બાળકોના મૃત્યુની સ્મશાનગૃહોમાં વ્યવસ્થિત નોંધ રાખવા વ્યવસ્થા ગોઠવાશે
રામનાથ સ્મશાનગૃહ ૭ કરોડના ખર્ચે નવું બનાવવા કોર્પો.નું તંત્ર નાણાં ફાળવતું નથી
વડોદરા, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર
વડોદરા શહેરના સ્મશાનોમાં બાળમૃત્યુ અંગેની કોઈ નોંધ રાખવામાં આવતી નથી. જેથી આ મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સમગ્ર સબામાં સવાલ કરવામાં આવતા મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે બાળકોના મોતની સ્મશાનગૃહોમાં વ્યવસ્થિત નોંધ થાય તે માટેની વૈજ્ઞાાનિકઢબે વ્યવસ્થા ગોઠવાશે.
કોર્પોરેશનની સભામાં વોર્ડ નં-૯ના આરએસપીના કોર્પોરેટરે રજૂઆત કરી હતી કે સ્મશાનમાં જે કોઈ મૃતદેહ લઈને આવે છે તેમાં ડોકટરની ચિઠ્ઠી સાથે લાવે છે અને ચિઠ્ઠી ઓફિસમાં જ રાખી દેવાય છે. જે બીજા દિવસે પરત લઈ લેવાય છે જેથી મ્યુનિ.કમિશનરે કહ્યું હતું કે મૃતદેહની ઉંમરના આધારે ખબર પડી શકે છે, પરંતુ બાળકો માટે જે અલગ નોંધ રાખવાની હોય છે. તે માટે વ્યવસ્થા ગોઠવાશે.
સ્મશાન પ્રશ્ને વોર્ડ નં.૧૪ના વાડી વિસ્તારનાં ભાજપના વિવિધ કોર્પોરેટરે કહ્યું હતું કે રામનાથ સ્મશાન નવું આધુનિક બતાવવા માટે છેલ્લા દશ વર્ષથી રજૂઆત થાય છે. ૭ કરોડના ખર્ચનો અંદાજ પણ તૈયાર કરાયો હતો, અને આર્કિટેકટ પાસે વ્યવસ્થિત ડિઝાઈન તૈયાર કરાવી હતી. આર્કિટેકટની ફી ચૂકવી દેવાઈ છે. ચાલુ વર્ષે જ નવા સ્મશાન માટેનું ખાતમુહૂર્ત કરી દેવાય તો એક સભ્ય તરીકે મને વાર્ષિક જે રૃા.૨૫ લાખનો કવોટા મળે છે. તે સ્મસાન માટે વાપરવા લખી આપુ છુ. અહી બાળકોને દાટવા માટેની ડિઝાઈન પણ સરસ તૈયાર કરી છે. દાટવા માટે ૨૨ બોક્સ બનાવ્યા છે. જેમાં મૃત બાળકને દાટી મીઠું વગેરે નાખી દેવાતા ૧૧ દિવસમાં જ મૃત શરીર માટી સાથે ભળી જાય છે. બોકસની રચના એવી છે કે વારંવાર ખોદકામ પણ ન કરવું પડે.
છેલ્લા ૧૦ વર્ષથી સ્મશાનમુદ્દે ગોળ ગોળ ફેરવતા તંત્રને સ્મસાન માટે ૭ કરોડ રૃપિયા ન મળી શકે તેવો સવાલ કરી રોષ ઠાલવતા કહ્યું હતું કે ગેરકાયદે પાઈપ લાઈનો અને કનેકશનોના કામો થતા હોય તો પછી ૭ કરોડ મંજૂર કરવા શું વાંધો છે ? જ્યારે વોર્ડ નં.૧૦ના ભાજપના સિનિયર મહિલા કોર્પોરેટરે ગોત્રી સ્મશાનમાં મૃત બાળકોને દાટવા માટેની જગ્યા ઓછી પડતી હોવાથી વધુ જગ્યા આપવા રજૂઆત કરી હતી. વાસણા- ગોત્રી સ્મશાન ત્રણ કરોડના ખર્ચે તૈયાર કર્યું છે. પરંતુ સફાઈ માટેની વ્યવસ્થા ના હોઈ ઠેકાણ નહી હોવાથી ઝાડી ઝાંખરા ઊગી ગયા હોવાના મુદ્દે પણ આજ વોર્ડના કોર્પોરેટરે રજૂઆત કરી હતી.