અમદાવાદમાં વધુ 161 લોકો કોરોનાની ઝપેટમાં, ત્રણનાં મૃત્યુ
- 3,181 એકટિવ દર્દીઓમાંથી 1,538 તો માત્ર પશ્ચિમના
- મ્યુનિ.ની હદમાં કુલ દર્દીની સંખ્યા 23,851 થઇ, મૃત્યુઆંક 1,525નો થયો : લોકોને જાહેર થતાં આંકડામાં વિશ્વાસ પડતો નથી
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદમાં કોરનાના કેસો વચ્ચે ઘટીને 149ની અંદર જતાં રહ્યાં હતા, તેમાં ફરી વધારો થઇને બીજા તબક્કામાં 185ની ઉપર છેલ્લા પાંચ દિવસથી રહેવા માંડયા છે. દરમ્યાનમાં આજે કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 161 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થયેલાં 191 લોકોને જુદી જુદી હોસ્પિટલો અને હોમ-આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દરમ્યાનમાં મ્યુનિ.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 23851ના આંકડાને આંબી ગઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1525નો થઇ ગયો છે. 19325 લોકો કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના વધતા જતા કેસો અને મૃત્યુથી લોકોમાં ભયની લાગણી પેદા થઇ છે.
સરકાર દ્વારા જાહેર કરાતા આંકડાઓએ સામાન્ય લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપના કોર્પોરેટરો પણ કહેતાં થયાં છે કે, જાહેર થતાં આંકડા કરતાં કેસો વધુ હશે. રાજકોટ અને સુરત કોર્પોરેશન સહીત તમામ શહેરોમાં દર્દી અને મૃત્યુ પામનારના નામ સરનામા સહીતની યાદી મીડિયાને અપાય છે.
જ્યારે અમદાવાદ મ્યુનિ.એ તો વોર્ડવાઇઝ કે ઝોનવાઇઝ કેસની અને મૃત્યુની સંખ્યા છૂપાવવાનું ચાલુ કર્યું તેનાથી પ્રજામાં પણ બહુ નારાજગી ઊભી થવા પામી છે. કેમકે પોતાના વિસ્તારમાં, પોતાની સોસાયટીની આસપાસના વિસ્તારોમાં કેવી સ્થિતિ છે, તેની તો ખબર જ પડતી નથી. શું મહામારીના નિયમો રાજકોટ - સુરત અને અમદાવાદમાં અલગ અલગ પ્રકારના લાગુ પડે છે ?
હાલ, બીજા તબક્કામાં પશ્ચિમના અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કેસો વધ્યા છે. 3181 એકટિવ દર્દીઓમાંથી 1538 તો માત્ર પશ્ચિમના વિસ્તારોના જ છે. કોમ્યુનિટી-સ્પ્રેડિંગ જેવી સ્થિતિ શરૂ થઇ ગઇ હોવાથી સંક્રમણ ક્યાં જઇને અટકશે તે કહેવું મુશ્કેલ છે.
હાલ નામના મેળવેલી ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી, આઈસીયુમાં વેન્ટીલેટર સાથેના બેડ પણ ભાગ્યે જ ક્યાંય ખાલી છે. દર્દીઓનો એક મોટોભાગ ઘેરબેઠાં સારવાર લેતો હોવા છતાં આ સ્થિતિ છે.
બોપલ-ઘુમામાં હેર કટર કોરોનાગ્રસ્ત જણાયા
બોપલ-ઘુમા વિસ્તારને કોરોનાએ ભરડો લીધો છે. દરમ્યાન ઋષિકેશ સોસાયટીમાં જ એક ડઝન જેટલાં કેસો હોવાનું કહેવાય છે. ઉપરાંત વસંતબહાર સામે આવેલ લક્ષ્મી હેર આર્ટના હેર કટરને જ કોરોના હોવાનું જણાતા છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાંના વાળ કાપ્યા હતા તેની પૃચ્છા કરાઇ હતી પણ તેઓ ચોક્કસ વિગતો આપી ના શકતા તેમની દુકાને સૂચના ચોંટાડવામાં આવી છે કે વાળ કાપનાર સુરેશભાઇના સંપર્કમાં આવ્યા હોય તેમણે તમામે અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો.
કયા ઝોનમાં કેટલાં એકટિવ કેસ ?
મધ્ય ઝોન |
290 |
ઉત્તર ઝોન |
451 |
દક્ષિણપશ્ચિમ ઝોન |
497 |
પશ્ચિમ ઝોન |
571 |
ઉત્તરપશ્ચિમ ઝોન |
470 |
પૂર્વ ઝોન |
481 |
દક્ષિણ ઝોન |
421 |
કુલ |
3181 |