નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીથી ઝાડા ઊલટીને લીધે કિશોરીનું મોત
દૂષિત પાણીની બોટલો સાથે દેખાવો કરી માટલા ફોડીને સૂત્રોચ્ચાર કર્યો
વડોદરા,તા,31,જાન્યુઆરી,2020,શુક્રવાર
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં મહિનાઓ સુધી દૂષિત પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો. અને લોકો હેરાન થઈ ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. હવે ઊત્તર ઝોનમાં દૂષિત પાણીનો કકળાટ શરૃ થયો છે.
નવાયાર્ડ સહિતની સોસાયટીમાં દૂષિત પાણીથી ત્રસ્ત લોકોએ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. અને એવો આક્ષેપ કર્યો હતો કે ઝાડા ઊલટીથી એકનું મોત થયુ હતુ.
ઉત્તરઝોનમાં નવાયાર્ડ સહિતની ૧૦ સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યાં છે. નવાયાર્ડ, અમરનગર, ગાયત્રી ધામ, દક્ષાપાર્ક, દત્તકૃપા, ગાંધીનગર સહિતની સોસાયટીમાં છેલ્લા કેટલાક મહિનાથી દૂષિત પાણી આવે છે. આ અંગે રજૂઆત કરીને થાકેલા લોકોએ વિસ્તારમાં એકત્રિત થઈ વિરોધ કર્યો હતો. લોકો ગંદા પાણીની બોટલો સાથે દેખાવો કરી તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી. મહિલાઓએ માટલા ફોડીને પાલિકા તંત્રીની બેદરકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો. ગાયત્રીકૃપામાં એક પરિવારની કિશોરીનું ઝાડા ઊલટીને કારણે મોત થુયં છે. જેથી દૂષિત પાણીથી લોકો વધુ ભયભીત બની ગયા છે. લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તંત્ર વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે.