mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાત યુનિવર્સિટીમાં બ્લેકલિસ્ટેડ મુદ્રેશ પુરોહિતને ભરતી પરીક્ષા ને યુનિ.ના કોન્ટ્રાક્ટ

Updated: Dec 26th, 2021

ગુજરાત યુનિવર્સિટીમાં બ્લેકલિસ્ટેડ મુદ્રેશ પુરોહિતને ભરતી પરીક્ષા ને યુનિ.ના કોન્ટ્રાક્ટ 1 - image


વર્ષ 2003થી વિવાદાસ્પદ સૂર્યા ઓફસેટને હવે પોલીસ પણ છાવરે છે

લોએસ્ટ ટેન્ડર મૂકી મોટા બિલો બનાવવાના સેટિંગની તપાસ થશે? રાજસ્થાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ ખૂલ્યા તે પેપર પણ સૂર્યા ઓફસેટમાં છપાયા હતા 

પ્રજાના પૈસા લૂંટાવીને અને  વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા પીળો પરવાનો!

અમદાવાદ : સરકારમાં હેડકલાર્ક તરીકે ભરતી થવા ઈચ્છતા ગુજરાતના પોણો લાખ યુવાવર્ગની જીંદગીમાં અંધકાર અને નિરાશા જેવી સિૃથતિ સર્જાઈ છે છતાં પેપર કૌભાંડના મૂળમાં રહેલા સૂર્યા ઓફસેટને છાવરવામાં આવે છે.

ચોંકાવનારી ચર્ચા એવી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં પાંચ વર્ષ સુધી આન્સરબુક્સના ઓવરબિલીંગ અને ઓવરપ્રિન્ટિંગમાં ગોટાળા ખૂલ્યા પછી સૂર્યા ઓફસેટને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું. આ ચકચારી કિસ્સામાં વર્ષ 2003માં  પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

ગુજરાત યુનિવર્સિટીએ બ્લેકલિસ્ટ કરેલા મુદ્રેશ પુરોહીતના સૂર્યા ઓફસેટને ભરતી પરીક્ષાના પેપર છાપવાના અને યુનિવર્સિટીઓના કોન્ટ્રાક્ટ કઈ રીતે મળે છે? તે મુદ્દો તપાસનો હોવાની ચર્ચા છે. એવી પણ ચર્ચા છે કે, આંતરિક ગોઠવણ કરી લોએસ્ટ ટેન્ડર મુકી કોન્ટ્રાક્ટ મેળવી લીધા પછી મોટા બિલો બનાવવાની ગુજરાત યુનિવર્સિટીવાળી જુની મોડસ ઓપરેન્ડીથી સેટિંગ ચાલી રહ્યું છે.

વર્ષ 2015માં રાજસૃથાન યુનિવર્સિટી અને તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર કૌભાંડ ખૂલ્યાં તેમાં પણ પ્રિન્ટર વિવાદી સૂર્યા ઓફસેટ જ છે. કૌભાંડ, વિવાદ અને મુદ્રેશ પુરોહીતના સૂર્યા ઓફસેટનો કાયમનો નાતો જ તપાસ માગી લે તેવો છે. ગુજરાતમાં હેડ કલાર્કની 186 જગ્યા માટે 88000 યુવા બેરોજગારોએ તૈયારીઓ કરી હતી.

ગૌણ સેવા પરિષદ આયોજીત પરીક્ષા આડે ત્રણ જ દિવસ બાકી હતા ત્યાં લાખો રૂપિયામાં પેપર બજારમાં વેચાવા   લાગતા પરીક્ષા રદ કરવી પડે છે. પેપર જ્યાંથી લીક થયું તે સૂર્યા ઓફસેટ વર્ષોથી ચર્ચાસ્પદ છે. જાણકારો કહે છે કે, વર્ષ 1998થી 2003 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં આન્સરબૂક છાપવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર સૂર્યા ઓફસેટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

નક્કી સંખ્યા કરતા વધુ ઉત્તરવહીઓ છાપીને આિર્થક લાભ અને ગેરરીતિ કરવા બદલ પોલીસ ફરિયાદ થતાં તત્કાલિન કુલસચિવ અને યુનિ. કર્મચારી જેલમાં ગયા હતા. આ સમયે મુદ્રેશ પુરોહીત સામે પણ કાર્યવાહી થઈ હતી અને સૂર્યા ઓફસેટને ગુજરાત યુનિ.એ બ્લેકલિસ્ટ કરી હતી. આ પછી પણ મુદ્રેશ પુરોહીત વિવાદમાં રહ્યાં છે.

વર્ષ 2015માં રાજસૃથાનમાં વર્ગ 1-2ની પરીક્ષાના પેપર લીક થયાં તે પેપર સૂર્યા ઓફસેટમાં છપાયા હતા. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર કૌભાંડ પકડાયું તે પણ સૂર્યા ઓફસેટમાં છપાયા હતા. હદ તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીએ પેપર પ્રિન્ટિંગ ઉપરાંત ડિલિવરીની કામગીરી પણ સૂર્યા ઓફસેટને સોંપી 1.22 કરોડ રૂપિયા ચૂકવી પણ દીધાં છે.

આમ, વર્ષ 2003થી ચર્ચાસ્પદ રહેલા મુદ્રેશ પુરોહીતના વર્ષ 2015 પછી ઉપરાઉપરી બે ચકચારી પ્રકરણની ભારે ચર્ચા છે. ગૌણ સેવા પરિષદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર કૌભાંડ ખૂલતાં એવી ચર્ચા છે કે, રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ દોઢ દાયકાથી બ્લેકલિસ્ટ કરી એ છે એ વ્યક્તિ અને પેઢીને ગુજરાત સરકારની ગૌણ સેવા પરિષદ અને અન્ય યુનિવર્સિટીઓ આવી મહત્વની કામગીરી કઈ રીતે આપી દે છે?

રાજ્યના ગરીબ વિદ્યાર્થીઓના નાણાં અને નોકરીવાંચ્છુ યુવકોની કારકિર્દીના ભોગે મુદ્રેશ પુરોહીતને કોણ છાવરી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસે મુદ્રેશ પુરોહીતે ભાજપને ભંડોળ આપ્યાનો ભંડાફોડ પણ કર્યો છે.

સૌથી મોટી અને આંચકારૂપ બાબત એ છે કે, પેપર કૌભાંડમાં પ્રારંભે બચાવની ભૂમિકા રહેલી ગુજરાત સરકારે નિષ્પક્ષ અને પારદર્શક તપાસની ખાતરી ઉચ્ચારી છે. સાબરકાંઠા પોલીસ આ કૌભાંડના તથ્યો ઉછળી ઉછળીને જાહેર કરતી હતી.

પરંતુ, કૌભાંડનો રેલો સૂર્યા ઓફસેટ અને મુદ્રેશ પુરોહીત સુધી પહોંચ્યો તે સાથે જ સાબરકાંઠા પોલીસની બોલતી ભેદી રીતે બંધ થઈ ગઈ છે. આ કારણે પોલીસ અને ગુજરાત સરકાર પણ મુદ્રેશ પુરોહીતને છાવરતી હોવાની ચર્ચા લોકોમાં શરૂ થઈ છે.જાણકારોમાં ચર્ચા છે કે, સરકાર આયોજીત પરીક્ષા વિવાદી ન બને તે માટે બીજા રાજ્યના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવાતાં હોય છે.

પરંતુ, મુદ્રેશ પુરોહીતની વગ એટલી છે કે ગૌણ સેવા મંડળની પરીક્ષામાં પેપરનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. પોલીસ તપાસથી એટલું તો નક્કી છે કે, સૂર્યા ઓફસેટનો સુપરવાઈઝર કિશોર આચાર્ય પકડાયો છે. તો પછી, સૂર્યા ઓફસેટના સંચાલિક મુદ્રેશ પુરોહીતની બેદરકારી કેમ ન ગણી શકાય? 

સરકારી મુદ્રણાલયો હોવા છતાં ગૌણ સેવા મંડળે ખાનગીમાં કેમ કરાવ્યું?

સરકારને જ સરકારી કર્મચારીઓમાં વિશ્વાસ નથી આવી ટકોર સાથે સરકારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ગુજરાત સરકારના સરકારી મુદ્રણાલયો છે તેમ છતાં ગૌણ સેવા મંડળે પેપર પ્રિન્ટિંગ ખાનગીમાં કેમ કરાવ્યું? વર્ષ 2003માં ગુજરાત યુનિવર્સિટીના તોસ્તાન ઉત્તરવહી કૌભાંડ  પછી 2015માં રાજસ્થાનમાં પેપરલીકમાં ચર્ચાસ્પદ બનેલા પ્રિન્ટર સૂર્યા ઓફસેટના ભૂતકાળને તપાસવાની તસ્દી પણ ગૌણ સેવા મંડળેના સત્તાધિશોએ શા માટે નહીં લીધી હોય? આવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. સૂર્યા ઓફસેટના તમામ કોન્ટ્રાક્ટ અને મેળાપિપણાની તપાસ થાય તો ચોંકાવનારાં તથ્યો ખૂલે તેમ છે.

Gujarat