Get The App

અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા

શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ,દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં કોરોના વિસ્ફોટ,હાલમાં ૭૦૦થી વધુ એકટિવ કેસ,૧૧ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

Updated: Dec 29th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં છ મહિના બાદ કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા 1 - image

અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

અમદાવાદમાં છ મહિના બાદ બુધવારે કોરોનાના એક જ દિવસમાં નવા ૨૬૫ કેસ નોંધાવા પામ્યા છે.૧ જુને શહેરમાં કોરોનાના ૨૫૬ કેસ નોંધાવાની સાથે પાંચ લોકોના મોત થયા હતા.નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ શહેરના પશ્ચિમ ઉપરાંત  ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન ઉપરાંત દક્ષિણ ઝોનમાં નવા કેસ નોંધાયા છે.સાત ઝોનમાં આ મહિનામાં અત્યાર સુઘીમાં કોરોનાના ૮૩૫ કેસ નોંધાઈ ગયા છે.હાલની પરિસ્થિતિમાં સાત ઝોનમાં ૭૦૦થી વધુ કોરોનાના એકિટવ કેસ છે. શહેરના કુલ ૧૧ સ્થળ કોરોનાના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જે પ્રમાણે શહેરમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખી શહેરીજનોએ ભીડમાં જવાનું ટાળી કોવિડ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા તથા કોરોના વેકિસન લેવી જોઈએ એવી તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.

શહેરમાં ૨૮ ડીસેમ્બરે કોરોનાના ૧૭૮ કેસ નોંધાયા હતા.બુધવારે ૨૪ કલાકમાં જ કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા છે.બુધવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૧૮ દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.પહેલી ડીસેમ્બરથી ૨૯ ડીસેમ્બર સુધીમાં અમદાવાદમાં કોરોનાના ૮૩૫ કેસ નોંધાવા પામ્યા છે.૨૭ ડીસેમ્બરે અમદાવાદમાં કોરોનાના ૧૦૦ કેસ નોંધાયા હતા.શહેરમાં એક સમયે એક પણ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ નહોતુ.હાલમાં શહેરના ૧૧ સ્થળ કોરોનાના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રને ફરજ પડી છે.

માર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં શરૃ થયેલી કોરોના મહામારી બાદથી ૨૯ ડીસેમ્બર સુધીમાં કોરોનાના કુલ ૨,૩૯,૮૨૭ કેસ નોંધાવા પામ્યા છે. ૨૯ ડીસેમ્બર સુધીમાં ૨,૩૫,૪૫૫ લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે.માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયા બાદ ૩૪૧૨ લોકોના મોત થયા છે.બુધવારે શહેરમાં આવેલા તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૯૨૩ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૭૭૪૦ લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ મળી કુલ ૨૧૬૬૩ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે.

માસ્ક ન પહેર્યો કે  સોશિયલ ડીસ્ટન્સીંગના ભંગ બદલ ચાર્જ વસુલાશે

અમદાવાદ શહેરમાં બે દિવસમાં કોરોનાના કેસ ત્રણ આંક સુધી પહોંચી જતા મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા દ્વારા કોર્પોરેશનના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવી વધતા કેસને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણય આ મુજબ અમલમાં મુકાશે. બેઠકમાં માસ્ક ન પહેરનારા કે સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી મહત્તમ ચાર્જ વસુલવા સુચના આપવામાં આવી છે.

-જે વિસ્તારમાં કોવિડના વધુ કેસ નોંધાય એ વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવશે.

-હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૩૨ સ્થળોએ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે આ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે.એસ.ટી.સ્ટેશન ઉપરાંત રેલવે,બી.આર.ટી.એસ.કાંકરીયા લેકફ્રન્ટ,એએમટીએસ સહીતના સ્થળોએ મહત્તમ ટેસ્ટ કરવામાં આવશે.

-કોવિડ પોઝિટિવ આવવાના કેસમાં મહત્તમ કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવશે.

-કોમર્શિયલ એકમોમાં સઘન તપાસ કરવામાં આવશે.

-કોરોના રસી ના લેનારાઓને વહેલી તકે વેકિસન લેવા સમજુત કરાશે.

-ધનવન્તરી અને સંજીવની રથ દ્વારા આરોગ્ય લક્ષી સેવા સઘન બનાવાશે.

અમદાવાદમાં રોજ નવ હજાર કોવિડ ટેસ્ટ કરાય છે

શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કોરોનાના અગાઉ કરવામાં આવતા ચારથી પાંચ હજાર ટેસ્ટની સામે હવે ટેસ્ટની સંખ્યામાં વધારો કરી રોજના નવ હજાર જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

હોમઆઈસોલેશનનો ભંગ કરનારા ચાર દર્દી સામે પોલીસ ફરિયાદ કરાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટ્રીઝ એટ રિસ્કમાંથી આવતા પેસેન્જરોના એરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટ કરાય છે.પોઝિટીવ આવનારને સાત દિવસ હોમ કવોરન્ટાઈન રહેવાની તાકીદ કરાય છે.મ્યુનિ.ટીમ તરફથી પણ વખતોવખત તપાસ કરાય છે.આમ છતાં હોમઆઈસોલેશન અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો પૈકી અમેરિકાથી અમદાવાદ આવી મણિનગર વોર્ડમાં રોકાયેલા યુવક જેનો ૨૩ ડીસેમ્બરે આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમઆઈસોલેશનની ગાઈડલાઈનનો ભંગ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.ન્યુઝીલેન્ડથી ચાર વર્ષના બાળક સાથે શહેરના નિકોલમાં આવેલી મહિલા ઘરે ના મળતા તેમજ જર્મનીથી આવેલા સાઉથ બોપલના રહેવાસી કોરોના પોઝિટિવ હોવા છતાં અન્ય સ્થળે ચાલ્યા જતા પોલીસ ફરિયાદ કરાઈ છે.મ્યુનિ.સૂત્રોના કહેવા પ્રમાણે  અત્યાર સુધીમાં કુલ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ

માર્ચ-૨૦૨૦થી કોરોનાના કુલ કેસ      ૨,૩૯,૮૨૭

માર્ચ-૨૦૨૦થી સાજા થયેલા દર્દી      ૨,૩૫,૪૫૫

કોરોનાથી કુલ મોત                     ૩૪૧૨

હાલમાં કોરોનાના એકટિવ કેસ          ૭૬૫

એસ.વી.પી.હોસ્પિટલમાં દર્દી       ૬ કોરોના,એક ઓમિક્રોન

ખાનગી હોસ્પિટલમાં દર્દી            ૧૫

ઈસનપુર-આંબલીના સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા

શહેરમાં અગાઉ કુલ નવ સ્થળ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા હતા.બુધવારે દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં આવેલા સદભાવ ફલેટના ૯ મકાનના ૩૭ લોકો અને ઉત્તર-પશ્ચિમ ઝોનના આંબલીમાં આવેલા અભિશ્રી બંગ્લોઝ ભાગ-બેના છ મકાનના ૩૮ લોકોને કોરોના સંક્રમણને કારણે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં કુલ ૧૧ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.