Updated: Mar 18th, 2023
વડોદરાઃ સયાજી નગરગૃહમાં આજે પદવીદાન સમારોહ દરમિયાન કોંગ્રેસના આગેવાન અને સેનેટ સભ્યએ ભાજપના નેતાઓની પાછળ સ્થાન અપાતાં વિરોધ કર્યો હતો.જેને પગલે ભારે ઉગ્રતા સર્જાઇ હતી અને એક તબક્કે ભાજપના પૂર્વ મંત્રી અને કોંગી સેનેટ સભ્ય સામસામે આવી જતાં વાત હાથાપાઇ સુધી આવી ગઇ હતી.
પદવીદાન સમારોહ પહેલાં પરંપરા મુજબ સેનેટ સભ્યોનું પ્રોસેસન નીકળ્યું હતું.ત્યારબાદ તેમની બેઠક વ્યવસ્થા પર બેસવા માટે કહેવાયું હતું.પરંતુ તે પહેલાં કોંગ્રેસના આગેવાન અને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે બેઠક વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો.તેમણે સેનેટ સર્વોચ્ચ સત્તા ધરાવતી હોવાથી ભાજપના નેતાઓને આગળની બે હરોળ ફાળવવાનો વિરોધ કર્યો હતો.
આ તબક્કે ભાજપના પૂર્વ શ્રમમંત્રી સહિતના આગેવાનો તેમની સામે આવી ગયા હતા અને તેમણે કાર્યક્રમમાં નાહકનો વિવાદ ઉભો નહિં કરવા માટે નરેન્દ્ર રાવતને સમજાવ્યા હતા.પરંતુ તેમણે વિરોધ જારી રાખતાં પૂર્વ મંત્રી અને સેનેટ સભ્ય વચ્ચે તુતુમૈમૈ થઇ હતી.
બનાવને પગલે લોકો ખુરશી પરથી ઉભા થઇ જતાં ઉશ્કેરાટ સર્જાયો હતો.જે દરમિયાન પોલીસ આવી જતાં નરેન્દ્ર રાવત તેમજ તેમન સાથે પ્રો.નિકુલ પટેલ અને કપિલ જોષીની બળપૂર્વક અટકાયત કરી પાણીગેટ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.