દિવાળી નજીક આવતા રંગોળી બનાવવાની ચીજોનું આગમન
- આણંદ જિલ્લાના બજારોમાં રંગોળી પૂરવા માટે સ્પેશ્યલ પેન અને રોલર મળી રહ્યા છે
આણંદ.તા, 1 નવેમ્બર 2018, ગુરુવાર
હિન્દુ સંસ્કૃતિના મહાન પર્વ દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના બજારોમાં ધીમે-ધીમે દિવાળીની ચહલ-પહલ જોવા મળી રહી છે. ખાસ કરીને દિવાળી ટાંણે ગૃહસજાવટ સહિત ઘરના આંગણે રંગોળી બનાવવાનું પણ અનેરું મહત્વ છે ત્યારે પર્વને લઈને આણંદ જિલ્લાના બજારોમાં વિવિધ પ્રકારના રંગ તેમજ રંગોળી બનાવવાની ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે.
હાલ બજારમાં રંગોળી પૂરવા માટે સ્પેશિયલ પેન તેમજ રોલર જોવા મળી રહ્યા છે. જો કે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રૂા.૨૦ થી ૩૦ પ્રતિ નંગના ભાવે આવા રોલર તેમજ પેન વેચાઈ રહ્યા છે.પ્રકાશના પર્વ દિવાળી દરમ્યાન રંગોળીનું પણ અનેરું મહત્વ છે. હિન્દુ ધર્મના મહાન પર્વ દિવાળી દરમ્યાન મહિલાઓ દ્વારા પોતાના ગૃહને આકર્ષક રીતે સજાવવામાં આવે છે.
ઉપરાંત પર્ળોની શ્રેણી દરમ્યાન જુદા-જુદા દિવસે વિવિધ આકૃતિવાળી આકર્ષક રંગોળી પણ કેટલીક ગૃહિણીઓ તથા યુવતીઓ પોતાના ઘર આંગણે બનાવતી હોય છે. પહેલાના સમયમાં વિવિધ રંગો તેમજ લાકડાના વ્હેરનો ઉપયોગ કરી કલાકોની મહેનત બાદ રંગોળી તૈયાર કરવામાં આવતી હતી. જો કે સમયની સાથે સાથે ટ્રેન્ડ બદલાયો છે.
રંગોળી પૂરવા માટે વિવિધ પ્રકારના ફરમા ઉપયોગમાં લેવામાં આવતા હતા તેમાં પણ હવે રંગોળી બનાવવા માટે વિવિધ પ્રકારની પેન તેમજ રોલરની સુવિધા ઉપલબ્ધ થઈ છે. પહેલાના સમયમાં કલાકોની જહેમત બાદ રંગોળી તૈયાર થતી હતી. પરંતુ સમય સાથે તાલ મીલાવી હવે બજારમાં મળતા તૈયાર ફરમા તથા રોલર અને પેનના આધારે ખૂબ ઓછા સમયમાં આકર્ષક રંગોળી તૈયાર થઈ શકે છે.
વધુમાં રંગોળીના વિવિધ કલરોમાં પણ હાલ બજારમાં વિવિધ વેરાઈટી જોવા મળે છે. વિવિધ રંગોની સાથે સાથે ઝરી કલરની માંગ પણ વધુ રહેતી હોય છે. હાલમાં આણંદ જિલ્લાના બજારોમાં વિવિધ વેરાઈટીના રંગોના પેકેટો રૂા.૧૦ થી લઈ રૂા.૨૫ તેમજ રંગોળી પુરવાની પેન રૂ.૨૦ થી ૩૦ અને પ્લાસ્ટિક રોલર રૂા.૨૫ થી ૩૦ પ્રતિ નંગ વેચાઈ રહ્યા છે.