જોડાણો કાપવાના હુકમ બાદ ૧.૦૫ લાખ ગ્રાહકોએ વીજ બિલની બાકી રકમ ચૂકવી
વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી મધ્ય ગુજરાત વીજ કંપનીએ બાકી વીજ બિલની વસુલાત માટેનુ અભિયાન શરુ કર્યુ છે અને આ દરમિયાન વીજ બિલની બાકી ૭૭.૨૫ લાખ રુપિયાની રકમ નહીં ચૂકવનારા ૩૪૯૦ ગ્રાહકોના મીટર જપ્ત કરી લેવામાં આવ્યા છે.તા.૩૧ માર્ચ સુધી વીજ બિલ વસુલાતની કામગીરી ચાલુ રહેશે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરમાંથી જ વીજ કંપનીને ૧.૯૪ લાખ ગ્રાહકો પાસેથી ૩૬ કરોડ રુપિયાની રકમ વીજ બિલ પેટે વસુલવાની બાકી હોવાથી તેમના જોડાણો કાપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ૧.૦૫ લાખ જેટલા ગ્રાહકોએ ૨૪ કરોડ રુપિયાનુ વીજ બિલ સ્થળ પર જ ચુકવ્યુ હતુ.આ પૈકી ૩૮૮૧૪ ગ્રાહકો એવા હતા જેમણે ૧૧.૫૬ કરોડ રુપિયાનુ ઓનલાઈન પેેમેન્ટ કર્યુ હતુ.
જોડાણો કાપવાની કાર્યવાહી દરમિયાન ગ્રાહકોને વીજ કંપનીની વેબસાઈટ પર ઓનલાઈન પેેમેન્ટના જે પણ વિકલ્પો છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી.વીજ બિલનુ ગૂગલ પે અને પેટીએમ જેવી એપથી પણ પેમેન્ટ થઈ શકે છે તેની જાણકારી પણ ઘણા ગ્રાહકોને નહોતી.આ અંગે પણ વીજ ગ્રાહકોને સમજ આપવામાં આવી હતી.
વીજ બિલ વસુલાત માટેની કામગીરી રવિવારની રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે.