છે.
આ ઉપરાંત અવલોકન નોંધ્યું છે કે ઓપન કેટેગરીની મહિલા અનામત બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોનો હક છે. હાઇકોર્ટ સમક્ષ આવેલી અરજીઓમાં પી.આઇ.ની કુલ 115 પોસ્ટ હતી. જેમાં ઓપન કેટેગરીની 60 બેઠકો હતી અને તે પૈકી 20 બેઠકો મહિલાઓ માટે અનામત હતી.
ઓપન કેટેગરીના 60 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સૌપ્રથમ મેરીટમાં આવતા પ્રથમ 60 ઉમેદવારોને તેની કેટગરી કે લિંગને ધ્યાનમાં લીધા વગર પસંદ કરવાના હતા. ત્યારબાદ આ 60ની યાદીમાં ઓછામાં ઓછી 20 મહિલા ઉમેદવારો છે કે નહીં તે ચકાસવાનું હતું. જો તેમાં 20 મહિલાઓ ન હોય તો અન્ય કેટેગરીની મેરિટમાં આવતી મહિલાઓની પસંદગી કરી આ લિસ્ટ પૂર્ણ કરવાનું હતું.
જો કે પ્રક્રિયામાં સામે હાઇકોર્ટમાં રિટ થતાં સિંગલ જજે 1-8-2018ના ઠરાવની જોગવાઇઓને માન્ય રાખી અનામત કેટેગરીની સાત મહિલાઓને બાકાત કરવાનો આદેશ કર્યો હતો, જેની સામે ડિવીઝન બેન્ચમાં અપીલ કરાઇ હતી. હાઇકોર્ટે સિંગલ જજના આદેશના અમુક અંશો રદ કર્યા છે અને ઠરાવ પણ રદ કર્યો છે. આ ઉપરાંત આ સાત ઉમેદવારો માટે સ્પેશિયલ કેસમાં વધારાની પોસ્ટની રચના કરવા પણ આદેશ કર્યો છે.
GPSC વર્ગ 1-2 ભરતી સહિતના પરિણામોમાં પણ હવે ફેરફાર થશે
ઓગસ્ટ 2018 પછીના જે પણ પરિણામો હશે તેમાં ફેરફાર થશે, બાકી પરિણામો જૂની પદ્ધતિ મુજબ થશે
અમદાવાદ,મંગળવાર
ભરતીમાં અનામતને લઈને હાઈકોર્ટે આજે ચુકાદો આપતા 1-8-2018નો પરિપત્ર રદ્ કર્યો છે ત્યારે તે પછીના વર્ગ 1-2 ભરતી સહિતના વિવિધ પરિણામોમાં પણ હવે ફેરફાર થશે અને પરિણામો રિવાઈઝ કરી નવેસરથી જાહેર કરવામા આવશે. જીપીએસસી દ્વારા કલાસ 1 અને 2ની ભરતી અંતર્ગત ગત જાન્યુઆરીમાં પ્રિલિમનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ અને જે 1-8-2018ના પરિપત્ર મુજબ જાહેર કરવામા આવ્યુ હતુ જેથી આ પરિણઆમ હવે રિવાઈઝ કરી સુધારવામા આવશે અને હાઈકોર્ટના ચુકાદા મુજબ જોગવાઈઓ દૂર કરી જુની પદ્ધતિ એટલે કે 1-8-2018ના પહેલાના નિયમ મુજબ જાહેર કરવામા આવશે. આ પ્રિલિમના પરિણામમાં 3946 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને મેઈન પરીક્ષા માટે સીલેક્ટ થયા હતા.હાઈકોર્ટના ચુકાદાને લઈને ભરતી પ્રક્રિયામાં તેમજ પરિણામોમાં મહત્વના અને મોટા ફેરફાર થશે.
ભરતી માટે હાઇકોર્ટે આપેલી સાત સ્ટેપની માર્ગદર્શિકા
ધારો કે કોઇ ભરતીમાં 100 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવાની છે, તો તેમાં બેઠકોની ફાળવણી નીચે મુજબ હશે
કેટગરી |
કુલ બેઠક |
મહિલા |
ઓપન કેટેગરી |
51 |
17 |
એસ.સી. |
12 |
4 |
એસ.ટી. |
17 |
6 |
એસ.ઇ.બી.સી. |
20 |
7 |
સ્ટેપ-1
મેરિટ પ્રમાણે 100 ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે
સ્ટેપ-2
ઓપન કેટેગરીનું લિસ્ટ તૈયાર કરવા માટે સ્ટેપ-1ના 100 ઉમેદવારોમાંથી પ્રથણ 51 ઉમેદવારોની પસંદગી કરી. આ પ્રથમ 51 ઉમેદવારોમાં તમામ કેટેગરીના ઉમેદવારો હોય છે.
સ્ટેપ-3
સ્ટેપ-2ના 51 ઉમેદવારો પૈકી 12 ઉમેદવાર મહિલા હોવી ફરજીયાત છે. જો આ 51 ઉમેદવારોમાં ઓછામાં ઓછી 17 મહિલાઓ હોય તો કંઇ કરવાનું રહેતું નથી, કારણ કે 33 ટકા મહિલા અનામતના નિયમનું પાલન થાય છે, પરંતુ આ લિસ્ટમાં 17થી ઓછી મહિલાઓ હોય તેવા કિસ્સામાં નીચેની પ્રક્રિયા કરો. ધારો કે આ 51ની યાદીમાં 10 મહિલાઓ જ છે અને સાત મહિલાઓ ઘટે છે. તેવા કિસ્સામાં 51ની યાદીના છેલ્લેના સાત પુરૂષ ઉમેદવારોને ડિલીટ કરો. ત્યારબાદ સ્ટેપ-2ના 51 ઉમેદવારો બાદના ઉમેદવારો પૈકી પ્રથમ સાત મહિલાની પસંદગી કરો અને તેન ઓપન કેટેગરીની મહિલા અનામતમાં સમાવિષ્ટ કરો. આ મહિલા ઉમેદવારો કોઇપણ કેટેગરીની હોઇ શકે છે. આવી રીતે ઓપન કેટેગરીની યાદી પૂર્ણ કરો.
સ્ટેપ-4
સ્ટેપ-4માં એસ.સી. (અનુસૂચિત જાતિ)ના ઉમેદવારોની પસંદગી થશે. સ્ટેપ-2ના 51 ઉમેદવારો બાદના પ્રથમ 12 એસ.સી. ઉમેદવારોને પસંદગી કરો. સ્ટેપ-3માં ડિલીટ થયેલા સાત પુરૂષ ઉમેદવારો પૈકી કોઇ ઉમેદવાર એસ.સી. કેટેગરીમાંથી હોય તો તેને પણ આ 12ની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે.
સ્ટેપ-5
એસ.સી. કેટેગરીના આ 12 ઉમેદવારોમાં ઓછામાં ઓછી 4 એસ.સી. મહિલા હોવી ફરજીયાત છે. જો આ યાદીમાં ચાર એસ.સી. મહિલા ઉમેદવારો હોય તો કંઇ કરવાની જરૂર નથી, પરંતુ ચાર મહિલા એસ.સી. ઉમેદવાર ન હોય તો નીચે જણાવ્યા મુજબ પ્રક્રિયા કરો. ધારો કે આ યાદીમાં માત્ર બે જ મહિલાઓ છે અને બે મહિલાની પસંદગી કરવી પડે તેમ છે. સ્ટેપ-2ની 51 ઉમેદવારો બાદની યાદીમાંથી પ્રથમ બે એસ.સી. મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવે. જો આ યાદીમાં છેલ્લે સુધી ક્યાંય કોઇ મહિલા ઉમેદવાર ન હોય તો આ જગ્યા એસ.સી. કેટેગરીના પુરૂષ ઉમેદવારને જશે. જો આ એસ.સી. કેટેગરીની પુરૂષ ઉમેદવાર ઇચ્છે તો આ જગ્યા આગામી ભરતીના એસ.સી. ક્વોટામાં કેરી ફોરવર્ડ થઇ શકે છે.
સ્ટેપ-6
એસ.ટી. (શિડયુલ્ડ ટ્રાઇબ) કેટેગરીના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સ્ટેપ-4 અને પાંચનું પુનરાવર્તન કરવામાં આવે
સ્ટેપ-7
એસ.ઇ.બી.સી. કેટેગરીના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સ્ટેપ-4 અને પાંચનું પુનરાવર્તન કરવામાં આવે.