1802માં કાશીમાં રથયાત્રા શરૂ કરવામાં ગુજરાતી બંધુઓનું યોગદાન
પુરીની રથયાત્રા વર્ષ 1558 અને અમદાવાદની રથયાત્રા 1878થી યોજાય છે
પુરીના રાજા જોડે જગન્નાથ મંદિરના પૂજારી શ્રી સ્વામી બ્રહ્મચારીને મનદુ:ખ થયુ અને તે કાશીમાં આવી સ્થાયી થયા
ગુજરાતી એવા બેનીરામ અને વિશ્વંભર પંડિતનું કાશીના જગન્નાથ મંદિર અને રથયાત્રાના પ્રારંભમાં પ્રદાન
અમદાવાદ : સમગ્ર ભારતમાં ત્રણ રથયાત્રા સૌથી જૂની અને મહત્વ ધરાવતી મનાય છે. ઓડિસાના પુરીની જગન્નાથ યાત્રા સૌથી જૂની એટલે કે 1558ની સાલથી શરૂ થઈ હતી. તે પછી શ્રધ્ધાળુઓ એમ જ માને છે કે અમદાવાદની રથયાત્રા જ પરંપરાગત ઉજવણીમાં બીજા ક્રમે હશે કેમ કે અમદાવાદની રથયાત્રા 1878 થી શરૂ થઈ હતી.
પણ રસપ્રદ વાત એ છે કે પુરી પછી બીજા ક્રમની રથયાત્રા કાશીની મનાય છે જે 1802ની સાલ (219 વર્ષથી) થી નીકળે છે. અમદાવાદની રથયાત્રા ગુજરાતનું ગૌરવ છે તો કાશીની રથયાત્રાના પાયામાં ગુજરાતી બંધુઓનું પ્રદાન છે. દાનપત્ર અને વિવિધ દસ્તાવેજોના લખાણ પરથી જે માહિતી સાપડે છે તે અનુસાર પુરીના જગન્નાથ મંદિરના મુખ્ય પુજારી અને પ્રબંધક શ્રી સ્વામી બ્રહ્મચારી ભગવાન જોડે એકલીન ભક્તિ માટે જાણીતા હતા.
મંદિરનો મહિમા વધારવાનું તેમનું મહત્તમ યોગદાન હતું. તત્કાલિન રાજા આપસી રંજીસ જોડે તેમને કોઈ મનદુ:ખ થતા શ્રી સ્વામી બ્રહ્મચારી 1790માં પુરી છોડી કાયમ માટે કાશીની ભૂમિ પર આવીને વસ્યા. તેઓ પુરીના મંદિર અને તેની મુર્તિઓના વિરહથી ઝૂરતા હતા.
તેમને એક વખત એવું સ્વપ્ન આવ્યું કે મારા મંદિરની સ્થાપના કર અને ભોગ ધરીને રોજ મારો પ્રસાદ ગ્રહણ કર. આમ ક્યાં સુધી પડયો રહીશ. જોકે શ્રી સ્વામી બ્રહ્મચારી પાસે તો મંદિર માટે જગા અને નાણાં ક્યાંથી હોય. પણ આ તો ઈશ્વરની જ તેના ભકત માટેની યોજના હતી. તેથી લીલા પણ તેણે જ કરવાની હતી.
જોગાનુજોગ તે જ અરસામાં ભોંસલા રાજ્યના મંત્રી બેનીરામ પંડિત અને કટકના દિવાન શ્રી વિશ્વંભર પંડિત કાશીમાં દર્શનાર્થે આવ્યા હતા. આ બંને સગા ભાઈઓ અલગ રાજ્યમાં પદવી ધરાવતા હતા. તેઓ માટે ભોંસલા રાજ્યના તત્કાલિન રાજા બેંકોજી ભોંસલેને એ હદે માન હતું કે તેઓના પ્રસ્તાવને તરત જ મંજૂરી આપી દે. કાશીમાં પ્રબંધક તરીકે બેનીરામ પંડિતની નિમણુક થઇ હતી. જે ગુજરાતના વડનગરાના નાગર સદગૃહસ્થ હતા.
શ્રી સ્વામી બ્રહ્મચારીએ કાશીમાં જગન્નાથ મંદિરની સ્થાપના કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પોતે પુરીના પૂજારી હતા અને કઈ રીતે કાશી સ્થાયી થયા તેનાથી માંડી તેની જગન્નાથજી માટેની અથાગ શ્રધ્ધા અને વિરહની વાત કરી.
બેનીરામ પંડિતે જગન્નાથ મંદિર માટે ગંગા માતાના અશી ઘાટ નજીક જગા ખરીદી આપી. તેના ભાઈ વિશ્વંભર પંડિતે પણ મંદિર નિર્માણ માટે સહયોગ આપ્યો. એટલું જ નહીં પુરી જેમ જ રથયાત્રાની પરંપરાનો પ્રારંભ 1802થી કર્યો. 1805માં બેનીરામ પંડિતનું નિધન થયું જયારે 1818માં શ્રી સ્વામી બ્રહ્મચારીએ પુરીની યાત્રા કરીને સમાધિ લઈ લીધી.
શ્રધ્ધાળુઓને નિરાશા સાથે એવો ભય હતો કે હવે રથયાત્રાની પરંપરાની વર્ષોત્તર જવાબદારી કોણ ઉઠાવશે પણ ભગવાનનું કામ ભગવાન જ આગળ ધપાવે ને ? તે ઉક્તિ પ્રમાણે કોઇને કોઈ આ પરંપરાને આગળ ધપાવતા નિમિત્ત બનતા ગયા. એ પછી મુળ ગુજરાતી સ્વર્ગીય રાવ પ્રહલાદદાસજી શાપુરા આગળ આવ્યા.
તેમણે રથયાત્રા જારી જ રહેશે એવી નાગરિકોને ખાતરી આપી એટલું જ નહીં અવિરત યોજાતી રહે એવું પ્રયોજન કરી આપ્યું. આગળ જતા તેમણે રથનું ક્લેવર બદલી તેને પુરીની સમકક્ષ બનાવ્યા. તેમના પુત્રો દિપક અને આલોક શાપુરી પૂર્વજોએ આપેલી વિસરાતને આગળ ધપાવી. ગુજરાત અને ગુજરાતી પ્રજા પર ભગવાન જગન્નાથની કૃપા વરસતી હોય તો જ આ શક્ય બને.