શાસ્ત્રીય નૃત્ય કારકિર્દી માટે નથી પણ ત્યાગ, સમર્પણ અને તપસ્યા છે : સોનલ માનસિંગ
શાસ્ત્રીય નૃત્યના જાહેર સમારોહ 'નૃત્ય પર્વ' માં પદ્મભૂષણ મેળવનાર પ્રથમ નૃત્યાંગના સોનલ માનસિંગ, વૈભવ આરેકર,શમા ભાટે, વિશાલ ક્રિશ્નન અને ડો.દિવ્યા પટેલ પરફોર્મ કરશે
વડોદરા : શાસ્ત્રીય નૃત્યમા પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માન મેળવનાર પ્રથમ નૃત્યાંગના અને રાજ્યસભાના સભ્ય સોનલ માનસિંગ એક જાહેર વાર્તાલાપ માટે તા.૧૦મી ફેબુ્રઆરીએ વડોદરા આવવાના છે તે પહેલા તેઓએ વાતચીત દરમિયાન ટેલિવિઝન પર ચાલતા ડાન્સ રિઆલિટી શો અંગે કહ્યું હતું કે 'ડાન્સ રિઆલિટી શો સારા છે તેનાથી ટેલેન્ટ બહાર આવે છે પરંતુ શાસ્ત્રીય નૃત્ય તો સાધના છે. કઠીન પરિશ્રમ અને સમર્પણ પછી જ નૃત્ય શિખી શકાય છે'
અત્યાર સુધી ૯૦ દેશોમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યને પ્રસિધ્ધ કરનાર ૭૮ વર્ષના સોનલ માનસિંગ સારા કોરિયોગ્રાફર,સ્પીકર અને ગાયિકા પણ છે. તેમણે કહ્યું હતું કે 'મારા માટે નૃત્ય એ કારકિર્દી નથી, પણ ત્યાગ, સમર્પણ અને તપસ્યા છે. ચાર વર્ષની ઉમરથી મે નૃત્ય શિખવાનો પ્રારંભ કર્યો હતોે. એ ઉમરમાં કારકિર્દીનો વિચાર ના હોય અને આજે પણ નથી.પહેલા મણિપુરી, પછી ભરતનાટયમ ત્યાર બાદ ઓડિસી અને છઉ નૃત્ય શિખ્યુ. ભરતનાટયમ અને ઓડિસી બંને મારી બે આંખો જેવા છે. ઓડિસીનો પોશાક અલગ છે અને તેમાં ચાંદીના ઘરેણાં પહેરવામાં આવે છે. ઓડિસીમાં હાવભાવની પ્રધાનતા છે. અભિનય એ નૃત્યનો આત્મા છે. હું હંમેશા સોલો એટલે કે એકલા જ નૃત્ય કરૃ છુ મારી સાથે ડાન્સ ગૃપ નથી હોતુ. સતત અઢી કલાક સુધી સોલો ડાન્સમાં દર્શકોને ઝકડી રાખવા એક મોટો પડકાર હોય છે અને એટલે જ હું નૃત્યમાં સતત પ્રયોગો કરતી રહું છું.'
વડોદરાના પ્રસિધ્ધ નૃત્યાંગના અને એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના પુર્વ ડીન પારૃલબેન શાહે કહ્યું હતું કે 'શહેરમાં તા.૮ થી ૧૦ ફેબુ્રઆરી દરમિયાન નૃત્ય પર્વ ૨૦૨૩નું આયોજન કરાયુ છે. આ કાર્યક્રમ તમામ લોકો માટે નિઃશુલ્ક છે. તા.૮ ફેબુ્રઆરીએ પ્રસિધ્ધ ભારતનાટયમ નૃત્યકાર વૈભવ આરેકર, તા.૯ ફેબુ્રઆરીએ શમા ભાટે અને ગૃપ દ્વારા કથક તથા તા.૧૦મીએ વિશાલ ક્રિશ્નન અને ડો.દિવ્યા પટેલ દ્વારા નૃત્ય કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમો સાંજે ૭.૩૦ વાગ્યે એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાશે જ્યારે તા.૧૦ ફેબુ્રઆરીએ સવારે ૯.૩૦ વાગ્યે લક્ષ્મીવિલાસ પેલેસ કેમ્પસમાં આવેલા રાજા રવિવર્મા સ્ટડિયો ખાતે સોનલ માનસિંગ જાહેર વાર્તાલાપ કરશે. ઉલ્લેખનીય છે કે સોનલમાનસિંગ ગુજરાતી ફ્રીડમ ફાઇટર પરિવારના છે.