આઝાદીના જંગના નવ રત્નો સાથેનો ૫૦૦ ગ્રામનો પિત્તળનો અનોખો સિક્કો
સિક્કા પર ગાંધીજી, ઝાંસીની રાણી, મંગલ પાન્ડે, ભગસિંહ, રવિન્દ્રનાથ ટાગોર, વલ્લભભાઈ પટેલના ચિત્રો કંડારેલા છે
વડોદરા: અંગ્રેજોને ભારતમાંથી હકાલપટ્ટી કરવા માટે ૧૮૫૭માં ભારત છોડો આંદોલનની પ્રથમ લડાઈનો પ્રારંભ થયો હતો જેને વર્ષ ૨૦૦૭માં ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર દેશપ્રેમી વ્યક્તિઓએ આઝાદી અપાવનારા ૯ રત્નો સાથેનો પિત્તળનો ૫૦૦ ગ્રામ વજનનો સિક્કો બહાર પાડયો હતો, જે છેલ્લા ૩૫ વર્ષથી ગાંધીજીનું કલેક્શન કરનારા અતુલભાઈ શાહ પાસે છે.
શહેરના કોઠી ચાર રસ્તા વિસ્તાર નજીક રહેતા અતુલભાઈએ કહ્યું કે, મહેસાણાના વેપારી પાસેથી મેં આ સિક્કો ખરીદ્યો હતો. જેની એક બાજુ મહાત્મા ગાંધીજીને તેમની આસપાસ ઝાંસીની રાણી, મંગલ પાંડે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બાળગંગાધર ટિળક, ભગતસિંહ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ચિત્રો કંડારેલા છે. સાથે અશોકચક્ર પણ બનાવવામાં આવ્યું છે.
જ્યારે બીજી બાજુ આઝાદીની ચળવળના ચિત્ર સાથે નવ રત્નોએ આપેલા સૂત્રો જેવા કે, મેં ઝાંસી નહીં દૂંગી, હર-હર મહાદેવ, વંદે માતરમ, સ્વરાજ મારો જન્મ સિધ્ધ અધિકાર છે, ઈન્ક્લાબ ઝિંદાબાદ, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા વગેરે લખેલા છે. આ સિક્કા ઉપરાંત ભારતને આઝાદી મળી ત્યારે નેતાજી સુભાષચંદ્રની આઝાદ હિંદ ફોજે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ એક તરફ ભારતનો નક્શો અને બીજી તરફ રાષ્ટ્રધ્વજ અને જયહિંદ લખેલો નાનકડા સિક્કો મોમેન્ટો તરીકે બહાર પાડયો હતો, તે પણ મારા કલેક્શનમાં છે.
આઝાદી સમયે નીકળેલું બાપુ લોક
અતુલભાઈએ કહ્યું કે અંગ્રેજોના બંધનમાંથી જ્યારે ભારત મુક્ત થયું ત્યારે ચો તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો એવામાં એક તાળુ બનાવતી કંપનીએ 'બાપુ લોક ૧૫ ઓગસ્ટ ૧૯૪૭' લખેલા તાળા ચાવી બનાવ્યા હતા. તાળાના મધ્યમાં બાપુના ચિત્ર સાથે આઝાદ હિંદ પણ લખેલ છે આ તાળા ચાવી જોધપુરના વેપારી પાસેથી વર્ષ ૨૦૦૧માં ખરીદ્યા હતા.
આઝાદીની ચળવળને સાથ આપતા વેપારીઓ
ભારતને અંગ્રેજોના ગુલામી શાસનમાંથી મુક્ત કરવા શરુ કરાયેલી આઝાદીની ચળવળને વેપારીઓ પોતાની પ્રોડક્ટમાં તેનો સમાવેશ કરી સાથ આપતા હતા. જેમાં સૌથી મોટું ઉદાહરણ આઝાદી પહેલા ભારતના એકમાત્ર ગુજરાતના પેટલાદમાં બનતી દીવાસળીની કંપની હતી. જે દીવાસળીની છાપમાં સ્વદેશી અપનાવોના સૂત્ર સાથે ગાંધીજીનું ચિત્ર, રાષ્ટ્રધ્વજ, ચરખો, સ્ત્રીઓનું આંદોલન વગેરે દોરતા હતા. જ્યારે લાહોરના મોરી ગેટ નજીક આવેલી નેક્ટેરીને ફાર્મસી કંપનીએ પોતાની ડાયરી બહાર પાડી હતી જેમાં જયહિંદ ચલ્લો દિલ્હી લખીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝના ચિત્રો દોર્યા હતા. આ બંને પણ અતુલભાઈના કલેક્શનમાં સચવાયેલા છે.