ઓગસ્ટમાં પરીક્ષા કામગીરી માટે યુનિ.-કોલેજો ચાલુ રાખવી પડશે
- અનલોક-3માં બંધ રાખવા કેન્દ્રનો આદેશ પરંતુ
- સરકારે સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમનો કોઈ પરિપત્ર હજુ ન કરાતા શિક્ષકો-સ્ટાફ અને સંસ્થાઓમાં મુંઝવણ
અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકારે અનલોક-3માં પણ ઓગસ્ટ અંત સુધી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓ બંધ રાખવા ગાઈડલાઈન જાહેર કરી છે પરંતુ ઓગસ્ટમાં રાજ્યમાં ઘણી યુનિ.ઓમાં પરીક્ષા થનાર છે જેથી પરીક્ષા કામગીરી માટે કોલેજો-યુનિ.ઓ ચાલુ રહેશે તેમજ શિક્ષકો -કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ પણ નહી મળે.જો કે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2માં 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓ બંધ રાખવા આદેશ કરાયા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે યુનિ.ઓ-કોલેજો માટે પરિપત્ર કરીને સંપૂર્ણ વર્કફ્રોમ હોમની સ્પષ્ટતા કરી હતી.
જે મુજબ 31 જુલાઈ સુધી શિક્ષકો-કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અપાયુ હતું પરંતુ હવે ઓગસ્ટમાં વર્ક ફ્રોમ હોમ મળી નહી શકે અને યુનિ.ઓ-કોલેજોમા આવવુ પડશે કારણકે ઓગસ્ટમા ઘણી યુનિ.ઓમાં યુજીસીની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ લેવાનાર છે.
ઓફલાઈન પરીક્ષાઓ હોવાથી પેપરો તૈયાર કરવાથી માંડી ઈવેલ્યુશન સહિતનીતમામ કામગીરી માટે શિક્ષકો-કર્મચારીઓને બોલાવવા પડશે. જો કે કોલેજોમાં હજુ પણ મુંઝવણ છે કે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટમાં વર્ક ફ્રોમ હોમ અપાયુ છે કે કે કેમ અને કોઈ પરિપત્ર કરાયો છે કે નહી ?જ્યારે આ અંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અગ્ર સચિવનું કહેવુ છેકે પરીક્ષાઓ અને શિક્ષણકાર્ય અલગ અલગ છે.
કેન્દ્રની ગાઈડલાઈન મુજબ યુનિ.ઓ-કોલેજોમાં શિક્ષણકાર્ય 31 ઓગસ્ટ સુધી બંધ જ રહેશે અને ક્લાસરૂમ એજ્યુકેશન માટે કોલેજો-યુનિ.ઓ શરૂ નહી કરાય પરંતુ પરીક્ષાઓ તો લઈ શકાશે.પરીક્ષાઓની કામગીરી થશે.જે તે યુનિ.એ પોતાની સ્થિતિ મુજબ કામગીરી કરવાની રહેશે.