ડાંગના જંગલોમાં ૫૦ વર્ષ પછી ધોલ અને ચોસિંગાની હાજરી નોંધાઈ
માણસને જુએ એટલે ધોલ ઝીણી સિસોટી વગાડી એકબીજાને ચેતવતા હોવાથી તે વ્હિસલિંગ ડોગ તરીકે ઓળખાય છે
![]() |
ધોલ |
ગુજરાતમાં સિંહ, દીપડા અને મધ્યપ્રદેશના વાઘ પછી ધોલ એ ચોથુ શિકારી પ્રાણી છે જે શિકારમાં ભલભલા ખૂંખાર પ્રાણીઓને હંફાવી દે છે. વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીએ ૧૯૭૦માં અહીંના જંગલોમાં ધોલને જોયા હતા અને તેમના ફોટો ક્લિક કર્યા હતા ત્યારબાદ ૫૦ વર્ષ પછી આ જંગલમાં ફરી એકવાર નર અને માદા એમ બે ધોલ જોવા મળ્યા છે. ઉપરાંત ડાંગના પૂર્ણા જંગલમાં છેલ્લે ૨૦૦૩-૦૪માં સર્વે દરમિયાન નોંધાયેલા ચોસિંગા પણ મે મહિનામાં જોવા મળ્યા છે જે ગુજરાત માટે ગર્વની વાત કહેવાય.
વન વિભાગના અધિકારી દિનેશ રબારીએ કહ્યું કે, જંગલ વિસ્તારમાં કેમેરા ગોઠવવામાં આવ્યા છે જેમાં ફેબુ્રઆરી માસમાં નર અને માદા ધોલનું જોડુ એકસાથે કેમેરામાં કેદ થયું હતું.જંગલી કૂતરા તરીકે ઓળખાતું ધોલ સામાન્ય નજરે દેશી કૂતરા જેવું લાગે છે. વરુ અને શિયાળ વચ્ચેનું કદ, લાલાશ પડતા ભૂખરા રંગનું શરીર તેમજ તેની પૂંછડી ગુચ્છાદાર વાળવાળી હોય છે. ધોલ જ્યારે માણસને જુએ ત્યારે ઝીણી સિસોટી વગાડી એકબીજાને સાવચેત કરે છે. જેથી તે અંગ્રેજીમાં વ્હિસલિંગ ડોગ તરીકે પણ ઓળખાય છે.
દુર્લભ ધોલનો સમાવેશ ઈન્ડિયન વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત યાદીમાં થયો છે. તેવી જ રીતે કેમેરામાં કેદ થયેલા ચોસિંગા વિશે પૂર્ણા અભ્યારણના અધિકારી અગ્નિશ્વર વ્યાસે કહ્યું કે અહીં ૨૦૦૩-૦૪માં પ્રાણીઓનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોસિંગાનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ ૧૬-૧૭ વર્ષ પછી ફરી જોવા મળ્યું છે. હરણની પ્રજાતિનું ચોસિંગા લુપ્તતાને આરે હોવાથી તેનો સમાવેશ શેડ્યૂલ-૧માં કરાયો છે. ચોસિંગા ઊંચા પહાડો અને ગાઢ જંગલોમાં રહેતા હોવાથી તેની એક ઝલક મેળવવી પણ મુશ્કેલ થઈ પડે છે.
ધોમધખતા ઉનાળામાં જ નર અને માદા ચોસિંગા એકબીજાને મળે છે
એમ.એસ.યુનિ.ના ઝૂઓલોજી વિભાગના પ્રો.રણજિતસિંહ દેવકરે કહ્યું કે દક્ષિણ ગુજરાતના જંગલો ચોસિંગાથી ઓળખાતા હતા. પરંતુ જંગલોનો નાશ થતા તેની સંખ્યા લુપ્ત થવા લાગી છે. જો કે ફરી જોવા મળ્યા તે ગુજરાત માટે સારી વાત છે. ચોસિંગા એટલી હદે શરમાળ પ્રાણી છે કે તે ક્યારેય ઝૂંડમાં જોવા મળતું જ નથી, હંમેશા એકલા જ ફરતા હોય છે.
ધોમધખતા ઉનાળામાં જ્યારે જંગલમાં તમામ નદી-નાળા સૂકાઈ જાય અને માત્ર એક જ તલાવડી ભરેલી હોય ત્યારે અહીં પાણી પીવા આવતા હોવાથી નર અને માદા ચોસિંગાની મુલાકાત થાય છે. આ સમયમાં તેઓ પ્રજનન કરે છે. ત્યારબાદ તુરંત બંને અલગ થઈ જાય છે, બચ્ચુ આવ્યા પછી જેવું તે ઘાસ ચરવાનું ચાલુ કરે તેવું તુરંત તેની માતા પણ તેનાથી અલગ થઈ જાય છે.
દીપડાનો શિકાર નિષ્ફળ જાય પણ ધોલનો ક્યારેય નહીં
પ્રો.દેવકરે કહ્યું કે ગુજરાતમાં ધોલ જોવા મળ્યું તેનો મતલબ એ છે કે જંગલનો વ્યાપ વધ્યો છે.ધોલ ખૂંખાર અને ખૂબ સારુ શિકારી પ્રાણી માનવામાં આવે છે. દીપડો ૧૦ વાર કોઈ પ્રાણી પર હુમલો કરે ત્યારે એકવાર ખોરાક મળે છે જ્યારે ધોલનો શિકાર પરનો વાર ક્યારેય ખાલી જતો નથી. જો ધોલ ઝૂંડમાં હોય તો વાઘને પણ હંફાવીદઈ તેને ફાડી ખાય છે.