VSની કેથલેબ તોડી પાડવા અંગે વિરોધાભાસી નિવેદનોથી વિવાદ
- સ્ટ્રકચરલ એન્જિનિયરનો મકાન જર્જરિત હોવાનો રિપોર્ટ
- લેબની મશીનરી વેચવાની છે, ઇમારત તોડવાની નથી : મેયર, સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે હેરિટેજ સિવાયના તમામ મકાનો તોડાશે
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
અમદાવાદની ઐતિહાસિક વી.એસ. હોસ્પિટલનો મુદ્દો મ્યુનિ. બોર્ડમાં પૂછાતા મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કેથલેબની મશીનરી ઇ-ઓકશનથી વેચવાનું નક્કી થયું છે. મકાન તોડવાની વાત જ નથી.
જ્યારે વી.એસ.ના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. મનિષ પટેલે જણાવ્યું છે કે હેરિટેજ ટાવર તથા વોર્ડ નંબર 1 થી 6 સિવાયના તમામ બિલ્ડીંગો સ્ટ્રકચરલ એન્જિનિયરના સ્ટેબિલીટી રિપોર્ટ અંતર્ગત તોડવાના થાય છે, જેમાં કેથલેબનો પણ સમાવેશ થાય છે. આ દેખિતા વિરોધાભાસે વી.એસ.ના વિવાદમાં નવો રંગ પુર્યો છે.
સુપ્રિન્ટેન્ડન્ટે ઠરાવ નંબર ટાંકીને જણાવ્યું છે કે હેરિટેજ ટાવર અને એ બિલ્ડીંગના વોર્ડ નંબર 1 થી 6 સિવાય તમામ ઇમારતો કે જેમા કેથલેબ, સીટીઓટી, આઇસીયુ તેમજ વોર્ડ નંબર 9 થી 15ના બિલ્ડીંગ સ્ટ્રકચરલ કન્સલટન્ટના અભિપ્રાય મુજબ તોડવાના થાય છે.
કેથલેબની કિંમતી મશીનરી એલ.જી. હોસ્પિટલમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે કે નહીં ? તે બાબત તપાસતા જણાયું કે આ માટે કાર્ડિયોથોરાસીક વિભાગ હોવો જોઈએ. જેની સુવિધા એલ.જી.માં નથી. તેમજ આ મશીનરી 2010-11માં ખરીદવામાં આવેલ. તેથી 10 વર્ષ જુની છે હવે તેના અપગ્રેડ ટેકનોલોજી સાથેના મોડેલ મળે છે.
ઉપરાંત સુપર સ્પેશ્યાલીટી ડોકટરો એસવીપીમાં મુકી દેવાયા હોવાથી હાલ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી ડોકટરો નથી તેથી પડયા પડયા મશીનોનું મેન્ટેઇનન્સ વધી જાય. આ સંજોગોમાં તેની અપસેટ વેલ્યુ 60 લાખ નક્કી કરી ઇ-ઓકશન કરવાનું નક્કી કરાયું છે. બીજી તરફ ગાયનેક વોર્ડનું બિલ્ડીંગ તોડવાનું નક્કી થયું હતું, તેની સામે ટ્રસ્ટી મંડળના સભ્યો હાઇકોર્ટમાં ગયા હોવાથી ગાયનેક વોર્ડ નવા ટ્રોમા વોર્ડમાં શીફટ કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મેડિસીન, ગાયનેક, સર્જરી, ઇએનટી, ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, સ્કીન, સાયકાટ્રીક અને ડેન્ટલ ઓપીડી ચાલુ રાખવામાં આવેલછે. જયારે પ્રાયોગિક ધોરણે 500 બેડની સુવિધા સાથે આ રોગોની ઇનડોર પણ સારવાર અપાય છે. ઓપરેશન થિયેટર ચાલુ રખાયા છે. આ 500 બેડની વ્યવસ્થા ટ્રોમા સેન્ટર, ઓપીડી બિલ્ડીંગ, હેરિટેજ ટાવરના વોર્ડ 1 થી 6માં કરવામાં આવેલ છે.
દરમ્યાનમાં સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે, હેરિટેજ ટાવર તેમજ વોર્ડ નંબર 1 થી 6 સિવાય તમામ બિલ્ડીંગ તથા ગાયનેક વોર્ડવાળુ બિલ્ડીંગ, ઓપીડી બિલ્ડીંગ ડિમોલીસ કરવાની તથા વી.એસ. બોર્ડમાં થયેલી ચર્ચા અનુસાર નવું કન્સ્ટ્રકશન કરવાની મંજુરી આપવામાં આવેલ. જેની મ્યુનિ.ના બજેટમાં પણ જોગવાઈ કરાઇ છે. જ્યારે જાણકારોનું કહેવું છે કે થોડાં વર્ષો પહેલાં જ લાખો ખર્ચીને પાછળનું બિલ્ડીંગ રિટ્રોફીટીંગ કરાયું હતું.