ખોટી વીમા પોલિસી રજૂ કરનાર લક્ઝરી બસના માલિક સામે ફરિયાદ
પ્રિમિયમ બચાવવા ટુ વ્હીલરની પોલિસીમાં લક્ઝરી બસનો નંબર લખી દીધો
વડોદરા, અકસ્માતના કેસમાં રજૂ કરેલી લક્ઝરી બસની વીમા પોલીસીનું વેરિફિકેશન કરતા તે પોલિસી ખોટી હોવાનું જણાઇ આવતા ડભોઇ પોલીસે બસના માલિક અને કબજેદાર સામે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ એસ.જી.હાઇવે બોડકદેવ વિસ્તારમાં સુરેલા એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઇ મોહનભાઇ શાહ આઇસીઆઇસીઆઇ લોમ્બર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ડભોઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૦ - ૦૮ - ૨૦૨૨ ના રોજ અમારી ઓફિસમાં ડભોઇ પોલીસ સ્ટેશનના અકસ્માત કેસના કાગળો વેરિફિકેશન માટે આવ્યા હતા. તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક લક્ઝરી બસના માલિક સ્વપ્નીલ ઠાકોરભાઇ પટેલ ( રહે. શાંતિવિલા કોમ્પલેક્સ, વાસદ, તા.જિ.આણંદ) દ્વારા ગુનાની તપાસ માટે લક્ઝરીના કાગળો તેમજ વીમા પોલિસી ડભોઇ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ, રેકર્ડની ચકાસણી કરતા વીમા પોલીસી ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું. આ વીમા પોલિસી ટુ વ્હીલર વાહનની હતી. પરંતુ, ઓછું પ્રિમિયમ ભરવું પડે તે માટે માલિકે તેમાં લક્ઝરી બસનો નંબર લખી દીધો હતો. જેથી, અમે આ અંગે તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને સમગ્ર પ્રકરણ મોકલી આપ્યું હતું. જેમાં પોલિસીખોટી હોવાનું જણાઇ આવ્યું હતું. ડભોઇ પોલીસે લક્ઝરી બસના માલિક સ્વપ્નીલ તથા કબજેદાર બંસીલાલ ભુરાલાલ શર્મા ( રહે.અક્ષર વિન્ટેજ, તરસાલી બાયપાસ પાસે) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.