Get The App

શ્રીજી કોર્પોરેશનના ભાગીદારો વચ્ચે તકરાર થતા છેતરપિંડીની ફરિયાદ

જમીન અંગે પેઢીએ ૭૩.૨૦ લાખનો ખર્ચ કર્યો છતાંય કરારનો ભંગ કરીને ૯.૭૩ કરોડમાં સોદો કરી નાંખ્યો

Updated: Apr 23rd, 2023

GS TEAM

Google News
Google News
શ્રીજી કોર્પોરેશનના ભાગીદારો વચ્ચે તકરાર થતા છેતરપિંડીની ફરિયાદ 1 - image

વડોદરા,અમેરિકા રહેતા પિતાના પાવર ઓફ એટર્નીના આધારે પુત્રે શ્રીજી કોર્પોરેશન પેઢી સાથે જમીનના કરાર કર્યા  હતા.ત્યારબાદ પિતાએ અમેરિકાથી પરત આવીને તે જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના મોટા ભાઇ તથા શ્રીજી કોર્પોરેશનના દશ પૈકીના એક ભાગીદારને કરી આપ્યો હતો.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મુજમહુડા સામ્રાજ્ય - ૧ માં રહેતો ચિંતન નરેન્દ્રભાઇ પટેલ તથા દર્શિત શાહ ભાગીદારીમાં કન્સટ્રક્શનનું કામ કરે છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હાલમાં ફતેપુરામાં નિલકંઠ એવન્યુ નામની સાઇટ પર કન્સટ્રક્શનનું કામ ચાલે છે.વર્ષ - ૨૦૧૬ થી  હું શ્રીજી કોર્પોરેશન નામની કન્સટ્રક્શન કંપનીમાં ભાગીદાર છું.

મકરપુરા વિસ્તારમાં આવેલી ૧૬,૦૮૭ ચો.મી. જમીનના માલિક નગીનભાઇ ભગવાનભાઇ પટેલે તેમના દીકરા જૈમીનને પાવર ઓફ એટર્ની આપ્યો છે.જૈમીનભાઇ પટેલના પત્ની અસ્મિતાબેન તથા ફોઇ રેખાબેન  પણ શ્રીજી કોર્પોરેશનમાં ભાગીદાર છે.જૈમીન  પટેલે અમારી શ્રીજી કોર્પોેરેશન કંપનીને સરકારી કચેરીમાં કામ કરવાની પરવાનગી મેળવવા માટેનું કામ આપ્યું હતું.અમે આ જમીન બિન ખેતીમાં કરાવવા માટે પ્રિમિયમની રકમ ૧.૬૦ લાખ ચલણથી રોકડા ભર્યા હતા.ત્યારબાદ કોર્પોરેશનમાં જમીન ડેવલપ કરવા માટેની રજા ચિઠ્ઠી મેળવવા માટે ૩૫.૬૧ લાખ પેઢીના એકાઉન્ટમાંથી  ચૂકવવામાં આવ્યા હતા.ત્યારબાદ રિવાઇઝ રજા ચિઠ્ઠી માટે ૧૫.૯૮ લાખ પેઢીના ભાગીદાર પુનિત સંઘાણીના એકાઉન્ટમાંથી ઓનલાઇન ભરવામાં આવ્યા હતા.અમારી કંપનીએ કુલ રૃપિયા ૭૩.૨૦ લાખ ખર્ચ કર્યો હતો.

 આ તમામ ખર્ચ તથા કરાર અંગે જૈમીન  પટેલ જાણતા હોવાછતાંય જૈમીનના પિતા નગીનભાઇ પટેલે અમેરિકાથી આવીને ડિસેમ્બર - ૨૦૨૨ માં આ જમીન શ્રીજી કોર્પોરેશન પેઢીના ભાગીદાર મીતાબેનના પતિ મુકેશ કિકાણી તથા પોતાના મોટા ભાઇ  પ્રવિણભાઇ પટેલને તા.૦૮ - ૦૨- ૨૦૨૩ ના રોજ અમારી જાણ બહાર કોઇપણ પ્રકારની નોટિસ ઇશ્યૂ કર્યા સિવાય ૯.૭૩ કરોડમાં  રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી આપી દીધી હતી.અમારી પેઢી સાથે કરાર કર્યો હોવાછતાંય મુકેશ કિકાણી તથા પ્રવિણ પટેલને જમીન વેચી દીધી હતી.



શ્રીજી કોર્પોરેશન  પેઢીના દશ ભાગીદારોના નામ

વડોદરા,ચિંતન પટેલા જણાવ્યું છે કે, અમારી  શ્રીજી કોર્પોરેશન નામની પેઢીમાં કુલ દશ ભાગીદારો છે.જેમાં મારા ઉપરાંત (૨)ચંદ્રકાંત જ્યંતિભાઇ પટેલ (૩) મીરાંત ચંદ્રકાંત પટેલ (૪)પુનિત મધુભાઇ સંઘાણી (૫) મીતાબેન મુકેશભાઇ કિકાણી (૬) અલ્પાબેન ભૂપેન્દ્રભાઇ શાહ (૭) દર્શિત ભૂપેન્દ્રભાઇ શાહ (૮) સુમિત્રાબેન નરેન્દ્રભાઇ પટેલ (૯) રેખાબેન રમેશભાઇ પટેલ તથા (૧૦) અસ્મિતાબેન જૈમીનકુમાર પટેલ છે.આ પેઢીમાં મને તથા  પુનિત સંઘાણીને વહીવટકર્તા બનાવ્યા છે.