Get The App

કોરોનાનું વંશસૂત્ર શોધાયું, હવે દવા અને રસી શોધવી સરળ બનશે

- ગુજરાત બાયોટેંક્નોલોજી રિસર્ચ સેન્ટરની અનોખી સિદ્ધિ

- કોરોના વાયરસની સંરચના જાણી તેની તીવ્રતા ઘટાડી શકાય અને નાબૂદ કરવાની સ્ટ્રેટેજી નક્કી કરી શકાશે

Updated: Apr 16th, 2020

GS TEAM


Google News
Google News

- દુનિયાની જૂજ લેબોરેટરીઓને કોરોના વાઈરસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે 

- ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 100  પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લઈ  કોરોના ના વાયરસનું વધુ વિશ્લેષણ કરાશે

- વુહાનમાંથી ફેલાવાની શરૂઆત થવા પછી વાઇરસ નવ વખત પરિવર્તન પામ્યો છે, છેલ્લા ત્રણ પરિવર્તનો ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યો

કોરોનાનું વંશસૂત્ર શોધાયું, હવે દવા અને રસી શોધવી સરળ બનશે 1 - image

અમદાવાદ, તા.16 એપ્રિલ 2020 ગુરૂવાર 

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયાના ટોચના વૈજ્ઞાાનિકો  કોરોનાની દવા અને રસી શોધવા મથામણ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના નો કેર યથાવત્ છે ત્યારે ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ  છે કે, દેશી વેન્ટિલેટર ની શોધ કર્યા બાદ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના  વૈજ્ઞાાનિકોએ કોરોનાનું વંશસૂત્ર એટલે કે જિનોમ સિકવનસ  શોધી કાઢયું છે. આ વંશસૂત્રની મહત્વપૂર્ણ જાણકારીના આધારે કોરોનાની દવા અને રસી તૈયાર કરવામાં સરળતા રહેશે. 

સામાન્ય રીતે માણસ,પશુ અને વનસ્પતિની  પ્રકૃતિ, સ્વભાવ અને સંરચના તેના ડીએનએ  આધારે નક્કી  થાય છે. જ્યારે વાયરસની સંરચના તેંમાં રહેલા આરએનએ નામના એસિડના આધારે તેની પ્રકૃતિ અને ગતિવિધિની જાણ થાય છે એટલું જ નહીં, શરીરમાં ત્રાટકવાની તીવ્રતા નો પણ અંદાજ આવે છે. ગુજરાત બાયોટક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોષીએ આ વિશે  જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૧ મી માર્ચે કોરોનાને મહામારી તરીકે જાહેર કરી હતી. વિશ્વમાં સૌથી પહેલા ચીનના  વુહાન  શહેરમાં કોરોના ના સૌથી વધારે કેસો નોંધાયા હતા ત્યાર બાદ ચીનમાં પણ કોરોનાની  દવા અને રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિશ્વમાં અત્યાર સુધીમાં ૩૯૬ લેબોરેટરીમાં આ અંગેના પરીક્ષણો કરવામાં આવ્યા છે  જેમાં એવું જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસમાં  સમયાઅંતરે છ પ્રકારના બદલાવ જોવા મળ્યા છે. 

વાઈરસ ફેલાવાની શરૂઆત કર્યા પછી તેને આસાનીથી મારી ન શકાય એ માટે પોતાનું સ્વરૂપ પરિવર્તન (મ્યુટેશન) કરતો રહે છે. કોરોનાવાઈરસ સંરચનામાં કુલ મળીને નવ બદલાવ થયા હોવાનું સાબિત થયું છે તેમાં ગુજરાતના વૈજ્ઞાાનિકોએ ત્રણ બદલાવ શોધ્યા  છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોલોજીમાં પણ કોરોના વાયરસનું એનાલિસિસ થઈ રહ્યું છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં  કોરોના વાયરસના વંશસૂત્ર ને શોધવામાં આવ્યું છે. આ પ્રકારનું વિશ્લેષણ ભારતમાં એક પણ પ્રકારની લેબોરેટરીમાં થયું નથી.ભારતમાં ગુજરાતમાં જ આ પ્રકારનું સવિશેષ સંશોધન કરવામાં આવ્યું છે જે એક અનોખી સિદ્ધિ છે.  કોરોના વાયરસ એક માનવીથી બીજા માનવીમાં ખૂબ જ ઝડપથી પ્રવેશે છે ત્યારે આ પ્રકારના સંશોધનના કારણે કોરોના  વાયરસ કયા પ્રકારે શરીરમાં પ્રવેશે છે અને  ફેફસાં સહિત અન્ય અંગો પર કેવી રીતે પ્રહાર કરે છે તેનો અંદાજ આવી શકશે.

અત્યારે તો સીમિત માત્રામાં પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લઈ આ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સંશોધન આધારે વાયરસ ની પ્રકૃતિ જાણી તેને કેવી રીતે કાબૂમાં કરવો, તેની તીવ્રતામાં કેવી રીતે કેટલો ઘટાડો કરવો અને કેવી રીતે નાબૂદ કરવો તે નક્કી કરી શકાશે. દવા અને રસી પણ કેટલી અસર સાબિત થશે તે પણ જાણી શકાશે. 

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાાનિકોએ કોરોનાના  વંશસૂત્ર ને તો શોધ્યુ છે જ પણ સાથે સાથે એ નવી સિદ્ધિ હાંસલ કરી છે કે, કોરોનાની સંરચનામાં થયેલા ત્રણ નવા બદલાવ પણ શોધી કાઢયા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર સંશોધન કોરોનાની રસી અને દવાના બનાવવામાં કારગર સાબિત થશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લઈ આ દિશામાં વધુ સંશોધન કરવા તૈયારીઓ કરવામાં આવી છે. કેમ કે વધુ સેમ્પલ લેવામાં આવે તો વાઈરસને વધુ સારી રીતે ઓળખી શકાય. કોઈ પણ વાઈરસને કાબુમાં લેવા માટે સૌથી પહેલા તેને ઓળખવો રહ્યો. એ ઓળખ માટે વાઈરસનું બંધારણ સમજવું પડે. બંધારણ સમજવા માટે તેના આરએનએમાં રહેલી જિનોમ સિકવન્સ નામની રચનાનો અભ્યાસ કરવો પડે. એ કરવામાં અત્યારે તો સફળતા મળી છે.  

એક તરફ ગુજરાતમાં કેસો વધી રહ્યા છે. બીજી બાજુ સંશોધનમાં પણ ગુજરાતે ત્વરા દાખવી છે. અગાઉ ગુજરાતી કંપનીએ પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કરી દેખાડયું હતુ, જે કોરોનાની સારવારમાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ગુજરાતની ઘણી કંપનીઓ કોરોનાની રસી શોધવા માટે પણ સક્રિય છે અને કેટલીક કંપનીઓએ તેમાં નોંધપાત્ર પ્રગતિ કરી દેખાડી છે. આ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે, ગુજરાત આગામી દિવસોમાં કોરોના નો ઈલાજ વિશ્વને ભેટ આપે તો  નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે ,ગઇકાલે જ મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટર પર ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાાનિકોની અનોખી ઉપલબ્ધિ વિશે ટ્વીટર પર જાણકારી આપી હતી. હવે આ સિદ્ધિ પછી ગુજરાત પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Tags :