Updated: Mar 16th, 2023
આણંદ: આણંદ જિલ્લામાંથી ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લાના આણંદ તાલુકાના લાંભવેલ ગામનો પુરૂષ, આણંદ તાલુકાના કણભઈપુરાની યુવતી, ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનો પુરુષ અને સંખેડા તાલુકાના બહાધરપુરની યુવતી ગુમ થઈ હોવાના ચાર અલગ-અલગ બનાવો અનુક્રમે આણંદ ગ્રામ્ય, ખંભોળજ, ભાલેજ અને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયા છે. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના લાંભવેલ ગામે અમર કોલ્ડ સ્ટોરેજની પાછળ, પાંડવ ફાર્મમાં રહેતા આકાશ સચીન મહાલી (ઉં.વ.૩૩) ગત તા. ૧૪મી માર્ચ, ૨૦૨૩ના રોજ નોકરી જગ્યા પરથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. તેઓની આસપાસના વિસ્તાર તેમજ સગાવ્હાલામાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આખરે આ બનાવ અંગે તેઓના પત્ની સપનાબેન મહાલીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. બીજા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના કણભઈપુરા ગામે ડેરી સામે ખેતરમાં રહેતા શનાભાઈ ભીખાભાઈ ઠાકોરની દિકરી હેતલબેન (ઉં.વ.૧૯) ગત તા.૧૩મી માર્ચ, ૨૦૨૩ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઘરેથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી. તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે પિતા શનાભાઈ ઠાકોરે ખંભોળજ પોલીસ મથકમાં જાણ કરી હતી. ત્રીજા બનાવની માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે સમડીવાળું ફળીયું ખાતે રહેતા પ્રવિણસિંહ ઉર્ફે નટુભાઈ ભારતસિંહ પરમારનો પુત્ર વિજયસિંહ (ઉં.વ.૨૮) ગત તા.૧૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ ઘરેથી બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું કહી નીકળ્યા બાદ ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયો હતો. જેની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે પિતા પ્રવિણસિંહ પરમારે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરી હતી. ચોથા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંખેડા તાલુકાના બહાધરપુરની વતની રાજુભાઈ વિઠ્ઠલભાઈ તડવીની દિકરી હેતલબેન (ઉં.વ.૧૯) ગત તા.૧૪મી માર્ચ, ૨૦૨૩ના રોજ ખંભાત તાલુકાના સોખડા ગામે નીજાનંદ સોસાયટી રહેતા બનેવી અક્ષયકુમાર ભાનુભાઈ પટેલના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી. આ બનાવ અંગે અક્ષયકુમાર પટેલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.