Get The App

કોરોના કાળ કચરાનો નિકાલ કરતા કોન્ટ્રાકટરોને ફળ્યો, કચરાના નિકાલની કામગીરી પાછળ અમદાવાદ મ્યુનિ.દ્વારા ૩૭ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો

એક જ ગાડી સવારે રસ્તા ઉપર પડેલો કચરો ઉપાડે તેના અને બપોર બાદ કવોરન્ટાઈન થયેલાઓના ઘરેથી કચરો ઉપાડે એના અલગ નાણાં ચૂકવાયા હોવાનો થયેલો ઘટસ્ફોટ

Updated: Nov 21st, 2021

GS TEAM

Google News
Google News
કોરોના કાળ કચરાનો નિકાલ કરતા કોન્ટ્રાકટરોને ફળ્યો, કચરાના નિકાલની કામગીરી પાછળ અમદાવાદ મ્યુનિ.દ્વારા ૩૭ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો 1 - image


અમદાવાદ,શનિવાર,20 નવેમ્બર,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં કચરાના નિકાલની કામગીરી પાછળ  એપ્રિલ-૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ સુધીના સમયમાં રુપિયા ૩૭ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક જ ગાડી જે સવારે રસ્તા ઉપર પડેલો કચરો ઉપાડી તેને ડમ્પ સાઈટ સુધી પહોંચાડે અને એ જ ગાડી બપોર બાદ કવોરન્ટાઈન થયેલાઓના ઘરેથી કચરો ઉપાડી ડમ્પ સાઈટ સુધી પહોંચાડે આ બંનેના અલગ અલગ ભાવથી નાણાં ચુકવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ માહિતી અધિકાર એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં થવા પામ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ,માર્ચ-૨૦૨૦માં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની શરૃઆત થઈ હતી.આ અગાઉ ૨૭ જુન-૨૦૧૯ના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સ્પોટ ટુ ડમ્પ પધ્ધતિથી ઘન કચરાના નિકાલ માટે બંધ બોડીના વાહન દ્વારા પ્રતિ દિન ૮ કલાકમાં ઓછામાં ઓછા ત્રણ ફેરા કરી કચરાને ટ્રાન્સફર સ્ટેશન અને મ્યુનિ.સુચવે એ સ્થળે નિકાલ કરવા ૪૧૫૦ના ભાવથી વર્ક ઓર્ડર આપવા મંજુરી આપવામાં આવી હતી.મંજુર કરવામાં આવેલા ઠરાવમાં બે મજુર, એક ડ્રાયવર ઉપરાંત ૮ કલાકના ડીઝલનો ખર્ચ તેમજ વાહનની મરામત અંગેનો ખર્ચ આવી જતો હતો. ૨૨ ફેબુ્આરી-૨૦૨૦ના રોજ વર્ક ઓર્ડર અપાયા બાદ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી.બાદમાં ૨૩ જુલાઈ-૨૦૨૦ના રોજ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બીજો ઠરાવ મંજુર કરવામાં આવે છે.આ ઠરાવમાં હોસ્પિટલો,સમરસ હોસ્ટેલ,હોટલ,કોવિડ કેર સેન્ટર,કન્ટેઈન્મેન્ટ એરીયા અને કવોરન્ટાઈન થયેલા લોકોના ઘરેથી બાયો મેડીકલ વેસ્ટ એકઠો કરી તેના નિકાલ સુધીની કામગીરી માટે વાહન દીઠ એક મજુર અને એક ડ્રાયવર દીઠ સેફટી સુઝ,ફેસ માસ્ક,હેન્ડ ગ્લોવ્ઝ સાથે કરવાની કામગીરી માટે છ હજાર રુપિયા ઉપરાંત જી.એસ.ટી. અને ડીઝલ ખર્ચ ચુકવવા મંજુરી આપવામાં આવે છે.

માર્ચ-૨૦૨૦માં કોરોના મહામારી શરુ થઈ એ પહેલા મ્યુનિ.તરફથી આપવામાં આવેલા વર્ક ઓર્ડર તેમજ ૨૩ જુલાઈ-૨૦૨૦ના રોજ  સ્ટેન્ડીંગ કમિટીએ ભાવ વધારો આપવા આપેલી મંજુરી બાદ અંકુર સાગર દ્વારા માહિતી અધિકાર એકટની જોગવાઈ મુજબ માંગવામાં આવેલી માહિતીમાં એવો ઘટસ્ફોટ થયો છે કે,૩૦ એપ્રિલ-૨૦૨૦થી ૪ માર્ચ-૨૦૨૦ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચરાના નિકાલની કામગીરી પાછળ રુપિયા ૩૧ કરોડ ૯૯ લાખની રકમ ચુકવી હતી.ઉપરાંત ૧૨ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધીના સમય સુધીમાં રુપિયા પાંચ કરોડ ૩૧ લાખથી વધુની રકમ આ કામના કોન્ટ્રાકટરોને ચુકવવામાં આવી છે.મ્યુનિ.તંત્રે બે ઠરાવ કર્યા હતા.પહેલા ઠરાવમાં વાહન દીઠ બે મજુર અને એક ડ્રાયવર સહિતના ખર્ચ માટે રુપિયા ૪૧૫૦ ચુકવવા મંજુરી અપાય છે.બીજા ઠરાવમાં એક મજુર અને એક ડ્રાયવરના છ હજાર રુપિયા ઉપરાંત જી.એસ.ટી અને ડીઝલની રકમ ચુકવવા મંજુરી અપાઈ હતી.એક સરખી કામગીરી છતાં ભાવ અલગ અલગ ચુકવવામાં આવતા આટલો ભાવ કોના રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો એ બાબત તપાસ માંગી લે છે એવી ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં સાંભળવા મળી રહી છે.

Tags :