મંદિર-મસ્જિદ સહીત ધાર્મિક સ્થાનોમાં તપાસ : 6 પોઝિટિવ
- કોરોનાની ધાર્મિક સ્થળોમાં તપાસ
- ઘુમા ભીમનાથ મહાદેવમાંથી ત્રણ,ભારતી આશ્રમ મહાદેવમાંથી એક પોઝિટિવ કેસ
અમદાવાદ, તા. 24 જુલાઇ, 2020, શુક્રવાર
મ્યુનિ. દ્વારા કોરોના સંક્રમણને શરૂ કરવામાં આવેલી તપાસ હવે શહેરના ધાર્મિક સ્થળો સુધી પહોંચી છે.બે દિવસમાં અમદાવાદમાં આવેલા વિવિધ મંદિર,મસ્જિદ, ગુરૂદ્વારા અને દેરાસરમાં તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ કરેલી કાર્યવાહીમાં કુલ છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
મળતી માહીતી પ્રમાણે,મ્યુનિ.દ્વારા અમદાવાદમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોમાં અનલોક-ટુ બાદ કોરોના સંક્રમણને લઈને શું પરિસ્થિતિ છે એ માટે વિવિધ ટીમો દ્વારા એન્ટીજન ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરો,મસ્જીદ,ગુરૂદ્વારા અને દેરાસરની અંદર પણ તંત્ર દ્વારા સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી છે.
23 જુલાઈના રોજ ધાર્મિક સ્થળોમાં કુલ 276 અને 24 જુલાઈના રોજ 288 એમ કુલ મળીને 564 જેટલા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.આ ટેસ્ટ સામે કુલ છ પોઝિટિવ કેસ મળ્યા છે.ભારતી આશ્રમ મહાદેવ ખાતે 25 ટેસ્ટ કરાયા હતા જેમાંથી એક પોઝિટિવ કેસ મળ્યો છે.ઘુમાના ભીમનાથ મહાદેવ ખાતે 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે પૈકી ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે.
બોપલના ઉમિયામાતા મંદિર ખાતે 43 ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ મળ્યો છે.જયારે વેજલપુરના બુટભવાની મંદિર ખાતે પાંચ ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ મળ્યો છે.જોધપુરમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર ખાતે એક ટેસ્ટ કરાયો હતો પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.કાંકરીયા ખાતે આવેલા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે 48 લોકોના ટેસ્ટ કરાયા હતા એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.