Get The App

સીઝ કરેલા ચાર વાહનો ખનીજ માફિયાઓ છોડાવી જતા ફરિયાદ

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
સીઝ કરેલા ચાર વાહનો ખનીજ માફિયાઓ છોડાવી જતા ફરિયાદ 1 - image

ઉમરેઠ તાલુકાના અહીમા ગામેથી 

ખાણ- ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે તકરાર કરીને શખ્સો નાસી છૂટયા, એક સામે ગુનો 

આણંદ: ખાણ-ખનીજ વિભાગે ઉમરેઠના અહીમા ગામેથી સીઝ કરેલા વાહનોને ખંભળોજ પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. જ્યાંથી ખનીજ માફિયાઓ માઈન્સ સુપરવાઈઝર અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી ધમકી આપી બે લોડર મશીન અને બે ટ્રેક્ટરો લઈ ગયા હતા. આ અંગે ખંભળોજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આણંદ ખાણ-ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર બાબુભાઈ મહાદેવભાઈ આયાર ગત મંગળવારે સાંજે ડ્રાઈવર અને બે સિક્યુરિટી ગાર્ડ સાથે ચેકિંગમાં નિકળ્યા હતા. ત્યારે ઉમરેઠના અહીમા ગામના કોતર વિસ્તારમાંથી બે લોડર મશીનો અને પાંચેક ટ્રેક્ટર-ટ્રોલી સાથેના વાહનો ઝડપી પાડયા હતા. તમામ વાહનોને સીઝ કરી ખંભળોજ પોલીસ મથકે લાવ્યા હતા. દરમિયાન જીલુભાઈ ભરવાડ (રહે. ઓડ-અહીમા રોડ) પોતાના સાગરીતો સાથે બાઈક પર આવ્યા હતા અને બાબુભાઈ અને સિક્યુરિટી ગાર્ડ મહેન્દ્રભાઈ રબારી સાથે તકરાર કરી હતી. તેમજ ઝપાઝપી કરી ધમકીઓ આપી બે લોડર મશીન અને બે ટ્રેક્ટરો છોડાવી ગયા હતા. આ અંગે ખાણ-ખનીજ વિભાગના સુપરવાઈઝરની ફરિયાદના આધારે ખંભળોજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.