Get The App

ડૉક્ટરો-શ્રીમંતોની સંગ્રહખોરીથી દેશમાં કોરોનાના ઇન્જેક્શનની અછત

- કોરોનાની સારવાર કરતા ડૉક્ટરોને પણ કયા દર્દીઓને કેટલો ડોઝ આપવો તે અંગેની સમજ ન હોવાથી દવાના વધુ વપરાશથી અછત

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
ડૉક્ટરો-શ્રીમંતોની સંગ્રહખોરીથી દેશમાં કોરોનાના ઇન્જેક્શનની અછત 1 - image


(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર

ખાનગી ડૉક્ટરો દ્વારા કેટલાક ખાસ દર્દીઓ માટે અને શ્રીમંતો દ્વારા ઇમરજન્સીમાં ઉપયોગમાં આવી જાય તે માટે  રેમસેડેવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના  કરવામાં આવતા બિનજરૂરી સંગ્રહને કારણે કોરોનાના ચેપની ગંભીર ચપેટમાં આવેલા જરૂરિયાત મંદ દર્દીઓ દવાથી વંચિત રહી જાય છે.

ખાનગી ડૉક્ટરો ટોસિલોઝુબેમનો રેમસેડિવરના ડોઝ મેળવીને સંગ્રહી રાખવા માટે વગદાર પોલીસ અધિકારીથી માંડીને વગદાર રાજકારણીઓના નામનો ઉપયોગ કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.

ગુજરાતમાં આજ સુધીમાં 5500 જેટલા રેમસેડેવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મેળવવામાં આવ્યા છે. તેમ છતાંય તેની અછત છે. બીજીતરફ રેમસેડેવિર અને ટોસિલોઝુમેબ જે દર્દીઓને જરૂર હોય તેને જ આપવાનો નિયમ હોવા છતાંય તેનો અવિચારી ઉપયોગ ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાથી પણ તેની અછત વધી રહી છે.

પરિણામે કોરોનાની ગંભીર અસરનો ભોગ બનેલા દર્દીઓને ઇન્જેક્શન સમયસર ન મળતા તેમની જિંદગીનો અકાળે અંત આવી જવાનું જોખમ વધી રહ્યું છે. તેથી તેનો સંગ્રહ કરનારાઓ સંગ્રહખોરીથી દૂર રહે અને તેનો અવિચારી ઉપયોગ કરનારાઓ પણ તેનો સમજીવિચારને જ ઉપયોગ કરે તે જરૂરી છે. 

ટોસિલિઝુમેબલ સ્વિટ્ઝર્લેન્ડની રૉશ ફાર્માએ તૈયાર કરેલું અને પેટન્ટ કરાવેલું મોલેક્યુલ - મૂળ ઘટક છે. આ દવા માત્રને માત્ર ચામડીના દર્દ (લ્યુપસ) માટે, રૂમેટોઈડ આર્થ્રાઈટીસ અને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર માટે વપરાતી હતી. તેની આયાત પણ સીમિત પ્રમાણમાં થતી હતી.

પરંતુ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ડૉ. શૈશીલ પરમારે બે યુવાનોને તે દવા આપ્યા પછી તેમની કોરોનાની તકલીફ ઓછી થઈ હોવાનું જોવા મળ્યુ ંહતું. બે દર્દીઓ બચી જતાં તેમણે ગુજરાતના કોરાનાના સંક્રમણને અટકાવવા માટેની હાઈપાવર કમિટી સમક્ષ તેની 6 અને 7મી મેએ રજૂઆત કરી હતી. તેથી સરકારે કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી હતી.

તેના આશાસ્પદ પરિણામો દેખાતા આઈસીએમઆરએ તેના ઑફ લૅબલ યુઝ (એટલે કે જે મૂળ રોગની સારવાર માટે દવા બની છે તે રોગ સિવાયના રોગની સારવાર માટે તે દવાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. 13મી જૂને આઈસીએમઆરએ આ છૂટ આપતા તેની ડિમાન્ડમાં ઊછાળો આવ્યો હતો. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની ટ્રાયલમાં પણ આ દવાનો સમાવેશ થતો હતો. વૈશ્વિક સ્તરે તેની ટ્રાયલ પણ ચાલતી હતી. બીજીતરફ 

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાએ રેમસેડિવિર અને ટોસિલિઝુમેબની અછત અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે રેમડેસિવિર અમેરિકાની ગિલિયાર્ડ કંપનીએ ડેવલપ કરેલી દવા છે.

તેની પેટન્ટ પણ અમેરિકાના ગિલિયાર્ડ કંપની પાસે છે. આ કંપનીએ ભારતની સિપ્લા, હેટ્રોડ્રાય (હૈદરાબાદ) અને માયલાન લેબ (બેન્ગ્લોર)ને ભારતમાં આયાત કરીને વિતરણ કરવાની છૂટ આપી છે. જોકે તમને સાંભળીને નવાઈ લાગશે કે રેમસેડેવિરનું રૉટ મટિરિયલ એટલે કે ડ્રાય પાવડર ગુજરાતના વડોદરાની બીડીઆર લાઈફ સાયન્સ નામની કંપની બનાવે છે.

તેમાંથી ઇન્જેક્શન બનાવવાની કામગીરી સિપ્લા આઉટ સોર્સિંગથી કરાવે છે. દમણની સોલેલિયન ફાર્મા પાસે તે ઇન્જેક્શન તૈયાર કરાવડાવે છે. સિપ્લા તેનું માર્કેટિંગ કરે છે. સિપ્લા પશ્ચિમ ભારતના માર્કેટમાં તેનો સપ્લાય આપે છે. જ્યારે હેટ્રો અને માઈલાન દક્ષિણ ભારતના બજારમાં તે દવા તૈયાર કરીને મૂકે છે. 

ટોસિલિઝુમેબલ સ્વિટ્ઝર્લેન્ડની રૉશ ફાર્માએ તૈયાર કરેલું અને પેટન્ટ કરાવેલું મોલેક્યુલ - મૂળ ઘટક છે. ભારતમાં માત્ર સિપ્લાને તેનું વિતરણ કરવાની સત્તા આપેલી છે.

આ અગાઉ આ દવા માત્રને માત્ર ચામડીના દર્દ (લ્યુપસ) માટે, રૂમેટોઈડ આર્થ્રાઈટીસ અને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર માટે વપરાતી હતી. તેની આયાત પણ સીમિત પ્રમાણમાં થતી હતી. પરંતુ કોરોનાના ચેપને અંકુશમાં લેવામાં તેની અસરકારકતા જણાતા તેની ડિમાન્ડમાં એકાએક જંગી ઊછાળો આવી ગયો હતો. 

50 કિલોથી વધુ વજનવાળા કોરોના પેશન્ટને જ ટોસિલિઝુમેબના 400 એમજીના ઇન્જેક્શન અપાય

ટોસિલિ ઝુમેબના ઇન્જેક્શનનો દરેક દર્દીને એક સરખો ડોઝ આપી શકાતો નથી. તેના 80 એમજી. 200 એમજી અને 400 એમજીના ડોઝ મળે છે. પચાસ કિલોથી વધુ વજન ધરાવનારા દર્દીઓને જ 400 એમજીના ઇન્જેક્શન આપવાનો નિયમ છે.

પાંચ કિલો વજન ધરાવતા બાળકને 40 એમ.જીથી વધુનો ડોઝ આપી શકાતો નથી. ડૉક્ટરો આ નિયમને ધ્યાનમાં ન રાખતા હોવાથી પણ આ ઇન્જેક્સનની અછત વર્તાઈ રહી છે. કારણ કે વજનના ક્રાયટેરિયાને ધ્યાનમાં આપ્યા વિના ઇન્જેક્શન આપતા હોવાથી તેનો વપરાશ વધી જાય છે. તેની સામે સપ્લાય ઓછો છે.

ગુજરાત સરકારે આ દવા ખરીદવા માટે કંપનીના સપ્લાયર કે ડિલર સાથે રેટ કોન્ટ્રાક્ટ કર્યો હોવાથી તે સસ્તા મળી રહ્યા છે. તેની અછત હોવાથી જ કેટલાક લોકો તેના કાળાં બજાર કરી રહ્યા છે. આ સાથે જ સંગ્રહખોરો દવા બજારમાંથી મેળવી લેવા અને તગડી કમાણી કરવા માટે સક્રિય બની ગયા હતા. 

કયા દર્દીઓને ટોસિલિઝુમેબ આપી શકાય

કોરોનાના ચેપને નિયંત્રણમાં લેવા માટે ટોસિલિઝુમેબનો વિવેકબુદ્ધિ પૂર્ણ ઉપયોગ જરૂરી છે. દર્દી કોરોના પોઝિટીવ હોય તો જ તેના પર આ દવાનો ઉપયોગ કરી શકાય છે. કોરોનાનો મોડરેટ ચેપ હોય અને દર્દી તેમાંથી ગંભીર ચેપ તરફ આગળ વધતો જણાય તો જ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઈએ. તેમાંય દર્દીનું પહેલા બ્લડ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.

બ્લડ ટેસ્ટિંગમાં ઇન્ટર લ્યુકેન - 6 નામનું એન્ઝાઈમ જણાય અને તેનું પ્રમાણ વધી ગયું હોય તેવા કિસ્સામાં જ તેને ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન આપી શકાય છે. તેવી જ રીતે તેના બ્લડ ટેસ્ટિંગમાં ફેરિટિનીન નામના ઘટકનું પ્રમાણ 1300 કે 1600થી વધુ આવે તેવા સંજોગોમાં જ તેને ટોસિલિ ઝુમેબનું ઇન્જેક્શન આપી શકાય છે.

કોરોનાના ચેપનો માઈલ્ડ પોઝિટિવ કેસ હોય તેવા કિસ્સામાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરવો ન જોઈએ. દર્દીને ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય ત્યારે આ ઇન્જેક્શન આપી શકાતું નથી. તેમ જ ટીબીનું ઇન્ફેક્શન હોય તો પણ ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન આપી શકાતું નથી. તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની અને બીજા ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

Tags :