ભરૃચ પાસેનો ગોલ્ડન બ્રિજ અવરજવર માટે બંધ કરાયો
એક યુવતી ડૂબતી બચી જતા તંત્ર એક્શનમાં ઃ નર્મદા મૈયા બ્રિજ ચાલુ રહેશે
ભરૃચ તા.૧૮ ભરૃચના નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર લોકો સેલ્ફી લેવા માટે ઉમટી પડતાં સલામતી ખાતર આજે રાત્રે બ્રિજને બંને છેડેથી બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે પોલીસે બેરિકેડ ગોઠવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તેમજ નર્મદા નદીમાં પાણી આવતા નદીની સપાટી સતત વધી રહી છે. ભરૃચ પાસે ગોલ્ડન બ્રિજ ખાતે રાત્રે સપાટી ૨૭ ફૂટે પહોંચી હતી. આ સાથે જ નર્મદા નદીના પાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો સાંજે અને રાત્રે ગોલ્ડન બ્રિજ ખાતે ઉમટી પડયા હતાં. નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિકની અવરજવરના કારણે ગોલ્ડન બ્રિજ પર લોકોને મજા પડી ગઇ હતી. અનેક લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા અને સેલ્ફી લેવા માંડયા હતાં.
જો કે એક યુવતી સેલ્ફી લેતાં અચાનક ગબડી હતી અને બ્રિજના એંગલ પર લટકી પડી હતી. આ વખતે ત્યાં હાજર સી ડીવીઝન પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને યુવતીને બચાવી હતી. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને બ્રિજ પર ઉમટી પડેલા લોકોને દૂર કર્યા બાદ બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. નદીમાં પાણીની સપાટી ઓછી થયા બાદ આ બ્રિજ શરૃ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ રહેશે.