કપડવંજના દનાદરામાં ક્વોરી ઉદ્યોગથી પર્યાવરણને નુકસાનની પીએમઓમાં ફરિયાદ
કપડવંજ ગ્રામ્યના જાગૃત નાગરિકે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી
વેંગન બ્લાસ્ટથી સરકારી મિલકતોને ભય, ટ્રાન્સપોર્ટથી વાતાવરણમાં પ્રદૂષણ સાથે પાકને નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ
કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા ખાતે ક્વોરી ઉધોગ ધમધમે છે. ૧૧ જેટલી ક્વોરીના સંચાલકોએ પર્યાવરણ અને સ્થાનિક આરોગ્યને નજરઅંદાઝ કરી મોટા પ્રમાણમાં આડેધડ ખોદકામ કરી વ્યાપક કૌભાંડ આદર્યું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની વહીવટી લાપરવાહી તેમજ ભુસ્તર શાીની શંકાસ્પદ કામગીરી અને સરકારી નીતિઓની વિરૂધ્ધ કામગીરી હોવા છતાં ખાણ અને ખનીજ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં છે. કપડવંજના ગ્રામ્ય વિસ્તારના આરટીઆઇ એક્ટિવિસ્ટ કમલેશભાઈ ચૌહાણે વિભાગમાંથી માહિતી મેળવી અને જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે.
ખાણખનીજ વિભાગમાં માહિતી આપવામાં આનાકાની બાદ અરજદાર કમલેશ ચૌહાણ દ્વારા માહિતી અધિકારનો ઉપયોગ કરતા ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં દનાદરા ગામમાં સર્વે નંબર ૩૨૬,૩૩૦,૩૪૭, અને ૩૫૪માં ૧૧ જેટલા લીઝ ધારાકો વ્યવસાય કરી રહ્યા છે. જે લીઝ માલિકોએ દલા તરવાડીની જેમ દનાદરા આડેધડ ખોદકામ કરી સરકારી નીતિ ઓને ગધા લાતો ફટકારી છે અને જિલ્લાના વિભાગના કર્મચારીઓ પોતાની બંધારણીય ફરજો બજાવવામાં નિષ્ફળ નીવડયા હોવાનું જણાય છે અરજદાર કમલેશભાઈ ચૌહાણે સ્વાગત કાર્યક્રમ સહીત પ્રધાન મંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી છે જેમાં એનવાયરમેન્ટ ક્લીઅરન્સ નિયમો અને કાયદાનો ભંગ થયો હોવાનું જણાવ્યું છે.
સ્થાનિક ગામે વેંગન બ્લાસ્ટના કારણે સ્થાનિક મકાનો સરકારી મિલકતો અને તેમાંય નાના ભૂલકાઓની આંગણવાડીની સ્થિતિ ભયજનક છે, ટ્રાન્સપોર્ટથી વાતાવરણમાં ભારે પ્રદુષણ ફેલાયું છે અને ભૂગર્ભ જળની પણ સમસ્યાઓ ઉભી થઇ છે.વાતાવરણમાં ધૂળની ડમરીઓથી ઉભા પાકને નુકશાન સાથે પશું અને માનવ જીવન સામે ખતરો સર્જાયો છે.
- ૧૧ ક્વોરી સંચાલકોએ કરેલા ખોદકામની માપણી માટે પણ ફરિયાદ
મહાલક્ષ્મી ક્વોરી, શ્રીજી ક્વોરી, ઉમિયા ક્વોરી, ગાયત્રી ક્વોરી, મારુતિ સ્ટોન, શિવમ ક્વોરી, અંબિકા ક્વોરી, તિરૂપતિ અને હરિઁ ક્વોરી, શ્રીજી ક્વોરી અને બિમલ એચ પટેલ નામના સંચાલકોએ ઈસીની મંજૂરી કરતા વધારે ખોદાણ કરી કાળો કારોબાર આદર્યો છે. જે સંદર્ભે અરજદાર માપણી માટે પણ પીએમઓમાં લેખિત ફરિયાદ કરી છે. ઉપરાંત કપડવંજ તાલુકા કિંમતી ખનીજ બોકસાઈટનું પણ મોટા પ્રમાણમાં મોટા માથાઓ દ્વારા ચોરી થતી હોય તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઉપરાંત રેતી ગ્રેવલનું પણ આડેધડ નિયમ વિરુદ્ધ ખોદકામ થતાં હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે જો ખાણ અને ખનીજ વિભાગના ભુસ્તર શાી દ્વારા તટસ્થ દરોડા પાડવામાં આવે તો ઘણી બધી ગેરરીતિઓ બહાર આવે તેમ છે, પરંતુ પ્રશ્ન એ ઉઠવા પામ્યો છે કે દરોડાઓ પડશે કે આ વાતનું ભીનું જ સંકેલાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે.