જિલ્લાના કુલ 312 પૈકી 34 ગામોમાં કોરોનાના કેસ મળ્યા
- ગાંધીનગરનો 14 ટકા ગ્રામ્ય વિસ્તાર ચેપગ્રસ્તઃ86 ટકા કોરોનામુક્ત
- 13 લાખની કુલ વસ્તી સામે માત્ર 5.71 ટકા વસ્તી કન્ટેન્મેન્ટ ઝોનમાંઃજિલ્લા વિકાસ અધિકારીએ સૌથી વધુ પ્રભાવિત ગાંધીનગર તાલુકાના તમામ 74 ગામોની મુલાકાત લીધી
ગાંધીનગર,28 મે 2020 ગુરૂવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ અને કલોલમાંથી આજે એક-એક કેસ સામે આવતાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને ૧ર૯ સુધી પહોંચી ગયો છે. આંકડાની દ્રષ્ટીએ જોવા જઈએ તો આ પોઝિટિવ દર્દીઓનો આંકડો મોટો લાગે છે. પરંતુ ગાંધીનગર જિલ્લાની કુલ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ જોવા જઈએ તો ગાંધીનગર જિલ્લાના કુલ ૩૧૨ ગામો પૈકી ૩૪ ગામોમાં જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે એટલે કે ૧૪ ટકા ગામો જ સંક્રમિત થયા છે. જ્યારે ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત રહેવામાં સફળ રહયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કુલ પ૬ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૭૫ હજાર જેટલી વસ્તી સમાયેલી છે જે જિલ્લાની કુલ ૧૩ લાખની વસ્તી સામે ફકત પ.૭૧ ટકા જેટલી જ થાય છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ર૩૦ જેટલો થઈ ગયો છે. જે પૈકી ૧૩ વ્યક્તિઓના મોત પણ નીપજયા છે. આજે કલોલ અને દહેગામમાંથી એક-એક પોઝિટિવ દર્દીઓ સામે આવતાં ગાંધીનગરના કોર્પોરેશન વિસ્તાર સિવાયના જિલ્લામાંથી અત્યાર સુધી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧ર૯ ઉપર પહોંચી ગઈ છે. જેમાં સૌથી સૌથી વધારે ૬૫ કેસ ગાંધીનગર તાલુકામાંથી સામે આવ્યા છે.
કોરોના સંક્રમણની વર્તમાન વિષમ પરિસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ આવે, કોરોના સામે લડવામાં ગ્રામજનોનો આત્મવિશ્વાસ મજબુત બને તેમજ સંક્રમણમાંથી સલામત અને સુરક્ષિત રહેવાના ઉપાયની જાણકારી અને આદેશોની અમલવારી થાય છે કે કેમ તે માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા સૌથી વધારે પ્રભાવિત ગાંધીનગર તાલુકાના ૭૪ ગામોની મુલાકાત લેવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાની સાથે સ્થાનિક સરપંચ તલાટી, કોરોના વોરિયર્સ સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા ઉપરાંત લોકડાઉનની અમલવારી થાય છે કે કેમ તેની તપાસ પણ તેઓ કરે છે એટલું જ નહીં સોશ્યલ ડીસ્ટેન્સીંગ કે માસ્કનો અભાવ જોવા મળે તો સ્થાનિક તંત્રને સૂચના પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત કવોરેન્ટાઈન વિસ્તારની મુલાકાત લેવાની સાથે પોઝિટિવ દર્દીઓ સાથે નિયમિત ટેલીફોનીક વાત પણ કરવામાં આવે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે જણાવ્યું હતું કે આંકડાની દ્રષ્ટીએ ગાંધીનગર જિલ્લામાં ૧ર૯ કેસ જરૂર વધારે કહેવાય પરંતુ વસ્તી અને વિસ્તારની સાંપેક્ષમાં જોવા જઈએ તો જિલ્લાનો ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોનામુકત એટલે કે સુરક્ષિત છે. ગાંધીનગર જિલ્લાના કુલ ૩૧ર ગામો પૈકી કુલ ૩૪ ગામોમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. જે ટકાવારીની દ્રષ્ટીએ ૧૪ ટકા થાય છે.
જે ગામોમાં કેસ આવ્યા નથી ત્યાં સરપંચ અને તલાટી દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોવાનું પણ તેમના ધ્યાને આવ્યું છે. તે જ રીતે કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કુલ ગ્રામ્ય વિસ્તારના પ૬ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૭૪,૮૭૬ વસ્તીનો સમાવેશ થાય છે. જિલ્લાની અંદાજિત ૧૩ લાખની વસ્તીના સાંપેક્ષમાં આ કન્ટેન્મેન્ટ ઝોનની વસ્તી જોઈએ તો તે માત્ર પ.૭૧ ટકા જેટલી જ થાય છે એટલે કે ૯૫ ટકા વિસ્તાર નોન કન્ટેન્મેન્ટ ઝોન એટલે કે ગ્રીન ઝોનમાં છે. જે પણ ગ્રામ લોકોની જાગૃતિ અને સભાનતાને આભારી છે.