Updated: Mar 18th, 2023
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં આવેલા
બોરીજમાં સગીરાની ઘર પાસે રહેવા આવેલા યુવાને અપહરણ કરી લીધાની ફરિયાદના આધારે સે-૨૧ પોલીસે તપાસ શરૃ કરી
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર
નજીક આવેલા બોરીજ ગામમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા સેક્ટર ૨૧માં આવેલા એમ.એલ.એ
ક્વાટર્સમાં હાઉસ કીપિંગનું કામ કરતી હતી. જ્યાં દરરોજ તેનો ભાઈ સવારે તેને મૂકી
જતો હતો અને સાંજના સમયે ઘરે લઈ જતો હતો. જો કે ગઈકાલે તેનો ભાઈ સગીરાને એમ એલ એ
ક્વાર્ટર્સમાં મૂકી ગયા બાદ સાંજે લેવા માટે ગયો ત્યારે સગીરા એમએલએ ક્વાર્ટર્સમાં
હાજર હતી નહીં. જેથી તેણી ઘરે ગઈ હોવાનો અંદાજ આવ્યો હતો અને તેના આધારે ઘરે પહોંચ્યો
હતો. જો કે પરિવારજનોએ સગીરા ઘરે નહીં આવી હોવાનું જણાવ્યું હતું. જેના પગલે
આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ આ સગીરાનો કોઈ જ પતો લાગ્યો ન હતો.
એમ એલએ ક્વાર્ટર્સમાં પણ તપાસ કરતા સગીરા સાંજે ચાર વાગે ચાલતી નીકળી ગઈ હોવાનું
બહાર આવ્યું હતું. બીજી બાજુ પરિવારજનોએ તપાસ કરતા ઘરની બાજુમાં રહેવા આવેલો યુવાન
પણ ગાયબ હોવાનું જણાયું હતું. જેથી મહેસાણાના વલાસણા ગામનો સુનીલ રમેશભાઈ સોલંકી
પ્રેમ જાળમાં ફસાવીને આ સગીરાને લઈ ગયો હોવાની આશંકાને પગલે તેના ભાઈએ સેક્ટર ૨૧
પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને આરોપી
યુવાનની શોધખોળ શરૃ કરી છે.