લાંબા સમયથી બંધ વડોદરા દર્શન બસ ચાલુ કરવા વિચાર
સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ૩૧.૮૮ લાખના ખર્ચે બસ ખરીદી હતી
વડોદરા, તા.12 વડોદરામાં વર્ષ ૨૦૧૭માં તત્કાલીન મુખ્યમંત્રીએ વડોદરા ફરવા આવતા લોકો માટે 'વડોદરા દર્શન' બસનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ રહેલી આ બસ શરૃ કરવા વિચારણા હાથ ધરી છે.
અગાઉ વડોદરામાં કોર્પોરેશન દ્વારા 'વિહારિકા' નામની બસ ૨૯ વર્ષ સુધી ચલાવી હતી. જે જૂની થઇ જતા વર્ષ ૨૦૦૫માં બંધ કરી દેવાઇ હતી. એ પછી શરૃ કરવા બીજો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
વડોદરાના સાંસદે જે તે સમયે ભલામણ કરતા સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ૩૨ સીટેડ ફૂલ્લી એસી વડોદરા દર્શન બસ ૩૧.૮૮ લાખના ખર્ચે ખરીદવામાં આવી હતી. જે પૈકી સાંસદની ગ્રાન્ટમાંથી ૨૪.૯૨ લાખ મંજૂર થયા હતા. બાકીનો વધારાનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરાયો હતો. ડ્રાઇવર સહિત મેન્ટેનન્સનો ખર્ચ કોર્પોરેશને કરવાનો હતો. બસની માલિકી વડોદરા કલેકટર હસ્તકની હતી.
વડોદરા આવતા પ્રવાસીઓને વડોદરાના ઐતિહાસિક સ્થળો ફરવાનું મળી રહે અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે આ બસ સુવિધા શરૃ કરાઇ હતી.
આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે છેલ્લા બેત્રણ વર્ષમાં કોરોનાના સમયમાં બસ સુવિધા સ્થગિત થઇ હતી. હવે આ બસ ચાલુ કરવા વિચાર છે. કયો વિભાગ આ કામગીરી સંભાળશે, તે જોઇ નિર્ણય લેવાશે.